અમદાવાદ: વર્લ્ડ કપની ફાઈનલ પહેલા યોજાશે ઍૅર શો, ઍર ફોર્સની સૂર્ય કિરણ ટીમ દ્વારા કરાયુ ગ્રાન્ડ રિહર્સલ
અમદાવાદ: વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાનારી વર્લ્ડ કપની ફાઈનલ મેચને લઈને સહુ કોઈની ધડકનો તેજ થઈ ગઈ છે અને હવે આ મેચને ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે. આ રોમાંચક મેચને વધુ રોમાંચક બનાવવા ઍરફોર્સની ટીમ દ્વારા ઍર શો પણ યોજવામાં આવશે. જેને લઈને બે દિવસથી તેનુ રિહર્સલ પણ કરવામાં આવી રહ્યુ છે.
વિશ્વનું સૌથી વિશાળ સ્ટેડિયમ, સૌથી રોમાંચક મુકાબલો અને ઐતિહાસિક એર શો. ક્રિકેટ વિશ્વકપની ફાઇનલ પહેલા અમદાવાદનું આસમાન સુર્ય કિરણ પ્લેનના કરતબથી ગૂંજી ઉઠશે. ભારતીય વાયુસેનાની સૂર્ય કિરણ એરોબેટિક ટીમ મેચ શરૂ થતા પહેલા દિલધડક કરતબો કરશે. 19 નવેમ્બરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે વન-ડે ક્રિકેટ વર્લ્ડકપ 2023ની ફાઈનલ મેચ રમાનાર છે. જેમાં ભારતીય એરફોર્સની સૂર્યકિરણ એરોબેટીક એરશૉ યોજશે. ફાઇનલના દિવસે એરશૉ યોજાય એ પૂર્વે વિશેષ ગ્રાન્ડ રિહર્સલ યોજાયું. જેમાં સૂર્યકિરણ ટીમના 9 એરક્રાફ્ટ જોડાયા હતા.
ફાઈનલ મુકાબલા પહેલા ઍર શોના રિહર્સલે પણ જમાવ્યુ ભારે આકર્ષણ
રવિવારે બપોરે 2 કલાકે વનડે ક્રિકેટ વર્લ્ડકપની ફાઇનલના દિવસે ભારતીય એરફોર્સની સૂર્યકિરણ ટીમ એરશૉ યોજશે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમના આકાશી ભાગમાં યોજાનાર એર શૉ માટે વાયુસેનાની સૂર્યકિરણ એરોબેટીક ટીમે શુક્રવાર બપોરે 1:30 કલાકે ગ્રાન્ડ રિહર્સલ કર્યું હતું. સુર્યકિરણ ટીમે ગઈકાલે 4 એરક્રાફ્ટ સાથે રિહર્સલ કર્યું હતું. જ્યારે આજે(17.11.23) પુરા 9 વિમાનો સાથે રિહર્સલ કર્યું હતું.
PM મોદી, ઓસ્ટ્રેલિયાના ડેપ્યુટી પીએમ રિચાર્ડ માર્લ્સ રહેશે ઉપસ્થિત
આ રિહર્સલ સમયે ઘોંઘાટના કારણે મોટેરા, ચંદલોડીયા, GTU વિસ્તારમાં લોકો આશ્ચર્ય સાથે બહાર જોવા નીકળી ગયા હતા. રવિવારે ફાઇનલ મેચની શરૂઆત થાય એ પૂર્વે બપોરે દોઢથી બે વાગ્યા દરમિયાન ઍર શો યોજાશે. એ સમયે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઓસ્ટ્રેલિયાના નાયબ વડાપ્રધાન રિચાર્ડ માર્લ્સ પણ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ઉપસ્થિત રહેશે.
શું છે સુર્યકિરણ ટીમ?
ભારતીય વાયુસેનાની સૂર્યકિરણ ટીમ 9 વિમાનોની એરોબેટીક ટીમ છે. આ ટીમનું ગઠન 1996માં થયું હતું. 2011 સુધી ઍર શૉ કર્યા બાદ આ ટીમને વિખેરી નાખવામાં આવી હતી. પુનઃ 2017માં સૂર્યકિરણ ટીમનું ગઠન કરવામાં આવ્યું. જે HAWK MK-132 એડવાન્સ જેટ ટ્રેનર એરક્રાફ્ટ સાથે દુનિયા ભરના એર શૉ કરે છે. આ વિશેષ ટીમના વિમાનનો કલર વ્હાઈટ અને ઓરેન્જ હોય છે. ભારતીય વાયુસેના ટ્રેનિંગ માટે પણ આ ઍરક્રાફ્ટનો ઉપયોગ કરે છે.