Ahmedabad: અમદાવાદીઓ આનંદો, બે વર્ષથી બનીને ધૂળ ખાઈ રહેલુ રિવરફ્રન્ટ સ્પોર્ટ્સ સંકુલ આખરે શહેરીજનો માટે ખુલ્લુ મુકાયું
Ahmedabad: રમતગમત સાથે સંકળાયેલા અમદાવાદીઓ માટે આનંદના સમાચાર એ છે કે રિવરફ્રન્ટ સ્પોર્ટસ સંકુલને આખરે શહેરીજનો માટે ખુલ્લુ મુકવામાં આવ્યુ છે. આ સંકુલ બે વર્ષથી બનીને તૈયાર હતુ પરંતુ લોકાર્પણના વાંકે ધૂળ ખાઈ રહ્યુ હતુ. ત્યારે તંત્રને આજે સ્પોર્ટ્સ સંકુલનું લોકાર્પણ યાદ આવ્યુ અને રમતવીરો માટે તેને ખુલ્લુ મુકવામાં આવ્યુ છે.
Ahmedabad: રમતપ્રેમી અમદાવાદીઓની આતુરતાનો આજે અંત આવ્યો છે. છેલ્લા બે વર્ષથી બનીને તૈયાર પડેલ રિવરફ્રન્ટ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સને આજે ખુલ્લું મુકવામાં આવ્યું. અંદાજિત 26 કરોડના ખર્ચે 45000 ચોરસ મીટરની જગ્યામાં બે અલગ-અલગ જગ્યા પર તૈયાર થયેલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું સંચાલન અદાણી સ્પોર્ટસલાઈન આગામી પાંચ વર્ષ સુધી કરશે.
છેલ્લા બે વર્ષથી શોભાના ગાંઠિયા સમાન તૈયાર થઈ પડી રહેલા અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર બનેલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સને આખરે ખુલ્લું મુકવામાં આવ્યું છે. 25.66 કરોડના ખર્ચે 45 હજાર ચોરસમીટરની જગ્યામાં તૈયાર થયેલા સ્પોર્ટ્સ સંકુલમાં ચાર ક્રિકેટ પ્રેક્ટિસ પીચ,ટેનિસ કોર્ટ, જિમ, 800 મીટરનો જોગિંગ ટ્રેક,બાસ્કેટ બોલ,વોલીબોલ માટેના મેદાન છે. સ્કેટિંગ કરતા કે શીખવા માંગતા બાળકો કે ખેલાડીઓ માટે સ્કેટિંગ માટેનો સિન્થેટિક ટ્રેક તૈયાર કરાયો છે. આ સિવાય સ્કેટ બોર્ડ માટેનો વિશેષ ટ્રેક તૈયાર કરાયો છે. ગુજરાતમાં સ્કેટ બોર્ડ માટેનો માત્ર એક ટ્રેક વડોદરામાં છે. જો કે એ નાનો છે ત્યારે પ્રોફેશનલ સ્કેટ બોર્ડ પ્લેયર્સને રિવરફ્રન્ટ પર આંતરરાષ્ટ્રીય કક્ષાનો સ્કેટ બોર્ડ ટ્રેક મળી રહેશે.
અદાણી સ્પોર્ટસલાઈનને સંચાલનનું ટેન્ડર
સ્પોર્ટ્સ સંકુલ અમદાવાદ મનપા અને સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લીમિટેડે તૈયાર કર્યું છે. સતત બંધ રહેતા અગાઉ મહાનગરપાલિકામાં વિપક્ષના નેતા અને કાર્યકરોએ જાતે જ ઉદ્દઘાટન કરી દીધુ હતુ. ત્યારબાદ નેશનલ ગેમ્સની કેટલીક રમતો આ મેદાન પર રમાઈ હતી. છેલ્લે બે કંપનીઓએ ટેન્ડર પ્રક્રિયામાં ભાગ લીધો. જેમાં અદાણી સ્પોર્ટસલાઈનને વાર્ષિક 1.20 કારોડના દરે પાંચ વર્ષ માટે સ્પોર્ટ્સ સંકુલ સંચાલન આપવામાં આવ્યું હતું.જેનું આજે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે.આગામી સમયે અદાણી દ્વારા તેના દરો જાહેર કરવામાં આવશે.
આ પણ વાંચો: 1 થી 8 ધોરણ સુધીના બાળકો બનશે ડિજિટલ, શિક્ષણ વિભાગ દ્વારા તૈયાર કરવામાં આવી રહ્યો છે કોમ્પ્યુટરનો અભ્યાસક્રમ
સ્પોર્ટ્સ કોમ્પલેક્સની વિશેષતા
સાબરમતી રિવરફ્રન્ટના પશ્ચિમ તરફના છેડે 45,000 ચોરસ મીટર એરિયામાં સમગ્ર સંકુલ તૈયાર કરાયું છે. જેમાં ચાર ક્રિકેટની પીચ અને પાંચ ટેનિસ કોર્ટ છે. ચાર જેટલી મલ્ટીપલ સ્પોર્ટસ કોર્ટ તૈયાર કરવામાં આવી છે. અહીં 800 મીટર લાંબો જોગિંગ ટ્રેક બનાવાયો છે. યુટીલિટી બિલ્ડિંગ અને ટોયલેટ બ્લોક લગાવાયા છે.અંદાજે 18 કરોડના ખર્ચે પશ્ચિમના સ્પોટ્ર્સ કોમ્પલેક્સનું નિર્માણ થયું છે. પૂર્વના છેડે તૈયાર કરાયેલા હાઈટેક સંકુલની વાત કરીએ તો 7,503 ચોરસ મીટરથી વધુ વિસ્તારમાં પાંચ ક્રિકેટની પીચ અને બે બાસ્કેટ બોલ કોર્ટની સાથે જ બે વોલિબોલ કોર્ટ અને ચિલ્ડ્રન પ્લે એરિયા બનાવાયો છે.અહીં 320 મીટરનો જોગિંગ ટ્રેક છે. 26 કરોડના ખર્ચે બનેલા સ્પોર્ટ્સ કોમ્પલેક્સમાં ખેલાડીઓને પ્રોફેશનલ કોચિંગ મળી રહે તેવું આયોજન પણ કરવામાં આવ્યું છે.
અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો