Ahmedabad: આવકવેરા વિભાગના એડિશનલ ઈન્કમટેક્સ કમિશનર વિરુદ્ધ ACBમાં 30 લાખની લાંચ માગવાની નોંધાઈ ફરિયાદ
Ahmedabad: આવકવેરા વિભાગના એડિશનલ ઈન્કમટેક્સ કમિશનર સંતોષ કરનાની સામે 30 લાખની લાંચ માગવાની ફરિયાદ નોંધાઈ છે. આરોપીએ ફરિયાદીને મોટુ આર્થિક નુકસાન કરવાની ધમકી આપી એ નુકસાન ન થાય તેવુ કામ કરવા માટે 30 લાખની લાંચ માગી હતી.
અમદાવાદમાં આવકવેરા (Income Tax) વિભાગના એડિશનલ કમિશનર (Additional Commissioner) સામે લાંચ માગવાની ફરિયાદ નોંધાઈ છે. એડિશનલ કમિશનર સંતોષ કરનારની સામે 30 લાખની લાંચ માગવાની ફરિયાદ નોંધાઈ છે. જેમાં આરોપીએ ફરિયાદીને મોટુ આર્થિક નુકસાન કરવાની ધમકી આપી હતી અને નુકસાન ન થાય તેવું કામ કરવા માટે રૂપિયા 30 લાખની લાંચ (Bribe)ની માંગણી કરનાર એડિશનલ ઇન્કમટેક્સ કમિશનર વિરુદ્ધમાં એન્ટીકરપ્શન બ્યુરોમાં ફરિયાદ નોંધાઈ છે. જોકે ACB જ્યારે આરોપીને પકડવા માટે ઈન્કમટેક્સ ઓફિસ પહોંચી ત્યારે કર્મચારીઓ દ્વારા કરવામાં આવેલ હોબાળાનો લાભ લઇ એડિશનલ ઇન્કમટેક્સ કમિશનર ત્યાંથી ફરાર થવામાં સફળ રહ્યા હતા.
વર્ષ 2021માં ઈન્કમટેક્ષ વિભાગ અમદાવાદ વિંગ દ્વારા ACBના ફરીયાદીના ઘરે, વ્યવસાયના સ્થળે તેમજ ફરિયાદીની કંપનીના કર્મચારીઓને ત્યાં સર્ચ કરવામાં આવ્યું હતું અને આ સર્ચ દરમ્યાન કબ્જે કરેલ કાગળો તથા કરેલ કાર્યવાહીનાં કાગળોનો એપ્રેઝલ રીપોર્ટ બનાવવામાં આવેલ અને આ કાર્યવાહી બાદ સર્ચ બાબતનો કેસ ઈન્કમટેક્ષ વિભાગ અમદાવાદના સેન્ટ્રલ સર્કલ રેન્જ-1ના એડીશનલ ઈન્કમ ટેક્ષ કમિશનર સંતોષ કરનાની પાસે હતો. આ ઈન્કમટેક્ષ વિભાગ અમદાવાદના એડીશનલ ઈન્કમ ટેક્ષ કમિશનર સંતોષ કરનાની વારંવાર તેમની ઓફિસે ફરિયાદીને બોલાવી ખુબ જ મોટુ આર્થિક નુકસાન કરાવવાની વારંવાર ધમકી આપીને અને આર્થિક નુકસાન ન થાય તેવું કામ કરવા માટે ફરીયાદી પાસેથી રૂપિયા 30 લાખની લાંચ માગી હતી.
3જી ઓક્ટોબરના દિવસે આરોપીએ ફરીયાદી બિલ્ડરને મળવા બોલાવેલા હતા. જેથી ફરીયાદી તેઓને મળવા તેમની ઓફિસે ગયા હતા. આ દરમિયાન આરોપીએ ફરીયાદીને મદદ કરવાના ભાગ રૂપે રૂપિયા 30 લાખની લાંચની માંગણી કરી હતી અને તે પૈસા આરોપીએ ફરીયાદીને ધારા નામની કુરીયર ઓફીસ, સિંધુભવન રોડ, અમદાવાદ ખાતે સાંકેતિક એકાઉન્ટમાં જમા કરાવવાનું કહ્યુ હતુ. પરંતુ ફરીયાદી લાંચની રકમ આપવા માંગતા ના હોવાથી તેમણે ACBનો સંપર્ક કર્યો હતો.
ACBએ છટકું ગોઠવી આંગડીયા પેઢીમાં આરોપીને આપવાની લાંચની રકમ રૂપિયા 30 લાખ જમા કરાવી હતી અને આરોપીએ ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી હતી. બાદમાં ACBએ આંગડીયા પેઢીમાંથી આરોપીને આપવાના લાંચના નાણા રૂપિયા 30 લાખ કબ્જે કર્યા છે. જો કે ACBની ટીમ આરોપીને પકડવા માટે ઈન્કમટેક્સ ઓફિસ પહોંચતા જ હોબાળો થયો હતો. જેથી આરોપી તકનો લાભ લઈ ફરાર થઈ ગયા હતા.