અમદાવાદના જીવરાજપાર્ક ચાર રસ્તા પાસે આજે સવારે એસીના ગોડાઉનમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર, એક મકાનમાં રાખવામાં આવેલું એસીનું મોટું ગોડાઉન આગની ઝપટમાં આવતાં આસપાસના વિસ્તારોમાં દહેશતનો માહોલ છવાયો છે. આગની તીવ્રતા એટલી વધી ગઈ કે આખા વિસ્તારમાં ધુમાડાના ગોટા જોવા મળ્યા.
આ ઘટનાની જાણ થતાંજ ફાયરબ્રિગેડ દોડતી થઇ હતી. પ્રહલાદનગર, નવરંગપુરા અને જમાલપુર ફાયર સ્ટેશનમાંથી કુલ 10 ફાયર ફાઈટિંગ ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે મોકલવામાં આવી છે. આગને કાબૂમાં લેવા માટે ફાયર વિભાગ દ્વારા જહેમતભર્યા પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે.
સ્થાનિક ધારાસભ્ય અમિત ઠાકર પણ ઘટનાસ્થળે પહોંચી ગયા છે અને આગની સ્થિતિનો ઘનિષ્ઠ અવલોકન કર્યો છે. અત્યારસુધીમાં જાનહાનિ અંગે કોઈ પુષ્ટિ થઇ નથી, પરંતુ માલસામાનને ભારે નુકસાન થયાનું અનુમાન છે. આગ લાગવાની સાચી કામગીરીનું કારણ હજુ બહાર આવવાનું બાકી છે.
અમદાવાદના જીવરાજપાર્ક વિસ્તારની જ્ઞાનદા સોસાયટીમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. આગ એટલી વિકરાળ હતી કે 10થી વધુ ધડાકાઓ થયા હતા, જેને કારણે વિસ્તારમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો. આગમાં એક મકાન સંપૂર્ણ રીતે બળીને ખાખ થયું છે, તેમજ ત્યાં પાર્ક કરેલી 5 ગાડીઓ પણ આગની ઝપટમાં આવી ગઈ.
આ ઘટનામાં બે વર્ષના બાળક અને તેની માતાનું ફાયર વિભાગના જવાનો દ્વારા સફળ રેસ્ક્યૂ કરવામાં આવ્યું. બંને ઈજાગ્રસ્તોને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
પ્રાથમિક માહિતી પ્રમાણે, આગ લાગેલું મકાન જગદીશ મેઘાણીનું છે, જ્યાં ગેરકાયદેસર રીતે એસી રીપેરીંગનું કામ અને ગોડાઉન ચાલી રહ્યું હતું. મકાનમાં એસીના સિલિન્ડરો તથા અન્ય સંવેદનશીલ સામાન મૂકાયેલ હતો, જેના કારણે વિસ્ફોટની સ્થિતિ ઊભી થઈ. સ્થાનિક ધારાસભ્ય અમિત ઠાકર પણ ઘટના સ્થળે પહોંચી ગયા છે અને સમગ્ર ઘટનાક્રમની જાણકારી મેળવી છે. અધિકારીઓ દ્વારા વધુ તપાસ હાથ ધરાઈ રહી છે.