ઓનલાઇન ગેમિંગનું પ્રમોશન કરતાં સોશિયલ મિડીયા ઇન્ફ્લુએન્સર સામે કાર્યવાહી
રાજકોટ પોલીસે ઓનલાઇન ગેમિંગનું પ્રમોશન કરતાં સોશિયલ મિડીયા ઇન્ફ્લુએન્સર સામે કાર્યવાહી કરી છે. સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા બે ઇન્ફ્લુએન્સર પર કાર્યવાહી કરવામાં આવી છે.

રાજકોટ પોલીસે ઓનલાઇન ગેમિંગનું પ્રમોશન કરતાં સોશિયલ મિડીયા ઇન્ફ્લુએન્સર સામે કાર્યવાહી કરી છે. સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા બે ઇન્ફ્લુએન્સર પર કાર્યવાહી કરવામાં આવી છે. દિપ ગોસ્વામી અને ધાર્મિક વાઘાણી નામના બે શખ્સોની પોલીસે ધરપકડ કરી છે. બંન્ને ઇન્ફ્લુએન્સર ઓનલાઇન ગેમિંગનું પ્રમોશન કરતા હતા. વરલી મટકાં અને બેટિંગ કરવાની ગેમ રમાડવા માટેની વેબસાઇટનું પ્રમોશન કરતા હતા.
બંને ઇન્ફ્લુએન્સરને ઓનલાઇન ગેમના પ્રમોશન માટે લાખો રૂપિયાનું કમિશન મળતું તેવું તપાસમાં સામે આવ્યું હતું. જણાવી દઈએ કે, બંને ઇન્ફ્લુએન્સરની ઇન્સ્ટાગ્રામ પર ફેન ફોલોઈન્ગ ગજબની હતી. દિપ ગોસ્વામીના ફોલોઅર્સની વાત કરીએ તો લગભગ 322K જેટલા તેના ફોલોઅર્સ હતા, જ્યારે ધાર્મિક વાઘાણીના 95.4k જેટલા ફોલોઅર્સ હતા.
રાજકોટ શહેરમાં સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે બંને યુવા ઇન્ફ્લુએન્સરની પૂછપરછ કરવામાં આવી હતી. પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું હતું કે, તેઓ ઓનલાઇન ગેમ્બલિંગ પ્રમોશન માટે રીલ બનાવતા હતા. તેઓ એક રીલ બનાવવા માટેના અંદાજિત 7,000 રૂપિયા લેતા હતા. જણાવી દઈએ કે, બંને ઇન્ફ્લુએન્સર પર જુગાર ધારાની કલમ 12(A) લગાડવામાં આવી છે અને તે અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં વરલી મટકાં અને બેટિંગ કે જુગાર રમવો એ કાયદાકીય રીતે પ્રતિબંધિત છે. ધરપકડ કરાયેલા બન્ને યુવકો, અન્યોને વરલી મટકાં અને બેટિંગ કરવા પ્રોત્સાહીત કરી રહ્વાના આરોપસર કાર્યવાહી કરવામાં આવી છે.
