માલધારી સમાજની 75000થી વધુ બહેનોએ અદ્દભૂત હુડો રાસ રમી ગુજરાતી સંસ્કૃતિનો નોંધાવ્યો રેકોર્ડ- Video
ભાવનગરના બાવળિયાળી ઠાકર ધામમાં યોજાયેલા પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ દરમિયાન 75,000થી વધુ માલધારી સમાજની મહિલાઓએ ગોપી હુડો મહારાસ રમીને ઇન્ડિયન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો. આ કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી પણ ઉપસ્થિત રહ્યા હતા. આ ઘટના ગુજરાતી સંસ્કૃતિ અને મહિલા સશક્તિકરણનું ઉત્તમ ઉદાહરણ છે.
ભાવનગરના ભાલ પંથકમાં આવેલું બાવળીયાળી ધામ આજે ગોકુળિયું ગામ બની ગયું. બાવળીયાળી ઠાકર ધામમાં 14થી 22 માર્ચ સુધી પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના ધાર્મિક કાર્યક્રમનું આયોજન 1008 મહામંડલેશ્વર મહંત રામ બાપુની પ્રેરણાથી કરાયું છે. આ પ્રસંગે ખાસ ભાઈશ્રી રમેશભાઈ ઓઝા દ્વારા ભાગવત ગોપ જ્ઞાન કથાનું રસપાન લોકોએ કર્યું, જેમા પાંચમા દિવસે માલધારી ભરવાડ સમાજની દીકરીઓ દ્વારા ગોપી હુડો મહારાસ રમીને ઇન્ડિયન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું છે. આ ઉપલબ્ધિ માટે એક સાથે 75 હજારથી વધુ માલધારી સમાજની દીકરીઓ, મહિલાઓ દ્વારા ગોપી હુડો રાસ રમીને રેકોર્ડ નોંધાવ્યો. આ ગોપી હુડો મહારાસને નિહાળવા માટે રાજ્યના મુખ્યમંત્રી પણ બાવળીયાળી ધામ પહોંચ્યા હતા.
આ તકે CM ભૂપેન્દ્ર પટેલે આ ઐતિહાસિક સિદ્ધિ બદલ માલધારી સમાજની દીકરીઓને અભિનંદન પાઠવ્યા હતા. બાવળિયાળી ઠાકર ધામ એ આ વિસ્તારમાં આસ્થાનું મહત્વનું કેન્દ્ર છે. આ કાર્યક્રમમાં માલધારી સમાજની બહેનોએ પરંપરાગત વેશભૂષામાં સજ્જ થઈને ગોપી હુડો મહારાસની રમઝટ બોલાવી હતી. એક સાથે આટલી મોટી સંખ્યામાં બહેનોએ રાસ રમીને રેકોર્ડ સ્થાપિત કર્યો છે, જે માલધારી સમાજ માટે ગૌરવની ક્ષણ છે. આ કાર્યક્રમ દ્વારા માલધારી સમાજની સાંસ્કૃતિક વિરાસત અને એકતાનું અનોખું ઉદાહરણ પ્રસ્તુત થયું છે. આ સાથે તેમણે ગુજરાતી સંસ્કૃતિનું પણ ગૌરવ વધાર્યુ છે. આ ઐતિહાસિક રાસ રમી આ દીકરીઓએ ગુજરાતની પરંપરાગત ઓળખ ગણાતા ગરબાને વૈશ્વિક ફલક પર પહોંચાડી છે.