Gold: હવે ડિજિટલ ગોલ્ડ પણ જોખમમાં ! જો ચોરાઈ જાય તો તરત જ કરો આ કામ, નહીં તો લેવાના દેવા થઈ જશે
ડિજિટલ ગોલ્ડને રોકાણ કરવા માટેનો એક સુરક્ષિત વિકલ્પ માનવામાં આવે છે પરંતુ આજના સમયમાં હવે તો તે પણ સલામત નથી. જાણો કેમ ડિજિટલ ગોલ્ડને હવે સુરક્ષિત રોકાણનો વિકલ્પ નથી માનવામાં આવતો.

થોડા સમય પહેલા આદિત્ય બિરલા કેપિટલ ડિજિટલ (ABCD) પર સાયબર હુમલો થયો હતો. આ હુમલાથી કરોડોનું ડિજિટલ સોનું ચોરાઈ ગયું હતું. આવી સ્થિતિમાં, તમારી સાથે આવું ક્યારેય ન બને તેનું ખાસ ધ્યાન રાખો.
મીડિયા રિપોર્ટ અહેવાલ મુજબ, સાયબર હુમલાખોરોએ 9 જૂને આદિત્ય બિરલા કેપિટલ ડિજિટલ (ABCD) પર મોટો હુમલો કર્યો હતો. આ હુમલામાં, 435 ખાતાઓમાંથી 1.95 કરોડ રૂપિયાનું ડિજિટલ ગોલ્ડ ચોરાઈ ગયું હતું. જો કે, કંપનીએ તાત્કાલિક અસરગ્રસ્ત ગ્રાહકોના ખાતાઓમાં સોનું પુનઃસ્થાપિત કર્યું અને તકનીકી ખામીઓ દૂર કરી.
આ સાયબર લૂંટથી રોકાણકારોના મનમાં અનેક સવાલો ઊભા થયા છે. આવી સ્થિતિમાં, જો તમારી સાથે ક્યારેય આવું થાય, તો આવી સ્થિતિમાં શું કરવું અને તેને કેવી રીતે ટાળવું તે વિશે જાણી લો.
મજબૂત પાસવર્ડનો ઉપયોગ કરો
- તમારા ડિજિટલ ગોલ્ડ એકાઉન્ટને સુરક્ષિત રાખવા માટે, એક અનોખો પાસવર્ડ બનાવો જેમાં અક્ષરો, સંખ્યાઓ અને ખાસ સિમ્બોલ શામેલ હોય.
- અલગ અલગ પ્લેટફોર્મ પર એક જ પાસવર્ડનો ઉપયોગ કરવાનું ટાળો.
- મજબૂત પાસવર્ડ્સને સુરક્ષિત રીતે સંગ્રહિત કરવા માટે પાસવર્ડ મેનેજર ટૂલનો ઉપયોગ કરો.
ટુ-ફેક્ટર ઓથેન્ટિકેશન (2FA) ચાલુ કરો
તમારા ડિજિટલ ગોલ્ડ એકાઉન્ટમાં ટુ-ફેક્ટર ઓથેન્ટિકેશન ફરજિયાત એક્ટિવ કરો. ત્યારબાદ OTP અથવા બાયોમેટ્રિક વેરિફિકેશન દ્વારા વધારાની સુરક્ષા પૂરી પાડે છે.
વિશ્વસનીય અને અધિકૃત પ્લેટફોર્મ પસંદ કરો
- ડિજિટલ ગોલ્ડ ખરીદવા માટે ફક્ત સેબી અથવા સરકાર દ્વારા અધિકૃત પ્લેટફોર્મ જેમ કે MMTC-PAMP, Augmont Gold, અથવા વિશ્વસનીય ફિનટેક એપ્સનો ઉપયોગ કરો.
- પ્લેટફોર્મની સાયબર સિકયોરિટી પોલિસી અને વીમા કવર તપાસો.
શંકાસ્પદ લિંક્સ અને ફિશિંગ ટાળો
- અજાણ્યા ઇમેઇલ્સ, SMS અથવા WhatsApp મેસેજમાં આવતી લિંક્સ પર ક્લિક કરવાનું ટાળો, કેમ કે આવી લિંક્સ તમારા એકાઉન્ટની માહિતી ચોરી શકે છે.
- ફિશિંગ હુમલાઓથી બચવા માટે હંમેશા સત્તાવાર વેબસાઇટ અથવા એપ્લિકેશનથી લોગિન કરો, કોઈપણ થર્ડ પાર્ટી લિંકનો ઉપયોગ ન કરો.
ખાતાનું નિયમિત નિરીક્ષણ કરો
- તમારા ડિજિટલ ગોલ્ડ એકાઉન્ટની ટ્રાન્ઝેક્શન હિસ્ટરી નિયમિતપણે તપાસો.
- જો કોઈ અનઓથોરાઇઝ્ડ ટ્રાન્ઝેક્શન જણાય, તો તાત્કાલિક પ્લેટફોર્મના કસ્ટમર કેરને જાણ કરો અને એકાઉન્ટ ફ્રીઝ કરવાની રિક્વેસ્ટ મોકલો.
આ વાતો પણ ધ્યાનમાં રાખો
- ડિજિટલ ગોલ્ડ સંબંધિત ટ્રાન્ઝેક્શન માટે ફક્ત સુરક્ષિત અને અપડેટેડ ડિવાઇસનો ઉપયોગ કરો.
- પબ્લિક Wi-Fi નેટવર્ક્સ ટાળો, કારણ કે હેકર્સ તેને સરળતાથી હેક કરી શકે છે.
- હંમેશા તમારા ડિવાઇસ અને ડિજિટલ ગોલ્ડ એપ્લિકેશન્સને લેટેસ્ટ વર્ઝન પર અપડેટ રાખો.
- એન્ટી-વાયરસ અને એન્ટી-માલવેર સોફ્ટવેરનો પણ ઉપયોગ કરો.
બિરલાની કંપની પર સાયબર હુમલો કેવી રીતે થયો?
ફ્રી પ્રેસ જર્નલે આ સાયબર હેકની જાણ સૌપ્રથમ કરી હતી. તપાસમાં જાણવા મળ્યું કે, હેકરે ABCDના એપ્લિકેશન પ્રોગ્રામિંગ ઇન્ટરફેસ (API) અને સર્વરનો ભંગ કર્યો હતો. હેકરોએ ફરજિયાત OTP વેરિફિકેશન પ્રોસેસને બાયપાસ કરીને ડિજિટલ ગોલ્ડ ટ્રાન્સફર કર્યું હતું.