Breaking News : કોમેડિયનને થશે કેદ, પ્રેક્ષકોને હસાવતા રાજપાલ યાદવને આવ્યો રડવાનો વારો, કોર્ટે આત્મસમર્પણ કરવા કર્યો આદેશ
Rajpal Yadav court case : રાજપાલ યાદવને એક કેસમાં આત્મસમર્પણ કરવું પડશે. તેમણે દિલ્હી હાઈકોર્ટમાં એક અઠવાડિયાની રાહત માંગી હતી, પરંતુ કોર્ટે તેમને રાહત ના આપતા, આત્મ સમર્પણ કરવા આદેશ કર્યો છે.

Rajpal Yadav case : જાણીતા કોમેડિયન અભિનેતા રાજપાલ યાદવની મુશ્કેલીઓ વધતી જતી હોય તેવું લાગે છે. તેમણે એક ચેક બાઉન્સના કેસમાં આત્મસમર્પણના આદેશથી રાહત મેળવવા માટે દિલ્હી હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી, પરંતુ તેમને દિલ્હી હાઈકોર્ટમાંથી ઝટકો લાગ્યો છે. હાઈકોર્ટે રાજપાલ યાદવનીઅરજી ફગાવી દીધી છે. જસ્ટિસ સ્વરણ કાંતાએ તેમની અરજી ફગાવી દીધી હતી અને અગાઉના આદેશ મુજબ આજે, 4 ફેબ્રુઆરીએ તેમને આત્મસમર્પણ કરવાનો આદેશ આપ્યો હતો. કોર્ટે કહ્યું, “તમે કહ્યું હતું કે તમે મુંબઈમાં હતા, તેથી તમને આત્મસમર્પણ માટે બે દિવસનો સમય આપવામાં આવ્યો હતો. પરંતુ હવે તમારી પાસે કોઈ આધાર નથી.”
કોર્ટે કહ્યું કે, રાહત આપવાનું કોઈ કારણ નથી. સુનાવણી દરમિયાન, રાજપાલ યાદવના વકીલે કહ્યું કે. જો એક અઠવાડિયાનો સમય લંબાવવામાં આવે તો તેઓ પૈસા ચૂકવી દેશે. તેમણે એમ પણ કહ્યું કે, રાજપાલે 50 લાખ રૂપિયાની વ્યવસ્થા કરી હતી. તેમણે મને પુરાવા પણ આપ્યા હતા. તે કાલે (5 ફેબ્રુઆરી) પૈસા લાવશે. જોકે, રાજપાલને રાહત આપવાનો હાઈકોર્ટે સ્પષ્ટ ઇનકાર કર્યો હતો.
રાજપાલ યાદવનું વર્તન યોગ્ય નથી – કોર્ટ
રાજપાલ યાદવ પાસે હવે જેલ અધિકારીઓને સોંપણી કરવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. આ કેસમાં આગળ શું થાય છે તે જોવાનું રહેશે. અગાઉ, 2 ફેબ્રુઆરીના રોજ સુનાવણી દરમિયાન, કોર્ટે રાજપાલને ઠપકો આપ્યો હતો. તેમાં કહેવામાં આવ્યું હતું કે રાજપાલનું વર્તન એકદમ અયોગ્ય હતું. કોર્ટે એમ પણ કહ્યું હતું કે રાજપાલે કોર્ટને વારંવાર વચનો આપ્યા હતા અને તેનો ભંગ કર્યો હતો. એવું પણ કહેવામાં આવ્યું હતું કે તેણે ટ્રાયલ કોર્ટ દ્વારા લાદવામાં આવેલી સજા પૂર્ણ કરવી પડશે.
5 કરોડ રૂપિયાનો કેસ
આ સમગ્ર કેસમાં 5 કરોડ રૂપિયાનો સમાવેશ થાય છે. હકીકતમાં, ફરિયાદી, મુરલી પ્રોજેક્ટ પ્રાઇવેટ લિમિટેડ, દાવો કરે છે કે તેઓએ 2010 માં રાજપાલ યાદવની કંપનીને એક ફિલ્મ પૂર્ણ કરવા માટે 5 કરોડ રૂપિયા ઉધાર આપ્યા હતા. તેઓ સંમત થયા હતા કે રાજપાલ તેમને 8 કરોડ રૂપિયા વત્તા વ્યાજ ચૂકવશે, પરંતુ રાજપાલે ક્યારેય પૈસા પાછા આપ્યા નહીં. તેણે ચુકવણીનું વચન આપતા અનેક ચેક આપ્યા, પરંતુ ચેક બાઉન્સ થઈ ગયા. રાજપાલે દાવો કર્યો કે તેણે પૈસા ઉધાર લીધા ન હતા, પરંતુ મુરલી પ્રોજેક્ટે તેનું રોકાણ કર્યું હતું. જોકે, ચેક-બાઉન્સ કેસમાં તેને દોષી ઠેરવવામાં આવ્યો હતો.
આ કેસમાં ટ્રાયલ કોર્ટે રાજપાલ યાદવને છ મહિનાની જેલની સજા ફટકારી હતી. તેણે દિલ્હી હાઈકોર્ટમાં અપીલ કરી હતી. હાઈકોર્ટે 2024 માં તેની સજાને અસ્થાયી રૂપે સ્થગિત કરી હતી. કોર્ટે જણાવ્યું હતું કે તે ગંભીર ગુનેગાર નથી. તેણે ફરિયાદીની કંપની સાથે સમાધાન કરવાની ઓફર કરી હતી. ત્યારબાદ તેણે પૈસા ચૂકવવા માટે સમય માંગ્યો હતો, પરંતુ તેણે રૂપિયા પરત કર્યા નથી.