Breaking News: અલ્લુ અર્જુનને તેલંગાણા હાઈકોર્ટમાંથી મળ્યા જામીન, હવે 14 દિવસ જેલમાં નહીં રહે ‘પુષ્પા’
અલ્લુ અર્જુનને મોટી રાહત મળી છે. સંધ્યા થિયેટરમાં મચેલી ધક્કામુક્કીમાં મોત મામલે તેલંગાણા હાઈકોર્ટ તરફથી અલ્લુ અર્જુનને વચગાળાના જામીન મળ્યા છે. 4 ડિસેમ્બરે ફિલ્મ 'પુષ્પા 2'ની સ્ક્રિનિંગ દરમિયાન હૈદરાબાદના સંધ્યા થિયેટરમાં ભાગદોડ મચી હતી. જેમા એક મહિલાનું મોત થયુ હતુ. આ ઘટના બાદ પોલીસે શુક્રવારે અલ્લુ અર્જુન વિરુદ્ધ કેસ દાખલ કરતા તેની ધરપકડ કરી હતી. જે બાદ લોઅર કોર્ટે અલ્લુ અર્જુનને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલવાનો આદેશ કર્યો હતો.
હૈદરાબાદના સંધ્યા થિયેટરમાં મચેલી ધક્કામુક્કીના કેસમાં સાઉથના સુપરસ્ટાર અલ્લુ અર્જુનને મોટી રાહત મળી છે. તેલંગાણા હાઈકોર્ટે આ કેસમાં અલ્લુ અર્જુનને જામીન આપી દીધા છે. પોલીસે આજે સવારે જ અભિનેતાની ધરપકડ કરી હતી. આ પછી તેને પૂછપરછ માટે ચિક્કડપલ્લી પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો હતો. સંધ્યા થિયેટર નાસભાગ કેસમાં 35 વર્ષીય મહિલાનું મોત થયું હતું.
હાઈકોર્ટનો આ નિર્ણય એવા સમયે આવ્યો છે જ્યારે નીચલી અદાલતે ધક્કામુક્કી કેસમાં અલ્લુ અર્જુનને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધો હતો. જો કે હવે હાઈકોર્ટે અલ્લુ અર્જુનને મોટી રાહત આપી છે અને તેને વચગાળાના જામીન આપ્યા છે.
હાઈકોર્ટ તરફથી સાઉથના સુપર સ્ટાર અલ્લુ અર્જુનને મળી મોટી રાહત
4 ડિસેમ્બરે, બ્લોકબસ્ટર ફિલ્મ પુષ્પા 2 ની સ્ક્રીનિંગ દરમિયાન, હૈદરાબાદના સંધ્યા થિયેટરમાં નાસભાગ મચી ગઈ હતી જેમાં એક મહિલાનું મોત થયું હતું અને ચાર લોકો ઘાયલ થયા હતા. ઘટનાની ફરિયાદ નોંધાયા બાદ પોલીસે શુક્રવારે અલ્લુ અર્જુનની ધરપકડ કરી હતી. એક તરફ પોલીસે અલ્લુ અર્જુનની ધરપકડ કરી હતી અને બીજી તરફ તેણે હાઈકોર્ટમાં જામીન અરજી કરી તાકીદે સુનાવણીની માંગ કરી હતી. હવે આ અરજી પર સુનાવણી કરતા કોર્ટે વચગાળાના જામીન આપવાનો આદેશ કર્યો છે.
ધરપકડ અને જામીન બાદ ભાવુક થયો ‘પુષ્પા’ ફેમ અલ્લુ અર્જુન
પહેલા સંધ્યા થિયેટર કેસમાં ધરપકડ અને તે બાદ હાઈકોર્ટમાંથી વચગાળાના જામીન મળ્યા બાદ અલ્લુ અર્જુન ભાવુક જોવા મળ્યો હતો. જ્યારે પોલીસ વાહનમાં કોર્ટ પહોંચ્યો ત્યારે અલ્લુ અર્જુન ખૂબ જ ભાવુક જોવા મળ્યો હતો. તેની આંખોમાંથી આંસુ નીકળી રહ્યાં હતાં. અલ્લુ અર્જુનની ધરપકડનો અનેક વિપક્ષી પાર્ટીના નેતાઓ અને વરિષ્ઠ નેતાઓ વિરોધ કરતા પણ જોવા મળ્યા. વિપક્ષી નેતાઓએ નાસભાગ માટે સરકારને જવાબદાર ઠેરવી પોલીસની કાર્યવાહી પર સવાલો ઉઠાવ્યા.
પૂર્વ CM એ ધરપકડને ગણાવી અયોગ્ય
પૂર્વ CM વાયએસ જગનમોહન રેડ્ડીએ અલ્લુ અર્જુનની ધરપકડની આકરી નીંદા કરી હતી. તેણે કહ્યું કે અલ્લુ અર્જુન નાસભાગમાં સામેલ ન હતો, તેથી તેની સામે ફોજદારી કેસ કરીને તેની ધરપકડ સ્વીકાર્ય નથી. હું ધરપકડની નીંદા કરું છું.
સનસનાટી ફેલાવવા માટે ધરપકડ
સુનાવણીમાં અલ્લુ અર્જુનના વકીલે દાવો કર્યો હતો કે અભિનેતાની ધરપકડ માત્ર સનસનાટી ફેલાવવા માટે કરવામાં આવી છે, અસલમાં ધરપકડની જરૂર જ ન હતી. સુનાવણીમાં, ન્યાયાધીશે પૂછ્યું કે શું અભિનેતા વિરુદ્ધ BNSની કલમ 105(B) અને 108 હેઠળ કેસ નોંધી શકાય છે. શું તે ઘટના માટે જવાબદાર છે? તેના પર સરકારી વકીલે કહ્યું કે અલ્લુ અર્જુન ચોક્કસ એક્ટર છે, પરંતુ હવે તે આરોપી છે. તેમની હાજરીને કારણે જ થિયેટરમાં ભારે ભીડ હતી, જેના કારણે આ અકસ્માત થયો હતો.
અલ્લુ અર્જુનના વકીલે શાહરૂખ ખાન કેસનું ઉદાહરણ આપી દલીલો રજૂ કરી
તેલંગાણા હાઈકોર્ટમાં અભિનેતા અલ્લુ અર્જુન સામે દોષિત હત્યાના આરોપ (સેક્શન 304) સંબંધિત કેસમાં, તેમના વકીલ કોર્ટ સમક્ષ તેમની દલીલો કરી. વકીલે કહ્યું, “પોલીસના નિર્દેશોમાં એવું કંઈ નહોતું કે અભિનેતાના આગમનથી કોઈનું પણ મૃત્યુ થઈ શકે. એ સામાન્ય છે કે કલાકારો તેમની ફિલ્મોના પ્રથમ શોમાં હાજરી આપે છે.” વકીલે શાહરૂખ ખાન વિરુદ્ધ ગુજરાત હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના કેસ ટાંક્યા. શાહરુખની ફિલ્મ રઈસના પ્રમોશન દરમિયાન નાસભાગને કારણે મૃત્યુ થયું ત્યારે તેની સામે દોષિત હત્યાનો કેસ નોંધવામાં આવ્યો હતો. અદાલતોએ શોધી કાઢ્યું છે કે આવા કેસોમાં આરોપો ત્યારે જ ટકી રહે છે જો મૃત્યુનો સીધો સંબંધ અભિનેતાની બેદરકારી અને ખોટી ક્રિયાઓ સાથે હોય.