દેશ બચાવવા નીકળ્યા ‘2 લાચાર દોસ્ત’! ‘વાઇબ’ ના ટીઝરમાં જોવા મળ્યો હાસ્ય અને એક્શનનો તડકો
કુણાલ ખેમૂના નિર્દેશનમાં બનેલી નવી એક્શન-કોમેડી ફિલ્મ 'વાઇબ' નું મજેદાર ટીઝર રિલીઝ થઈ ગયું છે. બે સામાન્ય મિત્રોની અણધારી મુસીબતો અને પ્રીતિ ઝિન્ટાના મજબૂત અવતાર સાથે આ ફિલ્મમાં કોમેડી અને રોમાંચનો સરસ સમન્વય જોવા મળશે.

એમેઝોન એમજીએમ સ્ટુડિયોની નવી બોલિવૂડ એક્શન-કોમેડી ફિલ્મ ‘વાઇબ’ નું મજેદાર ટીઝર રિલીઝ કરી દેવામાં આવ્યું છે. કુણાલ ખેમૂના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મની પહેલી ઝલકે દર્શકો વચ્ચે જબરદસ્ત ઉત્સાહ ઊભો કરી દીધો છે.
ટીઝરમાં હાસ્યનો તડકો, હાઇ-વોલ્ટેજ એક્શન અને મજેદાર ટ્વિસ્ટ્સનો ભરપૂર ડોઝ જોવા મળે છે. વાર્તા બે સામાન્ય મિત્રોની આસપાસ ફરે છે, જેઓ પોતાની ઇચ્છા વગર એક રાષ્ટ્રીય સંકટ વચ્ચે ફસાઈ જાય છે. આ ટીઝર સ્પષ્ટ સંકેત આપે છે કે, દર્શકોને સિનેમાઘરોમાં હાસ્ય અને રોમાંચનું એક જોરદાર મિશ્રણ જોવા મળવાનું છે.
અણધાર્યા હીરો અને અણધાર્યું મિશન
હવે જ્યારે પણ દેશ સામે કોઈ ગંભીર પરિસ્થિતિ ઊભી થાય છે, ત્યારે સામાન્ય રીતે કોઈ તાલીમબદ્ધ એજન્ટ અથવા જાંબાઝ સિપાહીની જરૂર હોય છે. જો કે, ‘વાઇબ’ માં પરિસ્થિતિઓ આનાથી બિલકુલ વિપરીત નજરે પડે છે. ફિલ્મના મુખ્ય પાત્ર હાર્દિક અને બગ્સ કોઈ પણ રીતે દેશભક્તિના મોટા મિશનને અંજામ આપવા માટે તૈયાર નથી.
તેઓ કોઈ પણ રાષ્ટ્રીય જવાબદારીથી બચવા માગે છે પરંતુ કિસ્મત તેમને એક એવા મોડ પર લાવીને ઊભા કરી દે છે કે, જ્યાંથી પાછા હટવાનો કોઈ રસ્તો બચતો નથી. બંને મિત્રોની લાચારી અને મૂંઝવણ આખા ટીઝરમાં જબરદસ્ત કોમેડી ઊભી કરે છે.
પ્રીતિ ઝિન્ટાનો બોસ-લેડી અવતાર
ટીઝરનું એક સૌથી મોટું આકર્ષણ અભિનેત્રી પ્રીતિ ઝિન્ટાનું પાત્ર છે. ટીઝરમાં તે ખૂબ જ આત્મવિશ્વાસથી ભરપૂર અને મજબૂત ભૂમિકામાં જોવા મળી રહી છે, જે આખી પરિસ્થિતિ પર પોતાનું નિયંત્રણ જાળવી રાખે છે.
તેના કડક વલણ અને દબદબાના કારણે જ બંને લાચાર મિત્રોને એક પછી એક નવી મુસીબતોનો સામનો કરવો પડે છે. પ્રીતિ ઝિન્ટાનો આ બોસ-લેડી અંદાજ ટીઝરને એક અલગ સ્તર પર લઈ જાય છે અને દર્શકો માટે ખૂબ જ આકર્ષક સાબિત થાય છે.
એક્શન, થ્રિલ અને કોમેડીનો તડકો
‘વાઇબ’ ના ટીઝરમાં માત્ર સંવાદો જ મજેદાર નથી પરંતુ તેમાં કાર ચેઝ, હવાઈ એક્શન અને ઘણી અણધારી ઘટનાઓ પણ જોવા મળે છે. ટીઝરનો દરેક સીન એ સ્પષ્ટ કરે છે કે, આ ફિલ્મ અજીબોગરીબ પરિસ્થિતિઓમાં ફસાયેલા સામાન્ય માણસોની એક ખૂબ જ મનોરંજક વાર્તા બનવાની છે, જેમાં ઘણા સરપ્રાઇઝ છુપાયેલા છે.
મજબૂત સ્ટાર કાસ્ટ અને રિલીઝ ડેટ
આ ફિલ્મનું લેખન અને નિર્દેશન ખુદ કુણાલ ખેમૂએ કર્યું છે, જ્યારે તેનું નિર્માણ કુણાલ ખેમૂ અને ચિરાગ નિહલાની દ્વારા ડ્રોન્ગો ફિલ્મ્સના બેનર હેઠળ કરવામાં આવ્યું છે.
અભિનયની વાત કરીએ તો કુણાલ ખેમૂ, પ્રીતિ ઝિન્ટા અને સ્પર્શ શ્રીવાસ્તવની સાથે ડેબ્યૂ કરી રહેલી વંશિકા ધીર મુખ્ય ભૂમિકામાં છે. આ સિવાય ભોજપુરી સ્ટાર દિનેશ લાલ યાદવ (નિરહુઆ) અને અનુભવી અભિનેતા યશપાલ શર્મા પણ મહત્વના પાત્રોમાં જોવા મળશે. આ મનોરંજક થ્રિલર-કોમેડી 18 સપ્ટેમ્બરે દેશભરના સિનેમાઘરોમાં દસ્તક આપવા માટે પૂરી રીતે તૈયાર છે.
