World No Tobacco Day : અલ્લુ અર્જુનથી લઈને અમિતાભ બચ્ચન સુધી, આ ફિલ્મ સ્ટાર્સે પાન મસાલા બ્રાન્ડની જાહેરાતોને કહી દીધી ‘ના’
World No Tobacco Day દર વર્ષે 31મી મેના રોજ ઉજવવામાં આવે છે. ફિલ્મ સ્ટાર્સ પણ પોતાના ફેન્સને આ દિવસે હાનિકારક વસ્તુઓથી દૂર રહેવાની સલાહ આપે છે, પરંતુ શું તમે જાણો છો કે ઘણા સ્ટાર્સને નશીલા પર્દાર્થોની જાહેરાતો ઓફર કરવામાં આવી છે.
World No Tobacco Day : ફિલ્મો સિવાય સેલિબ્રિટીઝ (Celebrities)પણ બ્રાન્ડ એન્ડોર્સમેન્ટથી ઘણી કમાણી કરે છે. તેમને ચોક્કસ બ્રાન્ડ માટે મોટી રકમ ઓફર કરવામાં આવે છે. સેલેબ્સ જે પ્રકારની બ્રાન્ડ્સની જાહેરાત કરે છે, ચાહકો તેમને અનુસરવાનો પ્રયાસ કરવાનું શરૂ કરે છે. ચાહકો ફિલ્મ કલાકારોને પોતાના રોલ મોડલ માને છે. આ રીતે, ઘણી એવી બ્રાન્ડ્સ છે જેમની સેલિબ્રિટીઓએ કરોડોની ઓફર ઠુકરાવી દીધી છે. આ એવી જાહેરાતો છે જે કોઈને કોઈ રીતે લોકોના સ્વાસ્થ્ય (Health)ને અસર કરે છે. આજે, World No Tobacco Day2022ના અવસર પર, ચાલો તે સેલિબ્રિટીઝ પર એક નજર કરીએ જેમણે આવી જાહેરાતોને નકારીને નૈતિકતા પસંદ કરી.
અમિતાભ બચ્ચન
આ લિસ્ટમાં સૌથી પહેલા વાત કરીએ સદીના મેગાસ્ટાર અમિતાભ બચ્ચનની. અમિતાભ બચ્ચન કમલા પસંદ પાન મસાલા કંપનીની જાહેરાત કરતા હતા. ગત વર્ષે અમિતાભ બચ્ચનને પાન મસાલા કંપનીની જાહેરાત માટે ખૂબ ટ્રોલ કરવામાં આવ્યા હતા. અમિતાભ બચ્ચને કમલા પસંદ બ્રાંડ સાથેનો સોદો તોડી નાખ્યો હતો જ્યારે સોશિયલ મીડિયા પર બધે જ તેમનો દબદબો હતો. એટલું જ નહીં, અમિતાભે કરાર તોડીને કંપનીની રકમ પણ પરત કરી દીધી હતી.
અલ્લુ અર્જુન
સાઉથની ફિલ્મોના સુપરસ્ટાર અલ્લુ અર્જુન પોતાના ચાહકોમાં એક અલગ જ ઓળખ ધરાવે છે. ગયા વર્ષે અલ્લુ અર્જુનની ફિલ્મ ‘પુષ્પાઃ ધ રાઇઝ’ રિલીઝ થઈ હતી. આ ફિલ્મ રિલીઝ થયા બાદ અલ્લુ અર્જુનને તમાકુ બ્રાન્ડ દ્વારા જાહેરાત માટે મોટી રકમની ઓફર કરવામાં આવી હતી. જો કે, અલ્લુ અર્જુને આ ઓફર ઠુકરાવીને કહ્યું કે તે જેનું સેવન નથી કરતો તેની તે જાહેરાત પણ નહીં કરે. આટલું જ નહીં અલ્લુ અર્જુનને લાગ્યું કે જો તે તમાકુ કંપનીની જાહેરાત કરશે તો તેના ફેન્સમાં ખોટો મેસેજ જશે.
અક્ષય કુમાર
તાજેતરમાં, અક્ષય કુમાર અજય દેવગન અને શાહરૂખ ખાન સાથે પાન મસાલા કંપનીની એક બ્રાન્ડની જાહેરાતમાં જોવા મળ્યો હતો. આ જાહેરાત બાદ અક્ષય ઘણો ટ્રોલ થયો હતો. ટ્રોલ થયા બાદ અક્ષય કુમારે માફી માંગવી પડી હતી. આ માફીપત્રમાં અક્ષય કુમારે લખ્યું હતું- મને માફ કરી દો, હું મારા તમામ ચાહકો અને શુભેચ્છકોની માફી માંગવા માંગુ છું. ભૂતકાળમાં તમારી કેટલીક પ્રતિક્રિયાઓએ મને પ્રભાવિત કર્યો છે. હું તમાકુની જાહેરાત નહીં કરું. વિમલ ઈલાઈચી સાથેના મારા સહયોગ પછી હું તમારા પ્રતિભાવની પ્રશંસા કરું છું. હું મારો નિર્ણય પાછો લઉં છું.
KGF અભિનેતા યશ
કેજીએફ અભિનેતા યશ પણ એવા સ્ટાર્સની યાદીમાં સામેલ છે જેમણે પાન મસાલા બ્રાન્ડની ઓફર ઠુકરાવી દીધી હતી. યશને પાન મસાલા કંપની દ્વારા કરોડોની ઓફર પણ કરવામાં આવી હતી, પરંતુ અભિનેતાએ તેને ઠુકરાવી દીધી હતી. એક નિવેદન જાહેર કરતી વખતે, યશે આના પર કહ્યું કે તે એવી બ્રાન્ડ કરવા માંગે છે જે ચાહકો અને અનુયાયીઓને યોગ્ય સંદેશ આપે.