બોલિવુડ સ્ટારના ઘરે ચોરી થઈ, બદમાશોએ દિવાલો પર અશ્લીલ ચિત્રો દોર્યા, હવે અભિનેત્રીએ બંદૂકના લાઇસન્સ માટે અરજી કરી
બોલિવુડ અભિનેત્રી સંગીતા બિજલાનીના ફાર્મ હાઉસ પર થોડા મહિના પહેલા ચોરી થઈ હતી. ઘટનાને 3 મહિનાથી વધારે સમય થયો છે. પરંતુ પોલિસે કોઈ યોગ્ય પગલું લીધું નથી. હવે આ વચ્ચે અભિનેત્રીએ પોતાની સુરક્ષા માટે બંદૂર લાઈસન્સ માટે અરજી કરી છે.

અભિનેત્રી સંગીતા બિજલાનીએ પાવના પોતાના ફાર્મ હાઉસમાં ચોરીની ઘટના બાદ સુરક્ષાને લઈ ચિંતાઓ અને પોલીસની નબળી કામગીરીને કારણે બંદૂકના લાઈસન્સ માટે અરજી કરી છે. સંગીતા બિજલાનીએ હાલમાં પુણે ગ્રામીણના પોલીસ અધિક્ષક સંદીપ સિંહ ગિલને મળી ચોરીના કેસની માહિતી મેળવી હતી. તેમણે સમજાવ્યું કે, ઘટનાને લગભગ સાડા ત્રણ મહિના વીતી ગયા હોવા છતાં, કોઈ નોંધપાત્ર સફળતા મળી નથી.
આ ઘટના વિશે વાત કરતા સંગીતા બિજલાનીએ કહ્યું હું છેલ્લા 20 વર્ષથી ત્યાં રહું છું. પાવના મારા માટે એક ઘર રહ્યું છે. અને મારા ફાર્મ હાઉસમાં ચોરીની એક ભયાનક ઘટનાના સાડા 3 મહિના થઈ ગયા છે પરંતુ હજુ સુધી કોઈ સફળતા મળી નથી.
ફાર્મ હાઉસમાં ચોરી બાદ પગલું લીધું
તેમણે જણાવ્યું કે, એસપી ગિલે તેમને આશ્વસન આપ્યું છે કે, પોલિસ આ મામલાની સંપૂર્ણ તપાસ કરશે. તેમજ આરોપીઓને પકડશે. ફરિયાદ અનુસાર જુલાઈમાં કેટલાક બદમાશોએ તેના ઘરમાં જઈ ફ્રિઝ, ટીવી અને ફર્નીચર જેવા ઘરેલું સામાન તોડ્યો હતો. તેમણે દીવાલો પર અશ્લીલ ચિત્ર બનાવ્યા હતા. તેઓ 50,000રૂપિયા રોકડા અને 7,000 રૂપિયાનું ટીવી લૂંટીને ભાગી ગયા હતા.
આ ઘટના વિશે સંગીતા બિજલાનીએ કહ્યું તે ડરામણું હતું. સદનસીબે, હું ત્યાં નહોતી. ઘરની અંદર, દિવાલો પર અશ્લીલ શબ્દો અને ચિત્રો હતા.” તેમણે જણાવ્યું કે ચોરીથી માત્ર તેને જ નહીં, પરંતુ પવનાના સમગ્ર સમુદાયને આઘાત લાગ્યો છે. “પવાનામાં ઘણા રહેવાસીઓ રહે છે, જેમાં વરિષ્ઠ નાગરિકો અને પરિવારોનો સમાવેશ થાય છે. સુરક્ષા અત્યંત મહત્વપૂર્ણ છે. આ તાજેતરની ઘટનાઓએ પવના વિસ્તારના રહેવાસીઓને અસુરક્ષિત અનુભવ કરાવ્યો છે.”
હું અસુરક્ષિત અનુભવું છું
બંદૂકનું લાઇસન્સ મેળવવાના પોતાના નિર્ણય વિશે જણાવતા અભિનેત્રી સંગીતાએ કહ્યું, “આ ઘટના પછી, મેં પુણે ગ્રામીણ પોલીસ પાસેથી બંદૂકનું લાઇસન્સ મેળવવાની વિનંતી કરી છે. એક મહિલા તરીકે, જો હું એકલી ઘરે જાઉં છું, તો મને લાગે છે કે મને કોઈ પ્રકારની સુરક્ષા મળવી જોઈએ. મને ક્યારેય બંદૂકનું લાઇસન્સ મેળવવાની જરૂર લાગી નથી, પરંતુ પહેલી વાર, હું અસુરક્ષિત અનુભવું છું. મને બંદૂકની જરૂર છે, અને પહેલી વાર, હું અસુરક્ષિત અને થોડી ડર અનુભવું છું.”
