10 Years Of English Vinglish: ફિલ્મમાં શ્રીદેવીએ પહેરી હતી સુંદર સાડીઓ, હવે તેની થશે હરાજી
બોલિવૂડ ફિલ્મ ઈંગ્લિશ વિંગ્લિશને (English Vinglish) 5 ઓક્ટોબરે 10 વર્ષ પૂરા થશે. આ ફિલ્મ સાથે દિગ્ગજ એક્ટ્રેસ શ્રીદેવી 15 વર્ષ બાદ પડદા પર પરત ફરી હતી. ફિલ્મના 10 વર્ષ પૂરા થવાના અવસર પર ડાયરેક્ટર ગૌરી શિંદેએ એક મોટો નિર્ણય લીધો છે.

બોલિવૂડ ઈન્ડસ્ટ્રીની દિગ્ગજ એક્ટ્રેસ શ્રીદેવી (Sridevi) ભલે હવે આપણી વચ્ચે નથી, પરંતુ તેમની યાદો અને તેમની ફિલ્મો હંમેશા લોકોના દિલમાં જીવતી રહેશે. એક્ટ્રેસે પોતાની એક્ટિંગના દમ પર વર્ષો સુધી ફેન્સના દિલ પર રાજ કર્યું. એક્ટ્રેસ તેના કામની સાથે સાથે તેની પર્સનલ લાઈફને લઈને પણ હંમેશા ચર્ચામાં રહી છે. એક સમય હતો જ્યારે છોકરીઓ બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં શ્રીદેવી બનવા આવતી હતી. એક્ટ્રેસે તમામ મોટા સ્ટાર્સ સાથે કામ કર્યું છે. પરંતુ તેણે ઘણી ફિલ્મો માત્ર પોતાના દમ પર જ કરી. જેમાંથી એક હતી ફિલ્મ ઈંગ્લિશ વિંગ્લિશ (English Vinglish).
આવતી કાલે એટલે કે 5 ઓક્ટોબરે ઈંગ્લિશ વિંગ્લિશને 10 વર્ષ પૂરા થઈ રહ્યા છે. આ ખાસ અવસર પર ફિલ્મની ડાયરેક્ટર ગૌરી શિંદેએ શ્રીદેવીની કેટલીક વસ્તુઓની હરાજી કરવાનો નિર્ણય લીધો છે. શ્રીદેવી માટે આ ફિલ્મ ખૂબ જ ખાસ હતી. આ ફિલ્મ દ્વારા દિગ્ગજ એક્ટ્રેસ 15 વર્ષ પછી મોટા પડદા પર પરત આવી હતી. આવામાં એક્ટ્રેસના ફેન્સ પણ આ ફિલ્મને લઈને ખૂબ જ ઉત્સાહિત હતા. ફિલ્મ ઈંગ્લિશ વિંગ્લિશમાં શ્રીદેવીએ શશિ ગોડબોલેનો રોલ કર્યો હતો. ફિલ્મના નામ સાથે સ્ટોરીએ પણ સંપૂર્ણ રીતે જસ્ટિસ કર્યો હતો.
આખી ફિલ્મમાં એક્ટ્રેસ શ્રીદેવી સાડી પહેરેલી જોવા મળી હતી. ફિલ્મમાં શ્રીદેવીની સાદગી અને લુકને ખૂબ પસંદ કરવામાં આવ્યા હતા. આવામાં ડાયરેક્ટર ગૌરી શિંદેએ ઈંગ્લિશ વિંગ્લિશના 10 વર્ષ પૂરા થવા પર શ્રીદેવીની ફિલ્મમાં પહેરેલી સાડીઓની હરાજી કરવાનો નિર્ણય લીધો છે. એટલું જ નહીં આ ખાસ અવસર પર ગૌરી શિંદેએ મુંબઈમાં ઈંગ્લિશ વિંગ્લિશનું સ્પેશિયલ સ્ક્રીનિંગ પણ યોજ્યું છે. ફિલ્મ બતાવ્યા બાદ એક્ટ્રેસની સાડીઓની હરાજી શરૂ કરવામાં આવશે.
તમને જણાવી દઈએ કે આ સાડીઓની હરાજી કરવા પાછળ પણ એક સારો હેતુ છે. આ હરાજીમાંથી એકત્ર થયેલા તમામ નાણાંનો ઉપયોગ છોકરીઓના શિક્ષણ માટે કરવામાં આવશે અને એનજીઓને પણ આપવામાં આવશે. ફિલ્મ ડાયરેક્ટરનું આ સમગ્ર મામલે કહેવું છે કે, તેણે અત્યાર સુધી બોલિવૂડ એક્ટ્રેસ શ્રીદેવીની સાડીઓ પોતાની પાસે સંભાળીને રાખી છે. તે ઘણા સમયથી આ કામ કરવાનું વિચારી રહી હતી. આવી પરિસ્થિતિમાં તેને આ તક સૌથી સારી લાગી.