મંગળવારે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન પંજાબમાં આગામી વિધાનસભા ચૂંટણી (Punjab Assembly Election) માટે આમ આદમી પાર્ટી (Aam Aadmi Party) તરફથી મુખ્યમંત્રી પદના ઉમેદવાર કોણ હશે તે નક્કી થશે. પંજાબમાં ઘણા દિવસોથી AAPના સીએમ ચહેરાનો મુદ્દો ગરમાયો છે. જો કે એવું કહેવામાં આવી રહ્યું છે કે AAPના પંજાબ યુનિટના પ્રમુખ ભગવંત માન (Bhagwant Mann) આમ આદમી પાર્ટી તરફથી સીએમ ચહેરો બની શકે છે. પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal) મંગળવારે મોહાલીમાં પ્રેસ કોન્ફરન્સ કરશે. આ દરમિયાન તેઓ પંજાબમાં પાર્ટીના મુખ્યમંત્રીપદના ચહેરાની જાહેરાત કરશે.
આમ આદમી પાર્ટીએ મુખ્યમંત્રીના ચહેરા માટે લોકો પાસેથી સૂચનો માંગ્યા હતા. પાર્ટીએ એક નંબર પણ જાહેર કર્યો જેના દ્વારા પંજાબના લોકો નક્કી કરશે કે રાજ્યમાં AAP તરફથી મુખ્યમંત્રી પદના ઉમેદવાર કોણ હોવું જોઈએ. નંબર જાહેર કરતી વખતે કેજરીવાલે કહ્યું હતું કે, ‘એક ફોન નંબર લોન્ચ કરવામાં આવ્યો છે. જેના દ્વારા પંજાબના લોકો કહી શકે છે કે તેઓ પાર્ટીમાંથી કયા નેતાને રાજ્યના મુખ્યમંત્રી તરીકે જોવા માંગે છે.
આજે સાંજે 5 વાગ્યા સુધી એક્ટિવ રહેશે ફોન નંબર
અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે, ‘લોકો 17 જાન્યુઆરીએ સાંજે 5 વાગ્યા સુધીમાં આ અંગે તેમના સૂચનો આપી શકે છે’. મોહાલીના એક પત્રકાર પરિષદ દરમિયાન કેજરીવાલે કહ્યું કે,”ઈતિહાસમાં એવું પહેલી વાર બનતું હશે કે કોઈ પાર્ટી મુખ્યમંત્રીની પસંદગી માટે જનતાને પૂછી રહી છે. મેં ભગવંત માનને પૂછ્યું, શું અમે તમારું નામ જાહેર કરીએ? પરંતુ તેણે ના પાડી અને ભલામણ કરી કે તેના બદલે આપણે જનતાને પૂછવું જોઈએ. આમ આદમી પાર્ટી દ્વારા જાહેર કરવામાં આવેલો ફોન નંબર આજે સાંજે 5 વાગ્યા સુધી સક્રિય રહેશે.
72 કલાકમાં મળ્યા 15 લાખથી વધુ રિસ્પોન્સ
AAPના જાહેર કરાયેલા નંબર પર 72 કલાકમાં 15 લાખથી વધુ લોકોએ પાર્ટીના મુખ્યપ્રધાન ચહેરા માટે પોતાના સૂચનો આપ્યા. સૂત્રોએ જણાવ્યું કે મોટાભાગના લોકો ભગવંત માનના નામ પર સહમત થયા છે. 5.5 લાખથી વધુ લોકોએ વોટ્સએપ મેસેજ દ્વારા પોતાના સૂચનો આપ્યા છે. જ્યારે 6.7 લાખથી વધુ લોકોએ ફોન કોલ્સ દ્વારા તેમના મંતવ્યો શેર કર્યા હતા. તે જ સમયે મુખ્યમંત્રીના ચહેરા માટે કુલ 1.5 લાખથી વધુ લોકોએ વોઇસ નોટ મોકલી હતી.