ગાંધીનગરમાં નવી સરકારની શપથવિધિ માટેની તૈયારી શરૂ, ભૂપેન્દ્ર પટેલ કેબિનેટ 2.0માં આ જુના અને નવા ચહેરાઓને મળી શકે છે સ્થાન, વાંચો અહેવાલ
Gujarat Election 2022: ગુજરાતની ચૂંટણીમાં ભાજપની પ્રચંડ જીત બાદ હવે નવી સરકારની શપથ વિધિ માટેની તૈયારી શરૂ થઈ ગઈ છે. ગાંધીનગરમાં હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે શપથવિધિ માટેની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. નવી સરકારની શપથવિધિ 12મી ડિસેમ્બરે બપોરે 2 વાગ્યે યોજાશે.
ગુજરાતની ચૂંટણીમાં ભાજપને ઐતિહાસિક અને અભૂતપૂર્વ સફળતા મળી છે. 27 વર્ષથી ભાજપનું શાસન હોવા છતા સતત સાતમી વખત ભાજપનો પ્રચંડ વિજય જોઈને ભલભલા રાજકીય પંડિતોના ગણિત ખોટા સાબિત થયા છે. હાલ ગાંધીનગરમાં આ નવી સરકારની શપથવિધિ માટેની તડામાર તૈયારી શરૂ થઈ ગઈ છે. ગાંધીનગરમાં હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે શપથ ગ્રહણ સમારોહ માટેની તૈયારીઓ ચાલી રહી છે. 12મી ડિસેમ્બરે બપોરે 2 વાગ્યે નવી સરકારનો શપથ ગ્રહણ સમારોહ યોજાય તેવી શક્યતા છે.
ભૂપેન્દ્ર પટેલની નવી કેબિનેટ 2.0ના સંભવિત મંત્રીઓ
હાલ નવી સરકારની શપથ ગ્રહણની તૈયારીઓ ચાલી રહી છે. મુખ્યમંત્રી નિવાસસ્થાને સતત બેઠકોનો દૌર ચાલી રહ્યો છે. જેમા નવા મંત્રી મંડળના નામો અંગે પણ ચર્ચા થઈ છે. મંત્રી મંડળમાં નવા અને જૂના ચહેરાઓમાંથી પસંદગી અંગે ચર્ચા ચાલી રહી છે. નવી કેબિનેટના સંભવિત નામો અંગે જો ચર્ચા કરવામાં આવે તો જૂના મંત્રીઓને પણ રિપીટ કરાય તેવી શક્યતા જોવાઈ રહી છે. જેમા હર્ષ સંઘવી, રાઘવજી પટેલ, કનુ દેસાઈ, જગદિશ પંચાલ, જીતુુ વાઘાણી, ઋષિકેશ પટેલ, જીતુ ચૌધરી સહિતના નામો ચર્ચાઈ રહ્યા છે.
આ ઉપરાંત ગણપત વસાવા, રમણ વોરા, જયેશ રાદડિયા, કુંવરજી બાવળિયા, પરશોત્તમ સોલંકી, કિરીટસિંહ રાણા અને શંકર ચૌધરીના નામ ચર્ચામાં છે. નવા ચહેરાઓની જો વાત કરીએ તો કૌશિક વેકરિયા, મહેશ કસવાળા, અલ્પેશ ઠાકોર, ભગા બારડ, ઉદય કાનગઢ, શંભુપ્રસાદ ટુંડિયા અને કેતન ઈનામદારના નામો પણ રેસમાં છે.
આ ઉપરાંત, ભૂપેન્દ્ર પટેલની નવી સરકારમાં મહિલા ચહેરાઓમાં નિમીષા સુથાર, મનિષા વકીલ, સંગીતા પાટીલ અને દર્શના દેશમુખના નામો પણ ચર્ચામાં છે. નવા મંત્રીમંડળમાં ઉત્તર, મધ્ય, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છ સહિતના ચારેય ઝોનને ધ્યાનમાં રાખી નવા અને જૂના ચહેરા પર પસંદગી ઉતારવામાં આવે તે પ્રકારની પણ શક્યતાઓ જોવાઈ રહી છે.
ભૂપેન્દ્ર પટેલ સરકારની શપથવિધિમાં PM મોદી સહિતના ટોચના નેતાઓ થશે સામેલ
આગામી 12મી ડિસેમ્બરે નવી સરકારની શપથવિધિ યોજાશે. ગાંધીનગરમાં હેલિપેડ ગ્રાઉન્ડમાં ભવ્ય શપથવિધિ સમારોહ યોજાશે. આ શપથવિધિાં પીએમ મોદી, અમિત શાહ, રાજનાથસિંહ, ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓમાં યુપી સીએમ યોગી આદિત્યનાથ, મધ્યપ્રદેશના સીએમ શિવરાજસિંહ ચૌહાણ, મહારાષ્ટ્રના સીએમ એકનાથ શિંદે, Dy CM દેવેન્દ્ર ફડણવિસ, ગોવાના સીએમ પ્રમોદ સાવંત સહિતનાને આમંત્રણ અપાશે. કેન્દ્રીય મંત્રીઓમાં પરષોત્તમ રૂપાલા, સ્મૃતિ ઈરાની, મનસુખ માંડવિયા, નીતિન ગડકરી સહિતના કેન્દ્રીય મંત્રીઓને આમંત્રણ આપવામાં આવ્યુ છે.