જામનગરમાં નણંદ V/S ભાભીની લડાઇ ! એક તરફ રવિન્દ્ર જાડેજાના બહેન કરી રહ્યા છે કોંગ્રેસનો પ્રચાર, તો પત્ની રિવાબાની ભાજપમાંથી જીતવા મથામણ
એક બાજુ રવિન્દ્ર જાડેજાના પત્ની રિવાબા જાડેજા આ બેઠક પરથી ભાજપના ઉમેદવાર છે. જ્યારે બીજી બાજુ બહેન નયનાબા જાડેજાએ આ બેઠક કોંગ્રેસના ઉમેદવારને જીતાડવા પ્રચારનો મોરચો સંભાળ્યો છે.

ગુજરાત એસેમ્બલી ઈલેક્શન 2022 : ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં હાલ રાજનીતિનો પારો ચરમસીમાએ પહોંચ્યો છે. પ્રચાર યુદ્ધમાં નવી ધાર આવી રહી છે. ભીષણ વાર-પલટવાર થઇ રહ્યા છે. જો કે આ વચ્ચે અમુક બેઠક પર ખુબ જ રોમાંચક મુકાબલો જામ્યો છે.
જામનગર ઉત્તરની સીટ રાજનીતિની પીચ બની ગઈ
ગુજરાત ઈલેક્શન 2022 :જામનગરની આ બેઠક પર ચૂંટણી જંગની ચર્ચા સમગ્ર ગુજરાત અને દેશમાં થઇ રહી છે. આ સીટ હોટસીટ બની ગઇ છે. કારણ છે ભારતીય ક્રિકેટર રવિન્દ્ર જાડેજા. એક બાજુ રવિન્દ્ર જાડેજાના પત્ની રિવાબા જાડેજા આ બેઠક પરથી ભાજપના ઉમેદવાર છે. જ્યારે બીજી બાજુ બહેન નયનાબા જાડેજાએ આ બેઠક કોંગ્રેસના ઉમેદવારને જીતાડવા પ્રચારનો મોરચો સંભાળ્યો છે. જેથી હાલ જામનગર ઉત્તરની સીટ રાજનીતિની પીચ બની ગઈ છે. હવે જંગમાં કોણ જીતશે અને કોણ હારશે, તે ખુબ જ રસપ્રદ બની ગયું છે.
રાજનીતિના આ ખેલમાં નણંદ-ભાભી આમને- સામને
ગુજરાત ઈલેક્શન 2022 : નણંદ-ભાભી રાજનીતિના આ ખેલમાં એકબીજા વિરુદ્ધ આમને સામને ઉભા છે. નણંદ જ ભાભીનો કડક શબ્દોમાં વિરોધ કરી રહ્યા છે અને તેમની હાર માટે જોરશોરથી પ્રચાર કરી રહ્યા છે. રવિન્દ્ર જાડેજાના પત્ની રીવાબા જાડેજા ભાજપ સાથે જોડાયાને લાંબો સમય થયો નથી. તેઓ ત્રણ વર્ષ પહેલા જ ભાજપમાં જોડાયા હતા. જો કે અગાઉ તેઓ સામાજિક પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા છે. રિવાબા અગાઉ કરણી સેનામાં પણ રહી ચૂક્યા છે અને હવે તેઓ ભાજપના ઉમેદવાર છે. હવે નણંદ વિરુદ્ધ ભાભીના આ રાજકીય જંગમાં રવિન્દ્ર જાડેજા કોના તરફી રહેશે. તે જોવું મહત્વનું છે, જો કે રીવાબા જાડેજાનો દાવો છે કે રવિન્દ્ર જાડેજા ઉમેદવારી ફોર્મ ભરતી વખતે તેઓ સાથે રહેશે અને પ્રચારમાં પણ આવશે. આણંદ V/S ભાભીના આ ચૂંટણી મહાસંગ્રામનું પરિણામ જે પણ આવે, પરંતુ ચૂંટણીના આટાપાટાથી સંબંધોમાં આંટીઘુંટી ના આવવી જોઇએ.