Gujarat Election: ગુજરાત વિધાનસભાની ચૂંટણી મોડી નહી, વહેલી જાહેર કરાઈ છેઃ ચૂંટણી પંચ
ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર કર્યાના દિવસથી ગુજરાત વિધાનસભાની મુદત પૂર્ણ થવામાં 110 દિવસ બાકી રહે છે. આ ઉપરાંત જો મતગણતરીના દિવસથી વર્તમાન ગુજરાત વિધાનસભાનો કાર્યકાળ જોઈએ તો, 72 દિવસ બાકી રહે છે.
ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણી જાહેર કરતા કેન્દ્રીય ચૂંટણી પંચે સ્પષ્ટતા કરી છે કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણી મોડી નહી વહેલી જાહેર કરાઈ છે. વર્તમાન ગુજરાત વિધાનસભાની મુદત ફેબ્રુઆરી 2023માં પૂર્ણ થાય છે. જ્યારે વિધાનસભાની ચૂંટણી 5 ડિસેમ્બરે પૂર્ણ થઈ જશે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીનુ પરિણામ હિમાચલપ્રદેશ વિધાનસભાની ચૂંટણીની સાથે જ 8 ડિસેમ્બરે હાથ ધરાશે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરવા કેન્દ્રીય ચૂંટણી પંચે યોજેલી પત્રકાર પરિષદમાં, ગુજરાતમાં ચૂંટણી કેમ મોડેથી જાહેર કરાઈ છે તેવા પુછાયેલા પ્રશ્નનો જવાબ આપતા મુખ્ય ચૂંટણી કમિશનરે કહ્યું કે, મોડી નહી વહેલી છે. વર્તમાન ગુજરાત વિધાનસભાનો કાર્યકાળ 18 ફેબ્રુઆરી 2023ના રોજ પૂર્ણ થાય છે. કોઈ પણ રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી જાહેર કરતા પૂર્વે અનેક પરિબળોને ધ્યાને લેવાના હોય છે. ખાસ કરીને હવામાન, વિધાનસભાની મુદત ક્યારે પૂર્ણ થાય છે તે પણ જોવામાં આવે છે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણી મોડી જાહેર કરવામાં આવી હોવાનું કહેવાય છે, પરંતુ વિધાનસભાની ચૂંટણી જાહેર કર્યાના દિવસથી ગુજરાત વિધાનસભાની મુદત પૂર્ણ થવામાં 110 દિવસ બાકી રહે છે. આ ઉપરાંત જો મતગણતરીના દિવસથી વર્તમાન ગુજરાત વિધાનસભાની મુદત જોઈએ તો, 72 દિવસ બાકી રહે છે. એટલે કે મતગણતરીના 72માં દિવસે વર્તમાન ગુજરાત વિધાનસભાનો કાર્યકાળ સમાપ્ત થાય છે.
ચૂંટણી પંચ નિષ્પક્ષ હોવા અંગે મુખ્ય ચૂંટણી કમિશનરે કહ્યુ કે, અમે ગમે એટલુ કહીશુ પણ અમે નિષ્પક્ષ હોવા અંગેની જાણકારી અમારા કાર્યથી જ જાણી શકશો. ભૂતકાળમાં પણ અનેક રાજકીયપક્ષોએ ઈવીએમ ઉપર શંકા ઉઠાવી હતી. આ જ ચૂંટણીમાં સવાલ ઉઠાવનાર રાજકીય પક્ષના ઉમેદવાર જીતી જાય તો કશુ કહેતા નથી. એવુ જ પરિણામ બાબતે પણ છે. જો તેમના ઉમેદવાર જીતી જાય તો કરાયેલી તમામ ફરિયાદ માત્ર કાગળ પરજ રહેવા દેવા કહેવામાં આવે છે. પંચ હંમેશા નિષ્પક્ષ રહ્યું છે અને રહેશે.