Gujarat Election: વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખોડલધામ મંદિરમાં ચઢાવી શકે છે ધજા, મંદિર ટ્રસ્ટ તરફથી આપવામાં આવી શકે છે આમંત્રણ
આ મુલાકાત રાજકીય રીતે પણ ખૂબ જ મહત્વની માનવામાં આવી રહી છે. કારણકે વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીમાં (Assembly elections) ભાજપને અહીં ગ્રામ્ય વિસ્તારોમાં સૌથી મોટો ફટકો પડ્યો છે. આ મુલાકાતથી ભાજપ ગ્રામ્ય વિસ્તારોના મતદારો સુધી પહોંચી શકે છે.
વિધાનસભાની ચૂંટણી (Assembly elections) જીતવા માટે હવે દરેક રાજકીય પક્ષો ગુજરાતમાં એક્ટિવ મોડમાં જોવા મળી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) વારંવાર ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઇને મોટા સમાચાર સામે આવ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઓક્ટોબર મહિનાના અંત સુધીમાં કાગવડ ખોડલધામ મંદિરમાં (Khodaldham temple) ધજા ચઢાવે તેવી શક્યતા છે. ખોડલધામ મંદિર ટ્રસ્ટ તરફથી થોડા જ દિવસોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આ માટે આમંત્રણ પણ મોકલવામાં આવી શકે છે. જે પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખોડલધામ મંદિરની મુલાકાત લઇ શકે છે.
સરદાર પટેલ જયંતીના દિવસે ધજા ચઢાવે તેવી શક્યતા
લેઉવા પાટીદારોના કુળદેવી કાગવડ ખોડલધામ મંદિરમાં આગામી દિવસમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી મુલાકાત લઇ શકે છે. ખોડલધામના ચેરમેન નરેશ પટેલ,રમેશ ટીલાળા આવતા સપ્તાહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આમંત્રણ આપવા રુબરુમાં જઇ શકે છે. અત્યારે જે પ્રમાણે માહિતી મળી રહી છે તે પ્રમાણે 31 ઓક્ટોબર એટલે કે સરદાર પટેલ જયંતીના દિવસે તેઓ ખોડલધામ ખાતે આવે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. તે માટે વિવિધ તૈયારીઓ પણ શરુ કરી દેવામાં આવી છે.
આ મુલાકાત રાજકીય રીતે પણ ખૂબ જ મહત્વની માનવામાં આવી રહી છે. કારણકે વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપને અહીં ગ્રામ્ય વિસ્તારોમાં સૌથી મોટો ફટકો પડ્યો છે. 54 બેઠકમાંથી અહીં ભાજપને 23 બેઠક જ મળી હતી અને કોંગ્રેસને 30 બેઠક મળી હતી. ભાજપે આ ચૂંટણીમાં લેઉઆ પાટીદાર સમાજની નારાજગીનો સામનો કરવો પડ્યો હતો. તો થોડા દિવસમાં લેઉઆ પાટીદાર સમાજ ખોડલધામ ખાતે પોતાનું શક્તિ પ્રદર્શન કરે તેવી શક્યતા છે.
મહત્વનું છે કે આ પહેલા વડાપ્રધાન મોદી ફરી એકવાર ગુજરાતની મુલાકાતે આવશે. PM મોદી 19 ઓક્ટોબરના રોજ રાજકોટના પ્રવાસે આવશે. 19 ઓક્ટોબરે રાજકોટમાં PM મોદીનો ભવ્ય રોડ શો યોજાશે. રાજકોટ એરપોર્ટથી રેસકોર્ષ સુધી PM મોદીનો રોડ શો યોજાશે. ઉપરાંત PM મોદી રાજકોટવાસીઓને વિકાસની ભેટ પણ આપશે. રાજકોટમાં વડાપ્રધાન વિશાળ જનસભાને સંબોધશે. આ સભામાં દોઢ લાખથી વધુ લોકો ઉમટશે. PM મોદીના કાર્યક્રમને લઈને રાજકોટમાં તડામાર તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી છે અને વડાપ્રધાનના કાર્યક્રમને લઈને કલેક્ટર કચેરીમાં શિક્ષણપ્રધાન જીતુ વાઘાણીની અધ્યક્ષતામાં મહત્વની બેઠક મળી હતી. જેમાં રાજ્યસભા સાંસદ રામ મોકરીયા, ધારાસભ્ય ગોવિંદ પટેલ અને લાખા સાગઠીયા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
(વીથ ઇનપુટ- મોહિત ભટ્ટ, રાજકોટ)