વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આવકારવા વલસાડ જિલ્લા ભાજપના તમામ કાર્યકર્તાઓ અને સંગઠને તૈયારી કરી હતી. વલસાડની પારડી વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર કનુ દેસાઈએ પણ વડાપ્રધાન મોદીના રોડ શોના રૂટનું નિરીક્ષણ કર્યું હતું. તો આ તરફ વલસાડ જિલ્લા પોલીસવડાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રોડ શો મામલે સુરક્ષા વ્યવસ્થાની પણ સમીક્ષા કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષામાં 9 એસપી ,17 ડીવાયએસપી 40 પીઆઈ, 90 પીએસઆઈ અને 1500 પોલીસકર્મીઓ જોડાશે.
ગુજરાતમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે અને આ વખતે ચૂંટણી રસપ્રદ એટલે પણ બની છે કે ભાજપ, કોંગ્રેસ અને આપ વચ્ચે ત્રિપાંખિયો જંગ છે. ભાજપ અને આપ સોશિયલ મીડિયા પર ટક્કર આપતા દેખાઈ રહ્યા છે, બીજી તરફ મોદીની પાછળ પાછળ અને છેલ્લે છેલ્લે પણ પ્રચાર માટે સભાઓ ગજવવા રાહુલ ગાંધી પણ આવશે, પરંતુ માસ્ટરસ્ટ્રોક મારવા માટે જાણીતા વડાપ્રધાન મોદી આ વખતે સભાઓ કે સોશિયલ મીડિયા પર જ નહીં બલકે લોકોના ઘરે ઘરે જઈને ચૂંટણીની સ્લીપ પણ વહેંચશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતમાં કુલ 25 રેલી કરીને પ્રચાર કરવાના છે, તેમની રેલીઓ માટેના આયોજન મોટા પાયે થઇ ગયા છેઅને આ કાર્યક્રમ માટેની તૈયારીઓ પણ પૂરજોશમાં ચાલી રહી છે. બીજી તરફ 20 નવેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સૌરાષ્ટ્રની પણ મુલાકાત લેવાના છે. સૌરાષ્ટ્રમાં તેઓ વેરાવળ, ધોરાજી, અમરેલી અને બોટાદની મુલાકાત લેશે. વડાપ્રધાન મોદી આ ચારેય સ્થળ પર જનસભા સંબોધવાના છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરીથી ગુજરાત મુલાકાતે આવવાના છે. અગાઉ ચૂંટણી પ્રચાર માટે વડાપ્રધાન મોદી વલસાડના નાનપોંઢા આવ્યા હતા. જ્યાં તેમણે સભા સંબોધન દરમિયાન જણાવ્યુ હતુ કે ગુજરાત ભાજપને મારી પાસે પ્રચારનો જેટલો સમય માગવો હોય તેટલો મારો આપવો પડે. હું ગુજરાતમાં પ્રચાર માટે ભાજપ જેટલો સમય માગશે તેટલો આપીશ. પોતે આપેલા વચન પ્રમાણે જ વડાપ્રધાન મોદી આગામી દિવસોમાં ગુજરાતમાં એક પછી એક પ્રચાર રેલીઓ કરવાના છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સિવાય અન્ય સ્ટાર પ્રચારકો પણ ગુજરાતમાં સતત પ્રવાસે રહેશે. ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે ભાજપે 40 સ્ટાર પ્રચારકોના નામ જાહેર કર્યા છે. પીએમ મોદી, જેપી નડ્ડા, અમિત શાહ, નીતિન ગડકરી, રાજનાથ સિંહ, સ્મૃતિ ઈરાની, ભૂપેન્દ્ર પટેલ, મનોજ તિવારી, રવિ કિશનના નામ પણ આ યાદીમાં સામેલ છે. તેમજ ગુજરાતના સ્થાનિક નેતાઓ અને મંત્રીઓ પણ સ્ટાર પ્રચારક તરીકે મહત્વની ભૂમિકા ભજવશે.