ગુજરાત એસેમ્બલી ઇલેકશન 2022 : બનાસકાંઠા જિલ્લાના દાંતા વિધાનસભા મતવિસ્તારના ઉમેદવાર કાંતિભાઈ ખરાડી પર કોઈ હુમલો ન થયાનું ચૂંટણી પંચ દ્વારા જણાવવામાં આવ્યુ છે. અધિક મુખ્ય ચૂંટણી અધિકારી કુલદીપ આર્યએ કુલદીપ ખરાડીનું અપહરણ ન થયું હોવાનું જણાવ્યુ છે. તેમણે જણાવ્યુ કે, બનાસકાંઠા જિલ્લાના પોલીસ અધિકારીઓએ સામે ચાલીને કાંતિભાઈ ખરાડીનો સંપર્ક કર્યો હતો અને એમને જો કોઈ ફરિયાદ હોય તો કમ્પ્લેન નોંધાવવા કહ્યું હતું. પરંતુ કાંતિભાઈ ખરાડીએ એવી કોઈ જ ઈચ્છા નહીં હોવાનું જણાવ્યું છે.
ગુજરાતના અધિક મુખ્ય ચૂંટણી અધિકારી કુલદીપ આર્યએ જણાવ્યું હતું કે, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રતિનિધિ મંડળની રજૂઆત પછી 4 ડિસેમ્બરની મધરાત પછી મુખ્ય ચૂંટણી અધિકારી પી. ભારતીએ બનાસકાંઠા જિલ્લાના પોલીસ નિરીક્ષક અને જિલ્લા પોલીસ વડાને આ અંગે તાત્કાલિક તપાસ કરીને રિપોર્ટ કરવાની સૂચના આપી હતી. બનાસકાંઠા પોલીસના અધિકારીઓ તાત્કાલિક કાંતિભાઈ ખરાડીને મળ્યા હતા. કાંતિભાઈ ખરાડી પર કોઈ જ હુમલો થયો નથી કે તેમનું અપહરણ થયું ન હતું. આ બાબત કાંતિભાઈ ખરાડીએ જાતે બનાસકાંઠા જિલ્લા પોલીસને કહી છે. પોલીસના અનુરોધ પછી પણ તેમણે કોઈ જ કમ્પ્લેન નોંધાવવાની ઈચ્છા નહીં હોવાનું કહ્યું હતું.
મહત્વનું છે કે આ પૂર્વે દાંતા બેઠકના ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોએ એકબીજા પર હુમલાનો આરોપ લગાવ્યો હતો. કાંતિ ખરાડી અને લાઘુ પારઘી બંનેએ એવો દાવો કર્યો હતો કે તેમના પર હુમલો થયો હતો. ત્યારબાદ તેઓ જીવ બચાવીને ભાગ્યા હતા. કાંતિ ખરાડીએ કહ્યું કે તેઓ ભાજપના ઉમેદવાર લાઘુ પારઘી તલવાર લઈને તેમના પર હુમલો કરવા દોડી આવ્યા હતા. તેની સાથે એલકે બારડ અને તેના ભાઈ વદન સહિત 100 લોકોનું ટોળું હતું. ગાડી પાછળ વાળી તો ત્યાં પણ બીજી 6થી 7 ગાડીઓ હતી. જેથી તેઓ દોડીને ખેતરોમાં જતા રહ્યા હતા. ત્યાંથી નદીઓ અને પહાડો પર ચઢીને પોતાનો જીવ બચાવ્યો હતો.
તો બીજીતરફ લાઘુ પારઘીનો દાવો હતો કે- કાંતિ ખરાડીએ તેમના પર હુમલો કરાવ્યો હતો. તેઓ દાંતા ભાજપ કાર્યાલયથી ઘરે જઈ રહ્યા હતા તે દરમિયાન રસ્તામાં કાંતિ ખરાડીની 25 જેટલી ગાડીઓ સામે આવી ગઈ હતી અને તેમની ગાડી તોડી નાખી હતી, તેમણે કહ્યું કે- કાંતિ ખરાડીના લોકો ધોકા અને તલવારો લઈને મારવા આવ્યા હતા. જેથી તેઓ જીવ બચાવવા ભાગી ગયા હતા અને પોલીસ સ્ટેશને પહોંચી ગયા હતા.