Gujarat Election 2022: ભાજપની પ્રથમ યાદીમાં ટિકિટ કપાતા બોટાદ, વાઘોડિયા, કરજણ, પાદરા સહિત ભાજપમાં ભડકો
કેટલાક નેતાઓ એવા પણ છે જેઓ ટિકિટ કપાઈ જવાથી નારાજ થઈને બીજી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. આ દિવસોમાં ગુજરાતમાં નારાજ નેતાઓ અને તેમના સમર્થકો બળવો કરી રહ્યા છે
ભાજપની પ્રથમ યાદીમાં ટિકિટ કપાતા વાઘોડિયા, કરજણ, પાદરામાં બળવો થયો છે. ભાજપના કટ થયેલા ઉમેદવારો ભાજપ સામે રણશિગુ ફૂંકી રહ્યા છે અને કેટલાકે તો યાદીમાંથી નામ કપાતાની સાથે જ આમ આદમી પાર્ટીનો સાથ લઈ લીધો હતો તો ઘણાએ રાજીનામા ધરી દીધા હતા. તો વાઘોડિયા, કરજણ, પાદરા, બોટાદ સહિત જેમના નામ કપાયા છે તે ઉમેદવારો તેમજ તેમના સમર્થકોએ વિરોધ વ્યક્ત કર્યો છે.
ગત રોજ ભાજપે 160 ઉમેદવારની યાદી જાહેર કરી છે . ત્યારથી જેમની ટિકિટ કપાઈ છે તેવા ધારાસભ્યોએ ભાજપ સામે મોરચો માંડયો છે અને આવા નારાજ થયેલા ધારાસભ્યોએ રાજીનામા આપ્યા છે તે પૈકીના ખેડા જિલ્લાના માતરના ધારાસભ્ય કેસરી સિંહનું નામ કાપી નાખતા કેસરી સિંહે નારાજગીના સૂર વ્યક્ત કર્યા છે અને કેસરી સિંહે પોતાના ટ્વિટર એકાઉન્ટ ઉપર ગોપાલ ઇટાલિયા સાથેનો ફોટો શેર કર્યો હતો.
ભાવનગરના મહુવા બેઠક પર શીવા ગોહિલનું નામ જાહેર થતા મહુવા ભાજપમાં ભડકો થયો હતો અને ક્ષત્રિય સમાજે ભાજપ સામે ખુલ્લેઆમ વિરોધ નોંધાવ્યો. મહુવા તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના તમામ સભ્યો, ભાજપના કાર્યકરો અને આગેવાનો સહિત 300થી વધુ સભ્યોએ સામુહિક રાજીનામા આપ્યા છે. આર.સી મકવાણાની ટિકિટ કાપી શીવા ગોહિલને ટિકિટ આપતા ભાજપના આગેવાનો અને રાજપૂત ક્ષત્રિય સમાજે વિરોધ નોંધાવ્યો હતો.
બોટાદ ભાજપના ઉમેદવાર ઘનશ્યામ વિરાણીનો સંગઠનમાં વિરોધ
બોટાદ માર્કેટીંગ યાર્ડમાં સંગઠનમાં મહત્વના હોદેદારો અને કાર્યકરો ગાંધીનગર જવા એકઠા થયા હતા. સૌરભ પટેલના સ્થાને ઘનશ્યામ વિરાણીને ટિકિટ આપતા સૌરભ પટેલના સમર્થકો નારાજ થયા છે અને ગાંધીનગર સી.આર.પાટીલને રજૂઆત કરવા આગેવાનો રવાના થયા છે. ઘનશ્યામ વિરાણી વિસ્તાર માટે નવા છે એટલે સૌરભ પટેલની ટિકિટ આપે તેવી માંગણી તેઓ કરી રહ્યા છે
ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થયા બાદ તમામ રાજકીય પક્ષોએ જીત મેળવવા માટે પોતાની પૂરી તાકાત લગાવી દીધી છે. આ સાથે જ કેટલાક નેતાઓ એવા પણ છે જેઓ ટિકિટ કપાઈ જવાથી નારાજ થઈને બીજી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. આ દિવસોમાં ગુજરાતમાં નારાજ નેતાઓ અને તેમના સમર્થકો બલવો કરી રહ્યા છે