Gujarat Election 2022 : સૌરાષ્ટ્રની આ હાઈ પ્રોફાઈલ બેઠક પર દરેક પક્ષની નજર, કેજરીવાલથી લઈ PM મોદી સહિતના દિગ્ગજો મેદાનમાં
સામાન્ય રીતે સૌરાષ્ટ્રના ગ્રામ્ય વિસ્તારમાં ખેડૂત મતદાતા ખુબ મોટી સંખ્યામાં છે. ત્યારે કોઈપણ પક્ષને જીત મેળવવા માટે ખેડૂતોને રિઝવવા પડશે.

એવુ કહેવાય છે કે ગુજરાતની ગાદી જીતવાનો રસ્તો સૌરાષ્ટ્ર થઈને જાય છે. દરેક રાજકીય પાર્ટી સૌરાષ્ટ્રવાસીઓને રીઝવવા એડી ચોટીનુ જોર લગાવી રહ્યા છે. આજે અરવિંદ કેજરીવાલનો જેતપુરમાં રોડ-શો યોજાશે. આ પહેલા વડાપ્રધાન મોદીએ પણ જામકંડોરણામાં સભા ગજવી હતી. ત્યારે આજે અમે તમને જણાવીશુ કે સૌરાષ્ટ્રની આ બેઠક શા માટે રાજકીય પાર્ટીઓની નજરે છે.
સૌરાષ્ટ્રના ગ્રામ્ય વિસ્તારમાં મતદારોને રીઝવવા પ્રયાસ
સામાન્ય રીતે સૌરાષ્ટ્રના ગ્રામ્ય વિસ્તારમાં ખેડૂત મતદાતા ખુબ મોટી સંખ્યામાં છે. ત્યારે કોઈપણ પક્ષને જીત મેળવવા માટે ખેડૂતોને રિઝવવા પડશે. મહત્વનું છે કે સૌરાષ્ટ્રની અમુક બેઠકો પર ભાજપનો દબદબો છેલ્લા એક દાયકાથી ચાલી રહ્યો છે. જેમાંની એક બેઠક જેતપુર વિધાનસભા બેઠક છે. જેતપુર વિધાનસભા બેઠક પર છેલ્લી બે ટર્મથી ભાજપનો દબદબો કાયમ છે, 2012માં કોંગ્રસમાંથી જયેશ રાદડિયાએ ભારે બહુમતી સાથે જીત મેળવી હતી. પરંતુ બે મહિના બાદ કોંગ્રેસમાંથી રાજીનામું આપી ભાજપમાં જોડાયા હતા. તેથી ફરી પેટા ચૂંટણી યોજાઈ હતી. જેમાં ભાજપમાંથી જયેશ રાદડીયાનો ભવ્ય વિજય થયો હતો અને આ બેઠક પર ભાજપે પોતાની પકડ મજબૂત બનાવી હતી.
જાણો આ બેઠકનો રાજકીય ઈતિહાસ
જો જેતપુર વિધાનસભા બેઠકના ઈતિહાસની વાત કરીએ તો અહીં 2017માં ભાજપના જયેશ રાદડિયાને 98,948 મત મળ્યા હતા, તો કોંગ્રેસના રવિ અંબાલિયાને 73,367 મત મળ્યા. જેથી ભાજપના જયેશ રાદડિયાએ 25,581 મતોથી અહીં જીત મેળવી હતી. જો આ હાઈપ્રોફાઈલના જાતિગત સમીકરણોની વાત કરીએ તો અહીં લેઉઆ પટેલ કુલ મતદારના 45 ટકા, કોળી મતદાર 7 ટકા, કડવા પટેલ મતદાર 5 ટકા, ક્ષત્રીય મતદાર 4 ટકા અને લધુમતી મતદાર 2 ટકા છે.