દેશમાં પ્રથમ વખત સત્ર 2024 થી એક વર્ષની માસ્ટર ડિગ્રી, અધ્યક્ષે કહ્યું ડ્રાફ્ટ રાજ્યો અને યુનિવર્સિટીઓને મોકલાશે
નવા અભ્યાસક્રમ અને ક્રેડિટ ફ્રેમવર્ક હેઠળ ચાર વર્ષનો UG અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને એક વર્ષની માસ્ટર ડિગ્રીનો વિકલ્પ મળશે. આ સિવાય ત્રણ વર્ષનો UG પ્રોગ્રામનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ બે વર્ષનો માસ્ટર્સનો અભ્યાસ કરવાનો રહેશે.
દેશભરમાં પહેલી વાર શૈક્ષણિક સત્ર 2024થી એક વર્ષ માટે માસ્ટર્સ ડિગ્રી શરૂ થવા જઈ રહી છે. આવતા વર્ષથી વિદ્યાર્થીઓ પાસે એક વર્ષ અને બે વર્ષનો માસ્ટર્સ અભ્યાસ કરવાનો વિકલ્પ હશે. આ સિવાય ગ્રેજ્યુએશન અને પોસ્ટ ગ્રેજ્યુએશનમાં UG પ્રોગ્રામમાં ભણવામાં આવતા વિષયોને જ સિલેક્ટ કરવાનો પ્રતિબંધ પણ દૂર કરાશે.
એમ જગદીશ કુમારે કરી વાત
વિદ્યાર્થીઓ CUET-PG-2024માં તેમના મનપસંદ સબજેક્ટમાં લાયકાત મેળવીને માસ્ટર્સની સ્ટડી કરી શકશે. યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (UGC)ના અધ્યક્ષ પ્રોફેસર એમ જગદીશ કુમારે જણાવ્યું હતું કે, UGCની કાઉન્સિલની બેઠકમાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP)-2020 હેઠળ તૈયાર કરાયેલા અનુસ્નાતક કાર્યક્રમ માટે નવા અભ્યાસક્રમ અને ક્રેડિટ ફ્રેમવર્કને મંજૂરી આપવામાં આવી છે. આ ડ્રાફ્ટ આ સપ્તાહે રાજ્યો અને યુનિવર્સિટીઓને મોકલવામાં આવશે. અત્યાર સુધી દેશમાં માત્ર બે વર્ષના માસ્ટર્સ અભ્યાસ માટે જ વિકલ્પ છે.
અભ્યાસનું માધ્યમ પણ બદલવાનો વિકલ્પ
નવા નિયમો હેઠળ હવે વિદ્યાર્થીઓને અભ્યાસનું માધ્યમ બદલવાનો વિકલ્પ પણ મળશે તે એક સારી બાબત કહી શકાય. જેમાં વિદ્યાર્થીઓ ઓફલાઈન, ઓડીએલ (ડીસ્ટન્સ એજ્યુકેશન), ઓનલાઈન લર્નિંગથી લઈને હાઈબ્રિડ માધ્યમથી તેમની અનુકૂળતા મુજબ અભ્યાસ કરી શકશે.
એક કે બે વર્ષ માટે હશે વિકલ્પ
નવા અભ્યાસક્રમ અને ક્રેડિટ ફ્રેમવર્ક હેઠળ 4 વર્ષ માટે અન્ડરગ્રેજ્યુએટ અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને એક વર્ષની માસ્ટર ડિગ્રીનો વિકલ્પ પણ મળશે. આ સિવાય ત્રણ વર્ષનો UG પ્રોગ્રામનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ બે વર્ષનો માસ્ટર્સનો અભ્યાસ કરવાનો રહેશે.
વધારે વિષયોમાં વિકલ્પો મળશે
નવા અભ્યાસક્રમમાં વધારે અભ્યાસની સુવિધા મળશે. હવે જો વિદ્યાર્થીએ કોમર્સ પ્રવાહમાં યુજી પ્રોગ્રામ પાસ કર્યો હોય તો તે કોમર્સમાં માસ્ટર્સ પણ કરી શકે છે. નવા નિયમોમાં આ સૌથી મોટો ફેરફાર છે. ઉદાહરણ તરીકે ચાર વર્ષના UG પ્રોગ્રામમાં, જો કોઈ વિદ્યાર્થીએ ભૌતિકશાસ્ત્રને મુખ્ય વિષય તરીકે અને અર્થશાસ્ત્રને નાના વિષય તરીકે અભ્યાસ કર્યો હોય, તો હવે તે માસ્ટર્સમાં મુખ્ય અને ગૌણ વિષયોમાંથી કોઈપણ એક વિષયને સિલેક્ટ કરી શકશે.
જો કોઈ વિદ્યાર્થી માસ્ટર્સમાં સ્ટ્રીમ બદલવા માંગતો હોય તો તે વિકલ્પ પણ ઉપલબ્ધ રહેશે. જો કોમર્સ અને સાયન્સ સ્ટ્રીમના યુજી વિદ્યાર્થીઓ આંતરરાષ્ટ્રીય સંબંધોમાં માસ્ટર્સ કરવા માંગતા હોય, તો તેઓએ CUET PG 2024 અથવા અન્ય કોઈપણ પ્રવેશ પરીક્ષામાં તે વિષયમાં લાયકાત મેળવવી પડશે.