ખરીફ સિઝનમાં DAP અને યુરિયાની નહીં થાય અછત, મોદી સરકારે અત્યારથી જ શરૂ કરી તૈયારીઓ
દેશમાં ખરીફ પાકની વાવણી ચોમાસાના વરસાદની શરૂઆત સાથે શરૂ થાય છે. જો કે, આ પાકો માટે ખાતર અને અન્ય પૌષ્ટિક તત્વોની જરૂર એપ્રિલ અને સપ્ટેમ્બર વચ્ચે જ હોય છે.
આગામી ખરીફ સિઝનમાં (Kharif Season) ખેડૂતોને યોગ્ય અને સમયસર ખાતરનો પુરવઠો સુનિશ્ચિત કરવા માટે સરકારે યુરિયા અને ડીએપીનો પ્રારંભિક સ્ટોક અપેક્ષિત કરતાં વધુ રાખવાનું લક્ષ્ય નક્કી કર્યું છે. એક વરિષ્ઠ સરકારી અધિકારીએ બુધવારે જણાવ્યું હતું કે, સરકારે ખરીફ પાક માટે ખાતરોની ઉપલબ્ધતા અંગે અગાઉથી તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. તેમણે જણાવ્યું હતું કે વૈશ્વિક બજારમાંથી ખાતરો અને અન્ય કાચા માલસામાનના એકત્રીકરણથી યુરિયા અને ડી-એમોનિયમ ફોસ્ફેટ (DAP)ના પ્રારંભિક સ્ટોકને અપેક્ષા કરતા વધારે રાખવામાં મદદ મળશે.
દેશમાં ખરીફ પાકની વાવણી ચોમાસાના વરસાદની શરૂઆત સાથે શરૂ થાય છે. જો કે, આ પાકો માટે ખાતર અને અન્ય પૌષ્ટિક તત્વોની જરૂર એપ્રિલ અને સપ્ટેમ્બર વચ્ચે જ હોય છે.
ભારત ચીનમાંથી 45% DAP આયાત કરે છે
અધિકારીએ જણાવ્યું કે DAPનો પ્રારંભિક સ્ટોક 2022ની ખરીફ સિઝનમાં 25 લાખ ટન હોવાનો અંદાજ છે, જે ખરીફ સિઝન 2021માં 14.5 લાખ ટન હતો. યુરિયાના કિસ્સામાં, પ્રારંભિક સ્ટોક 60 લાખ ટન રહેવાની અપેક્ષા છે, જે ગયા વર્ષે 50 લાખ ટન હતો. અધિકારીએ જણાવ્યું હતું કે યુરિયા અને અન્ય જમીન સંવર્ધન તત્વોના પુરવઠામાં સુધારો કરવા માટે ભારત ઘણા દેશો સાથે વાતચીત કરી રહ્યું છે અને આ માટે લાંબા ગાળાના પુરવઠા કરારની શક્યતાઓ તપાસવામાં આવી રહી છે.
અધિકારીના જણાવ્યા અનુસાર, કોરોના મહામારી અને ચીન દ્વારા લાદવામાં આવેલા નિયંત્રણોને કારણે ખાતરનો પુરવઠો પ્રભાવિત થયો છે, જેના કારણે તેની કિંમતોમાં વધારો થયો છે. આ સ્થિતિમાં ભારત પહેલેથી જ પોતાની તૈયારીઓમાં લાગેલું છે. ભારત તેના ડીએપીના 45 ટકા અને કેટલાક યુરિયા ચીનમાંથી આયાત કરે છે. યુરિયા સિવાય ડીએપી અને અન્ય ફોસ્ફેટ ખાતરોના ભાવ ખાનગી કંપનીઓ દ્વારા નક્કી કરવામાં આવે છે. વૈશ્વિક કાચા માલના ભાવમાં વધારાને કારણે ડીએપીના સ્થાનિક ભાવમાં પણ વધારો થયો છે.
ગત ખરીફ અને રવિ સિઝનમાં ખેડૂતોને ખાતર માટે ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ઘણા રાજ્યોમાં ખેડૂતો ખાતર માટે વિરોધ કરતા જોવા મળ્યા હતા. ખાતરની અછતને કારણે કેટલાક ભાગોમાં વાવણી કાર્ય વિલંબિત થયું. આવી સ્થિતિ ફરી ન બને તે માટે સરકારે અત્યારથી તૈયારીઓ શરૂ કરી દીધી છે.
આ પણ વાંચો : Happy Teddy Day 2022 : શા માટે મનાવવામાં આવે છે ટેડી ડે, જાણો આની પાછળ શું છે રોચક કહાણી