Agriculture: ખેડૂતોએ જુદા-જુદા પાકમાં રાસાયણિક ખાતરનો ઉપયોગ કરતા પહેલા આ બાબતો જાણવી જરૂરી
ખેડૂતોએ જે પાકનું વાવેતર કરેલું છે, તેમાં સમયાંતરે જુદા-જુદા ખેતી કાર્યો કરવાના રહે છે. ખેડૂતો પાકમાં કયા કાર્યો કરવા તે અંગેનું આગોતરું આયોજન કરશે, તો તે ગુણવત્તાયુક્ત અને વધારે ઉત્પાદન મેળવી શકશે.

Agriculture: ખેડૂતો (Farmers) સિઝન મૂજબ જે પાકનું વાવેતર કરવાના છે તો તેઓએ વાવેતર કરતા પહેલા જમીનની તૈયારીથી લઈને બિયારણની પસંદગી તેમજ તેની માવજત વગેરે માટે આયોજન કરવું જોઈએ. આ ઉપરાંત ખેડૂતોએ જે પાકનું વાવેતર કરેલું છે, તેમાં સમયાંતરે જુદા-જુદા ખેતી કાર્યો કરવાના રહે છે. આ ઉપરાંત ખેડૂતોએ પાકમાં રાસાયણિક ખાતરનો ઉપયોગ કરતા પહેલા નીચેની બાબતો જાણવી જરૂરી છે.
પાક અને તેની જાત
પોષક તત્વોની જરૂરિયાતનો મોટો આધાર પાક અને તેની જાત ઉપર રહે છે. કઠોળ વર્ગના પાકોમાં નાઈટ્રોજનની જરૂરિયાત ઓછી અને ફોસ્ફરસની જરૂરિયાત વધુ હોય છે, જયારે ધાન્ય વર્ગના પાકોમાં નાઈટ્રોનની જરૂરિયાત વધુ હોય છે. લાંબા ગાળાના અખતરીઓના પરિણામો ઉપરથી એ સ્પષ્ટ થયું છે કે કપાસમાં ફોસ્ફરસની જરૂરિયાત અન્ય પોષક તત્વો અને પાકોની તુલનાએ ઘણી ઓછી છે. આવુ જાત બાબતમાં પણ છે.
કપાસની સંકર જાતોની નાઈટ્રોજનની જરૂરિયાત દેશી જાતો કરતાં ઘણી વધારે છે, જયારે બી.ટી. જાતોની નાઈટ્રોજનની માગ સંકર જાતો કરતાં પણ વધારે છે. તેજ રીતે મકાઈની સંકર જાતો માટે 100 કિ.ગ્રા. નાઈટ્રોજનની છે, જયારે સ્થાનિક જાતો માટે 60 કિ.ગ્રા. નાઈટ્રોજન પૂરતો છે.
સામાન્ય રીતે ટુંકા ગાળે પાકતાં પાકો માટે ખાતરનો ઓછો જથ્થો, જયારે લાંબા ગાળે પાકતાં પાકો માટે ખાતરનો વધુ જથ્થો જોઈએ. દા.ત. ડાંગરની વહેલી, મધ્યમ મોડી અને મોડી પાકતી જાતો માટે અનુક્રમે 80, 100 અને 120 કિ.ગ્રા. નાઈટ્રોજનની ભલામણ કરવામાં આવે છે.
જમીનમાં લભ્ય પોષક તત્વોનું પ્રમાણ
જમીનમાં રાસાયણિક પૃથ્થકરણના આધારે જમીનમાં લભ્ય પોષક તત્વોનું પ્રમાણ કેટલું છે તે જાણી શકાય છે. જે તે જમીનમાં પોષક તત્વોની લભ્યતા ઓછી, મધ્યમ કે વધારે નકકી કર્યા બાદ જ ખૂટતાં પોષક તત્વોનો જથ્થો અનુકૂળ સ્ત્રોતથી આપવાનો થાય. જમીનમાં પોષક તત્વોની લભ્યતા જમીનમાં ભેજનું પ્રમાણ, જમીનનો અમ્લતા આંક અને જમીનમાં ક્ષાારનું પ્રમાણ પર આધારીત છે.
આગલા-પાછલા/આંતરપાકની પસંદગી
જો આગલા કે આંતરપાક તરીકે કઠોળ વર્ગના પાકની પસંદગી કરી હોય તો નાઈટ્રોજનયુકત ખાતરો ઓછા પ્રમાણમાં જોઈશે, પરંતુ અગાઉ જુવાર, મકાઈ કે ઘાસચારા જેવા પાકની પસંદગી કરેલ હોય તો તે પછીના પાકમાં ખાતરનું પ્રમાણ વધારે રાખવું પડે.
આ પણ વાંંચો: Agriculture: ખેડૂતોએ જુન માસમાં તલ અને સોયાબીનના પાકમાં કરવાના થતા ખેતી કાર્યોની માહિતી
પોષક તત્વોના પ્રકાર
સામાન્ય રીતે મુખ્ય પોષક તત્વોનો જથ્થો વધારે અને સુક્ષમ તત્વોનો જથ્થો ઘણો ઓછો હોય છે. જમીન ચકાસણી અહેવાલના આધારે ખુટતાં પોષક તત્વો આપવા જોઈએ.
આટલું અવશ્ય કરો
1. ખરીફ સીઝનની શરૂઆત થતાં પહેલાં આપણા વિસ્તાર, જમીન અને વાતાવરણને અનુકુળ પાક પસંદગી કરવી.
2. બિયારણને વાવેતર પહેલા ફૂગનાશક દવાનો પટ આપવો.
3. ભાસ્મિકતાવાળા પાણીમાં પિયત હેઠળની જમીનમાં જીપ્સમ ઉમેરવું તેમજ સેન્દ્રીય ખાતર આપવું.
4. જમીનનું ધોવાણ અટકાવવા ઢાળની વિરુદ્ધ દિશામાં ખેડ તેમજ પાકનું વાવેતર કરો.
માહિતી સ્ત્રોત: વિસ્તરણ શિક્ષણ નિયામકની કચેરી, જુનાગઢ કૃષિ યુનિવર્સીટી