Mustard Farming: ખેડૂતો રાયડાની ખેતી માટે અપનાવો આ 5 સરળ ટિપ્સ, મળશે જોરદાર ઉત્પાદન
રાયડાની ખેતી:- ગુજરાતમાં શિયાળામાં રાયડાની ખેતી કરવામાં આવે છે. આ પાકને 18થી 25 સેલ્સિયસ તાપમાનની જરૂર પડે છે. આવો જાણીએ ખેતી સાથે જોડાયેલી મહત્વની બાબતો...
રવિ પાકના વાવેતરની શરૂઆત થઈ ગઈ છે જેમાં મુખ્યત્વે ઘઉં, ચણા, ધાણા તેમજ રાયડો કે રાઈનું વાવેતર કરવામાં આવે છે. ત્યારે ગુજરાતમાં પણ રાયડાની ખેતી સારા એવા પ્રમાણમાં થવા લાગી છે. રાયડાની ખેતી (Mustard Farming) મુખ્યત્વે પંજાબ, રાજસ્થાન તેમજ ઉત્તર પ્રદેશ, હરિયાણા અને ગુજરાત રાજ્યમાં થાય છે.
જો જમીનની વાત કરવામાં આવે તો રાયડાને આમ તો તમામ પ્રકારની જમીન માફક આવે છે, પરંતુ રેતાળ જમીન વધુ અનૂકુળ આવે છે. સરસવ તરીકે ઓળખતો આ તેલીબિયા પાક ખેડૂતોને સારા ઉત્પાદનથી સારો એવો નફો અપાવે છે, ત્યારે અહીં એવી પાંચ ટિપ્સ છે જેનાથી આ પાકના ઉત્પાદનમાં વધારો થશે અને ખેડૂતોને વધુ ફાયદો થશે.
સરસવની ખેતી સંબંધિત 5 શ્રેષ્ઠ ટીપ્સ
(1) રાયડા અંગે કૃષિ વૈજ્ઞાનિકોનો મત છે કે ખેડૂતોએ તાપમાનને ધ્યાનમાં રાખીને રાયડાની વાવણી કરવી જોઈએ. રાયડાની વાવણીમાં વધુ સમય વિલંબ કરવો નહીં.
(2) જમીનનું પણ પરીક્ષણ કરો તેમજ સલ્ફરની ઉણપ હોય તો છેલ્લા ખેડાણ પર 20 કિગ્રા/હે. આપવું તથા ખાતરી કરો કે વાવણી પહેલાં જમીનમાં યોગ્ય ભેજ છે.
(3) ખેડૂતોએ પુસા વિજય, પુસા-29, પુસા-30, પુસા-31 જાતોની વાવણી કરવી જોઈએ, જેથી ઉત્પાદનમાં વધારો થાય. સાથે સાથે વાવણી પહેલા ખેતરમાં ભેજનું સ્તર જાળવી રાખવું જોઈએ, જેથી અંકુરણને અસર ન થાય.
(4) રોપતા પહેલા કેપ્ટાનને 2.5 ગ્રામ પ્રતિ કિલો બીજ સાથે માવજત કરવી જોઈએ. તેમજ હરોળમાં વાવણી કરવાથી વધુ ફાયદો થશે.
(5) ઓછી ફેલાતી જાતોમાં વાવેતર અંતર 30 સે.મી. રાખવું જો વધુ ફેલાવતી જાતો હોય તો 45-50 સે.મી.ના અંતરે હરોળમાં વાવણી કરવી. છોડથી છોડનું અંતર 12-15 સેમી હોવું જોઈએ. સારા ઉત્પાદન માટે વાવણી અંતર ખુબ અગત્યનું છે. વૈજ્ઞાનિક પદ્ધતિથી ખેડૂતો ઘઉં અને સરસવની ખેતી કરી શકે છે. આનાથી સારી ઉપજ અને સારી પાકની ગુણવત્તા મળે છે.
ઘઉંની વાવણી કરતી વખતે સાવચેતી રાખવી
ઘઉંએ રવિ સિઝનનો મુખ્ય પાક છે. વાવણી વખતે ખેતરની જમીનમાં ભેજ હોવો જરૂરી છે. વાવણી પહેલા ખેતરમાં ભેજ હોય ત્યારે જ હળવી ખેતી કરવી જોઈએ. હવામાનને ધ્યાનમાં રાખીને ખેડૂતોએ ઘઉંની વાવણી માટે ખાલી ખેતરો તૈયાર કરવા જોઈએ. સાથે જ અદ્યતન બિયારણ અને ખાતરનો ઉપયોગ કરવો જોઈએ.
આ પણ વાંચો: એલન મસ્ક ઈન્ટરવ્યુમાં આ એક સવાલથી પકડી લે છે જૂઠાણું ! ડીગ્રી નહીં આ એક લાયકાતને તેઓ આપે છે પ્રાથમિકતા