અમદાવાદમાં નજીવી બાબતે યુવકની હત્યા, પોલીસે ત્રણ આરોપીઓની કરી ધરપકડ
અમદાવાદમાં બાળકોને રમવાની બાબતમાં થયેલી પાડોશીઓની બોલાચાલીનો બનાવ હત્યા સુધી પહોંચ્યો હતો. પિતા અને પુત્રોએ મળીને એક નિર્દોષ યુવકની હત્યા કરી હતી. ત્યારે આ મામલે પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે.
અમદાવાદમાં હત્યાના બનાવો જાણે કે સામાન્ય બની ચૂક્યા હોય તેવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે, ત્યારે શહેરના શહેરકોટડા વિસ્તારમાં બે દિવસ પહેલા થયેલા હત્યાના બનાવામાં પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. બાળકોને રમવાની બાબતમાં થયેલી પાડોશીઓની બોલાચાલીનો બનાવ હત્યા સુધી પહોંચ્યો હતો. પિતા અને પુત્રોએ મળીને એક નિર્દોષ યુવકની હત્યા કરી હતી.
સમગ્ર ઘટનાની વાત કરીએ તો સરસપુર વિસ્તારમાં જજ સાહેબની ચાલીમાં પૂનમ પટણી અને તેના બે પુત્રો રહેતા હતા. જેના પાડોશમાં કમલેશ પટણી અને તેનો ભત્રીજો સુમિત પણ રહેતા હતા. ગત 15 જુલાઈના રોજ ભત્રીજા સુમિત અને પૂનમ વચ્ચે બાળકોના રમવા બાબતે ઝઘડો થયો હતો. જેથી સુમિતે પોતાના કાકા કમલેશ પટણીને ફોન કરી બોલાવ્યા હતા.
કમલેશ પટણી જ્યારે ઘરે આવ્યા ત્યારે આરોપી પિતા પુત્રો તેને મારવા માટે પહોંચ્યા હતા. જેથી કમલેશે પોતાના અન્ય મિત્રો ભાવેશ સપાકને ફોન કરી બોલાવ્યા હતા. જ્યાં બંને પક્ષ વચ્ચે બોલાચાલી થઈ હતી. જેમાં આરોપીઓએ છરી વડે ભાવેશ સપાસની હત્યા કરી નાખી હતી.
પોલીસની પ્રાથમિક તપાસ અને આરોપીઓના પૂછપરછમાં સામે આવ્યું છે કે મૃતક ભાવેશ અને કમલેશના પાડોશી પિતા પુત્રો પહેલી વખત જ એકબીજાને મળ્યા હતા. કમલેશના ભત્રીજાને આરોપીઓ સાથે ઝઘડો થતાં કમલેશ તેના મિત્રને લઈને ઘરે પહોંચ્યો હતો. જે બાદ વધુ બોલાચાલી થતા પુત્ર છોટુએ પોતાની પાસે રહેલી છરી વડે હત્યા કરી હતી અને અન્ય એકને માર મારતાં તેને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. સમગ્ર કેસમાં એક મિત્રના ઝઘડામાં મદદ કરવા આવેલા નિર્દોષ મિત્ર એ પોતાનો જીવ ગુમાવવો પડ્યો છે.
પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓ પિતા પુત્રો રિક્ષા ચલાવે છે. જેમાં છોટુ ઉર્ફે રાજ પટણી ગુનાહીત ઇતિહાસ ધરાવે છે અને તેના વિરુદ્ધ અગાઉ મારામારીના બે ગુનાઓ પણ નોંધાઈ ચૂક્યા છે. હાલ તો શહેરકોટડા પોલીસે ત્રણેય આરોપીઓની ધરપકડ કરી હત્યાનો ભેદ ઉકેલ્યો છે, ત્યારે પોલીસ તપાસ કરી રહી છે કે ખરેખર બાળકોના રમવા પાછળના સામાન્ય ઝઘડામાં જ હત્યા થઈ છે કે પછી હત્યા પાછળ અન્ય કોઈ કારણ જવાબદાર છે.