સુરત (Surat)ના ડભોલી વિસ્તારમાં આવેલી એક જવેલરી શોપ (Jewelry shop)માંથી એક યુવક ખરીદીના બહાને આવીને સોનાનો પોચો લઈ ફરાર થઇ ગયો. જો કે દુકાન માલિક બુમાબુમ કરી તેની પાછળ ભાગતા સ્થાનિક લોકોએ તેને ઝડપીને પોલીસને હવાલે કર્યો હતો. પોલીસ પુછપરછમાં ચોરી કરવાનું જે કારણ યુવકે જણાવ્યુ તે જાણીને ખરેખર નવાઇ લાગી જાય.
મૂળ બોટાદના ખસ ગામનો વતની રાહુલભાઇ હડીયલ સુરતના ડભોલી વિસ્તારમાં આવેલી દેવીકૃપા સોસાયટીમાં શ્રીહરિ જવેલર્સ નામે શોપ ધરાવે છે. રવિવારે સવારે એક યુવક જ્વેલરી શોપમાં આવે છે. દાગીનાના કેટલોગ જોઇ જતો રહે છે. બાદમાં સાંજે એ જ યુવાન ખરીદીના બહાને આ જ્વેલરી શોપમાં ફરીથી આવે છે અને દુકાનદારને વાતોમાં ભોળવીને દાગીનો કઈ રીતે બને અને કેવો લાગે તેનું મને સેમ્પલ બતાવો જેવી વાતો કરવા લાગે છે. આથી દુકાનદાર ગ્રાહક તરીકે આવેલા યુવાનને તૈયાર થયેલો સોનાનો હાથનો પોચો બતાવે છે. આ યુવાને પોચા અંગે વિડીયો કોલ કરી કોઈ સ્ત્રી સાથે પણ વાત કરે છે. પછી નજર ચૂકવી યુવાન પોચો લઈ ભાગી જાય છે. જો કે દુકાનદાર પણ તેની પાછળ બુમો પાડતા ભાગે છે. આસપાસના લોકોને યુવાન ચોરી કરીને ભાગતો હોવાની જાણ થતા લોકો યુવાનને ઝડપી લે છે.
સમગ્ર ઘટના અંગે પોલીસને જાણ કરતા સિંગણપોર પોલીસ સ્થળ પર પહોંચીને ઝડપાયેલા યુવાનની અટકાયત કરી હતી. બાદમાં પુછપરછ કરતા તેની ઓળખ દિપકસિંહ ધુરાજસિંહ રાજપુત તરીકે થઈ હતી. તો પોલીસે કરેલી યુવકની પૂછપરછમાં તેની ચોરી કરવાના કારણમાં મોટો ખુલાસો થયો હતો.
પોલીસ પૂછપરછમાં યુવકે જણાવ્યુ હતુ કે રત્નકલાકાર તરીકે કામ કરતા અને એક પુત્ર તેમજ એક પુત્રીના પિતા દિપકસિંગે કાર ખરીદવા રૂ.8 લાખની લોન લીધી હતી. કોરોનાને લીધે તેની આર્થિક સ્થિતી બગડતા તેને લોનના હપ્તા ચુકવવામાં મુશ્કેલીઓ પડી રહી હતી. તેથી તેણે ચોરીનો પ્રયાસ કર્યો હતો. બનાવ અંગે સિંગણપોર પોલીસે જ્વેલરી શોપની ફરિયાદના આધારે ગુનો નોંધી દીપકસિંહની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો-
આ પણ વાંચો-