Rajkot : સૃષ્ટિના હત્યારાને 727 દિવસે મળી સજા: 36 ઘા, ચંપલમાં ચોટેલું લોહી, આરોપીની ડાયરી, હત્યા બાદ કરેલો ફોન – આ પુરાવાથી પોલીસે ઘાતકીને સજા સુધી પહોંચાડ્યો
જયેશ સરવૈયાના પાકીટમાંથી પોલીસને એક ડાયરી મળી હતી જેમાં જયેશે કેટલાક વાક્યો લખ્યા હતા . I LOVE YOU J S...જયેશ સગીરાના પ્રેમમાં હતો, જે અંગેનો પુરાવો આ ડાયરી પરથી મળી આવ્યો હતો.
આજે જેતપુર તાલુકાના જેતલસર ગામની દીકરી સૃષ્ટિ રૈયાણીને ન્યાય મળ્યો છે કેમ કે આજે તેના હત્યારાને ફાંસીની સજા જાહેર કરવામાં આવી છે. એક તરફી પ્રેમમાં સૃષ્ટિની કરપીણ હત્યા કરનારો જયેશ સરવૈયા સૃષ્ટિને એક તરફી પ્રેમ કરતો હતો અને સૃષ્ટિએ આ બાબતનો વિરોધ કરતા જયેશે તુ મારી નહીં તો કોઈની નહીં એવા વિચાર સાથે આયોજનબદ્ધ રીતે સૃષ્ટિનો જીવ લીધો હતો અને બહેનને બચાવવા વચ્ચે પડેલા સૃષ્ટિના ભાઈ હર્ષને પણ મરણતોલ ઘા ઝીંક્યા હતા.
ક્યારે બની હતી ઘટના? જાણો સમગ્ર વિગતો
તારીખ 16 માર્ચ 2021 જેતપુર તાલુકાના જેતલસર ગામમાં સૃષ્ટિ રૈયાણી નામની સગીરાની જયેશ સરવૈયા નામના શખ્સે છરીના ઘા ઝીંકીને હત્યા નીપજાવી હતી. આ સમયે જયેશે સગીરાના ભાઇને પણ ગંભીર ઇજા પહોંચાડી હતી. આરોપીએ સૃષ્ટિ ઉપર એક પછી એક 36 ઘા ઝીંકી દીધા હતા. આ ઘટનાના 727 દિવસ બાદ પરિવારને ન્યાય મળ્યો છે.
રાજય સરકારે કરી હતી SITની રચના
આ કેસની તપાસ માટે રાજ્ય સરકારે એસઆઇટીની રચના કરી હતી. આ તપાસ તે સમયના એસ.પી. બલરામ મીણાની અધ્યક્ષતામાં તે સમયના એલસીબી પીઆઇ એ.આર. ગોહિલ દ્રારા કરવામાં આવી હતી. એસઆઇટી દ્વારા 29 દિવસની અંદર ચાર્જશીટ રજૂ કરવામાં આવી હતી અને કેટલાક મહત્વના પુરાવાઓ રજૂ કર્યાં હતા. જે કોર્ટ સમક્ષ સરકારી વકીલે રજૂ કર્યાં હતા. આ એવા પુરાવા હતા જેના કારણે જયેશ દોષિત સાબિત થયો હતો અને તેને ફાંસીની સજા ફટકારવામાં આવી હતી. સરકાર તરફથી કેસ લડવા સ્પેશિયલ સરકારી વકીલ તરીકે જનકભાઈ પટેલની નિમણૂક કરવામાં આવી હતી.
સગીરા ઉપરાંત તેના ભાઈ પર ઘાતકી હુમલો કર્યાના બનાવમાં હત્યાના પ્રયાસની કલમનો ઉમેરો કરી 10 વર્ષ સજા અને 5000 દંડ અને પોકસો કેસમાં 3 વર્ષની સજા અને 2500 રૂપિયા દંડની સજાનો પણ ઉમેરો કર્યો છે. આ મુદ્દે દીકરીના પિતાએ કહ્યું હતું કે,’સત્યની જીત થાય છે. આજે અમને ન્યાય મળ્યો છે.
આરોપીના ચપ્પલ અને છરી પર લાગેલા લોહીના નમૂના પોલીસે લીધા હતા.
આ કેસમાં પોલીસે ઝીણવટભરી તપાસ કરી હતી.જયેશે હત્યા કર્યા બાદ તેની પોલીસે જેતલસર નજીકથી જ ધરપકડ કરી ત્યારે તેની પાસેથી કબ્જે કરાયેલા કપડાં અને ચપ્પલમાં લાગેલા લોહીના નમૂના લેવામાં આવ્યા હતા. આ લોહીના નમૂના સૃષ્ટિ અને તેના ભાઇના લોહી સાથે સરખાવવામાં આવતા તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. તેમજ આ પુરાવો મહત્વનો સાબિત થયો હતો. સાથે સાથે પોલીસે છરી ઉપર ચોંટેલા લોહીના નમૂનાને પણ FSLની તપાસમાં મોકલ્યા હતા.
તેમજ ચોટીલાની જે દુકાનેથી જયેશે છરી ખરીદી હતી તે દુકાનના સંચાલક ચીમનભાઈ પણ આ ગુનાના કોર્ટમાં હાજર રહી પોતાની જુબાની આપી ચૂક્યા છે. આમ કોર્ટમાં પણ તે બાબત સ્પષ્ટ થઈ ગઈ હતી કે, જયેશ દ્વારા સૃષ્ટિ રૈયાણીની હત્યા કરવા માટે આગોતરું આયોજન કરવામાં આવ્યું હતું.
હત્યા કર્યા બાદ જયેશે તેના સબંધીને ફોન કર્યો હતો,જે જુબાની મહત્વની સાબિત થઇ
પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે હત્યા કર્યા બાદ જયેશે તેના એક સબંધીને ફોન કર્યો હતો.જેના સીડીઆર પોલીસે કબ્જે કર્યા હતા.જયેશે સબંધીને ફોન કરીને કહ્યું હતું કે મેં કિશોરની દિકરીની હત્યા કરી નાખી છે. જયેશે જેની સાથે આ વાતચીત કરી હતી તેના સબંધીએ કોર્ટ સમક્ષ જુબાની આપી હતી જે કોર્ટમાં મહત્વનો પુરાવો સાબિત થયો હતો.
ડાયરી બની મહત્વનો પુરાવો
જયેશ સરવૈયાના પાકીટમાંથી પોલીસને એક ડાયરી મળી હતી જેમાં જયેશે કેટલાક વાક્યો લખ્યા હતા . I LOVE YOU J S…જયેશ સગીરાના પ્રેમમાં હતો, જે અંગેનો પુરાવો આ ડાયરી પરથી મળી આવ્યો હતો. પોલીસે આ ડાયરી અંગે હેન્ડ રાઇટીંગ એક્સપર્ટની પણ મદદ લઇને એફએસએલમાં મોકલી આપ્યા હતા આ રિપોર્ટ પણ પોલીસે સબમિટ કર્યો હતો.
ચોટીલામાંથી છરીની ખરીદીથી લઇને હત્યા બાદની ઘટનાના સીસીટીવી કબ્જે કરાયા હતા
આ કેસમાં પોલીસે હત્યાના પ્લાનથી લઇને હત્યા થયા બાદ જયેશની ધરપકડ સુધી આખી ઘટના અંગે તપાસ હાથ ધરી હતી. પોલીસે જયેશે જ્યાંથી છરી લીધી હતી ત્યાના પુરાવા એકત્ર કર્યા હતા
હત્યા કર્યા બાદ આ શખ્સ એક પાનની દુકાને ઉભો રહ્યો હતો તેના સીસીટીવી અને તે પાનના ગલ્લાવાળાનું નિવેદન પણ પોલીસે લીધું હતું,આ કેસમાં પોલીસે તમામ તબક્કે તપાસ હાથ ધરી હતી અને 216 પાનાની ચાર્જશીટ રજૂ કરી હતી. પોલીસની જીણવટભરી તપાસ અને પુરતા પુરાવાના પરિણામે આજે કોર્ટે આરોપીને ફાંસીની સજા ફટકારી હતી.
મૃતક દિકરીને ન્યાય મળ્યો,પરિવારની લાગણી પર ખરાં ઉતર્યા તેનો આત્મસંતોષ-એ.આર.ગોહિલ
જયેશ સરવૈયાને ફાંસીની સજા મળ્યા બાદ તપાસનીસ અધિકારી રાજકોટ રૂરલ એલસીબીના તત્કાલિન પીઆઇ એ.આર.ગોહિલે ટીવીનાઇન સાથે ખાસવાતચીત કરતા કહ્યું હતું કે બનાવની ગંભીરતાને જોતા ઘટના બની ત્યારથી જ આ કેસને પોલીસે ગંભીરતાથી લીધો હતો. આ કેસમાં પોલીસે પંચ અને સાહેદો મળીને કુલ 116 લોકોના નિવેદન લીધા હતા, જેને કોર્ટે ચકાસ્યા હતા. પરિવારજનો આ ઘટના બની ત્યારથી આ નરાધમને ફાંસીની સજા મળે તેવી માંગ કરતા હતા આજે અમને આત્મસંતોષ છે કે અમે આ દીકરીને ન્યાય અપાવી શક્યા છીએ.