Surat : કતારગામ વિસ્તારમાં જ્વેલર્સની દુકાનમાં લૂંટનો પ્રયાસ, 3 શખ્સોની ધરપકડ
આ ઘટનામાં પોલીસે આરોપી તૌફિક નાસીરભાઇ મકવાણા, પ્રતિક ધીરૂભાઇ ભુવા અને અશોક ધાખડાની ધરપકડ કરી હતી. પોલીસે જણાવ્યું હતું કે, આરોપી પ્રતિક ભુવા અગાઉ જ્વેલર્સના વેપારી સાથે કામ કરતો હતો.

Surat : સુરતના કતારગામ વિસ્તારમાં જ્વેલર્સની અંદર ઘૂસીને લૂંટનો (Robbery) પ્રયાસ કરવામાં આવ્યો હતો. 3 જેટલા ઈસમો દ્વારા જ્વેલર્સમાં ઘુસી બનાવટી ગન અને છરો બતાવી લૂંટનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જો કે, બુમાબુમ થતા ત્યાં લોકો દોડી આવ્યા હતા અને 1 આરોપીને સ્થળ પર જ પકડી પાડવામાં આવ્યો હતો. જયારે અન્ય લૂટારુંઓ ફરાર થયા હતા. ત્યાર બાદ તેમને પણ પોલીસે ઝડપી પાડ્યા હતા.
મળતી માહિતી મુજબ મૂળ યુપીના વતની અને હાલમાં સિંગણપોર વિસ્તારમાં રહેતા મુનીકેશભાઈ ધ્રુવ નારાયણભાઈ ગુપ્તા કતારગામ મગનનગર પાસે વૈષ્ણોદેવી જ્વેલર્સ ધરાવે છે. ગત સવારે તેઓએ દુકાન ખોલીને રાબેતા મુજબ કામગીરી કરી રહ્યા હતા ત્યારે ત્રણેક ઈસમો જ્વેલર્સની દુકાનમાં ઘુસી ગયા હતા અને દુકાન માલિક તેમજ કારીગરોને બાનમાં લઇ તેમજ બનાવટી પિસ્ટલ અને છરો બતાવી ધમકીઓ આપી લૂંટ કરવાની કોશિશ કરી હતી.
બીજી તરફ દુકાન માલિકે પ્રતિકાર કરતા અને બુમાબુમ થતા ત્યાં લોકોનું ટોળું એકઠું થઇ ગયું હતું. જેથી લૂંટારુઓ ત્યાંથી ભાગ્યા હતા જેમાં એકને સ્થળ પર જ લોકોએ પકડી પાડ્યો હતો જયારે અન્ય નાસી છૂટ્યા હતા.
બીજી તરફ બનાવની જાણ પોલીસને થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે આ ઘટનામાં તપાસ કરી અન્ય બે આરોપીઓની પણ ધરપકડ કરી હતી. પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે આરોપી પ્રતિક ધીરૂભાઇ ભુવાએ આરોપી તૌફીક નાસીરભાઇ મકવાણાને લૂંટ કરવા માટેની ટીપ આપી હતી. તેથી તૌફિકે અને અશોક નામના આરોપીઓ સાથે મળીને લૂંટ કરવાની કોશિશ કરી હતી.
આ ઘટનામાં પોલીસે આરોપી તૌફિક નાસીરભાઇ મકવાણા, પ્રતિક ધીરૂભાઇ ભુવા અને અશોક ધાખડાની ધરપકડ કરી હતી. પોલીસે જણાવ્યું હતું કે આરોપી પ્રતિક ભુવા અગાઉ જ્વેલર્સના વેપારી સાથે કામ કરતો હતો. તેણે લૂંટ કરવા માટેની ટીપ આપી હતી. આરોપી તૌફિક અને ટીપ આપનાર પ્રતિક બંને મિત્રો હતા અને પ્રતિકને દેવું થઇ જતા ટીપ આપી લૂંટનો પ્લાન બનાવ્યો હતો. આ ગુનામાં ફરાર અજય નામના આરોપીને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.