Crime: મોંઘી ગાડીઓ ઉંચા ભાડે મેળવી પરત ન આપતી ટોળકીનો ઓઢવ પોલીસે કર્યો પર્દાફાશ, 4 આરોપીની સાથે 49 લાખનો મુદ્દામાલ જપ્ત
ઓઢવ પોલીસે ટ્રાફિક પોલીસ કર્મી સહીત 4 આરોપીની ધરપકડ કરી છે. પોલીસે 49 લાખની કિંમતની 9 ગાડીઓ કબ્જે કરી છે. જોકે આ ગેંગનો માસ્ટર માઈન્ડ વકીલ હોવાનું સામે આવ્યુ છે.

Ahmedabad: લોકડાઉન દરમિયાન ઉંચી કિંમતે ગાડી ભાડે મેળવી પરત ન આપતી ટોળકીનો પર્દાફાશ થયો છે. ડાકોર પોલીસે (Dakor Police) નોંધેલી ફરિયાદના આધારે તપાસ કરતા ઓઢવ પોલીસે ટ્રાફિક પોલીસ કર્મી સહીત 4 આરોપીની ધરપકડ કરી છે. પોલીસે 49 લાખની કિંમતની 9 ગાડીઓ કબ્જે કરી છે. જોકે આ ગેંગનો માસ્ટર માઈન્ડ વકીલ હોવાનું સામે આવ્યુ છે.
ઓઢવ પોલીસની કસ્ટડીમાં રહેલા આ ચાર આરોપીના નામ કલરવ પટેલ, ચિંતન શર્મા, અક્ષય દેસાઈ અને વિશાલ પ્રજાપતિ છે. આ ચાર આરોપીની ધરપકડ છેતરપિંડી અને વિશ્વાસઘાતના ગુનામાં કરવામાં આવી છે. આરોપીઓએ આ ગુનાના માસ્ટરમાઈન્ડ રવિન્દ્ર ભટ્ટ સાથે મળી છેતરપિંડીની જાળ પાથરી 12 જેટલી મોંઘીદાટ ગાડીઓ પચાવી લીધી હતી. જેમાંથી 9 ગાડી કે જેની કિંમત 49 લાખ થાય છે તે કબ્જે કરવામાં આવી છે.
આરોપીઓએ લોકાડાઉનના સમયે ગાડી ભાડે મુકવાના બહાને માલિકો પાસેથી ગાડી મેળવી લીધી હતી. બાદમાં ભાડાની રકમ કે ગાડી પરત ન આપી ગાડીઓ ગીરવે મુકી ગાડીઓની ઉચાપત કરી હતી. જે અંગે ડાકોર પોલીસ મથકે ગુનો નોંધાયો હતો અને ઓઢવ પોલીસે તપાસ દરમિયાન તમામની ધરપકડ કરી છે. ઓઢવ પોલીસની ગિરફ્તમાં ઉભેલા આ ચાર આરોપીઓમાંથી એક આરોપી અક્ષય દેસાઈ આઈ ડિવિઝન ટ્રાફિક વિભાગમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે.
અક્ષયે ઉચાપત કરેલી ગાડીઓની નંબર પ્લેટ કાઢી અલગ અલગ જગ્યાએ ગીરવે મુકી તથા છુપાવી રાખી હતી. ઉપરાંત કલરવ પટેલે આવી ગાડીઓ ખરીદી હતી. અન્ય આરોપી ચિંતન અને વિશાલ મુખ્ય આરોપી રવિન્દ્ર સાથે મળી ગાડીઓ ડાકોરથી લાવી અમદાવાદમાં વેચતા અને છુપાવી રાખતા હોવાનું સામે આવ્યુ છે.
ઓઢવ પોલીસની 4 અલગ અલગ ટીમોએ 48 કલાકના સર્ચ ઓપરેશનમાં આરોપીઓ સાથે સાથે તમામ મુદ્દામાલ રિકવર કરી લીધો અને આરોપીને ડાકોર પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી છે. એક વર્ષ પહેલા ડાકોર પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદમાં એક લાંબી તપાસ બાદ પોલીસ કર્મી અને તેના સાગરીતોના રોલ સામે આવતા પોલીસે તેમની ધરપકડ કરી છે.
જોકે મુખ્ય આરોપીએ આગોતરા જામીન મેળવી લીધા છે. તેમ છતાં પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે અને રામોલ પોલીસ મથકમાં પણ આ અંગે વધુ એક ગુનો નોંધાયો છે. જેની તપાસ હાથ ધરવામાં આવી છે, ત્યારે પોલીસ તપાસ બાદ શું ખુલાસા થાય છે તે જોવુ મહત્વનું છે.
આ પણ વાંચો: Sabarkantha: જીલ્લાના ત્રણ અધિકારીઓએ કરી 97 લાખની ઉચાપત, પોલીસ ફરિયાદ દાખલ