મેઘાલય હનીમૂન હત્યા કેસ : 3 રાજ્યની પોલીસ સોનમનુ સત્ય લાવશે બહાર, રાજાની હત્યા પરથી ઉંચકશે પડદો
ઇન્દોરના રાજા રઘુવંશીની હત્યા કેસમાં પોલીસે અત્યાર સુધીમાં સોનમ સહિત 5 આરોપીની ધરપકડ કરી છે. શિલોંગ પોલીસે દાવો કર્યો છે કે, સોનમ જ રાજા રધુવંશીની હત્યાની માસ્ટરમાઇન્ડ છે. જોકે, આ કેસમાં સોનમે કહેલી સ્ટોરી કંઈક બીજું જ કહી રહી છે.

મધ્યપ્રદેશના ઇન્દોરના રહેવાસી ટ્રાન્સપોર્ટ બિઝનેસમેન રાજા રઘુવંશીએ (Raja Raghuvanshi) ગયા મહિને જ ઇન્દોરની રહેવાસી એવી સોનમ (Sonam Raghuvanshi) સાથે લગ્ન કર્યા હતા. લગ્નના થોડા દિવસો પછી, બંને હનીમૂન માટે મેઘાલય ગયા હતા અને બંને ત્યાંથી એકાએક ગુમ થઈ ગયા હતા. નવપરણિત યુગલ એકાએક ગુમ થવાના સમાચાર આવતાં પોલીસ પણ સક્રિય થઈ ગઈ અને શોધખોળ શરૂ કરી. લગભગ 11 દિવસ પછી, પોલીસને રાજા રઘુવંશીનો કહોવાઈ ગયેલ હાલતમાં મૃતદેહ મળ્યો. રાજાનો મૃતદેહ એક ટ્રેકિંગ સાઇટ પાસેના જંગલમાં પડેલો મળી આવ્યો.
રાજાનો મૃતદેહ મળ્યા બાદ, પરિવારને સોનમની ચિંતા થવા લાગી. પરિવારના બધા જ સોનમના સુરક્ષિત મળવાની રાહ જોઈ રહ્યા હતા. પોલીસ આ અંગે તપાસ કરી રહી હતી ત્યારે સોનમ (Sonam Raghuvanshi) રહસ્યમય રીતે યુપીના ગાઝીપુરના એક ઢાબા પર મળી આવી હતી. પહેલા ફક્ત મેઘાલય પોલીસ જ આ કેસની તપાસ કરી રહી હતી, પરંતુ હવે યુપી અને મધ્યપ્રદેશની પોલીસ પણ તેમાં જોડાઈ ગઈ છે. શિલોંગ પોલીસે પણ આ કેસમાં ઘણા મોટા ખુલાસા કર્યા છે.
મેઘાલય પોલીસ શું કહે છે?
શિલોંગ પોલીસની થિયરી મુજબ, રાજા રઘુવંશીની હત્યા તેની પત્ની સોનમ દ્વારા કરવામાં આવી હતી. સોનમનું ઇન્દોરના રહેવાસી રાજ કુશવાહા નામના વ્યક્તિ સાથે અફેર હતું. સોનમે તેની સાથે મળીને રાજાને મારવાનો કોન્ટ્રાક્ટ આપ્યો અને રાજાને મારી નાખ્યો. પોલીસે સોનમને આ ચકચારી હત્યાની માસ્ટરમાઇન્ડ બનાવી છે. આ કેસમાં અત્યાર સુધીમાં 5 લોકોની ધરપકડ પણ કરવામાં આવી છે. જેમાં સોનમ, તેનો કથિત બોયફ્રેન્ડ રાજ કુશવાહા, આકાશ રાજપૂત, વિશાલ ચૌહાણ અને આનંદ કુર્મીનો સમાવેશ થાય છે.
પોલીસના જણાવ્યા અનુસાર, આકાશ રાજપૂત ઉત્તર પ્રદેશના લલિતપુરનો રહેવાસી છે. રાજ કુશવાહા અને આકાશ રાજપૂત બંને ઇન્દોરના રહેવાસી હોવાનું કહેવાય છે. બીજો આરોપી આનંદ કુર્મી મધ્યપ્રદેશના સાગર જિલ્લાના બીના તહસીલનો રહેવાસી છે. ધરપકડ બાદ તેને પણ ઇન્દોર લઈ જવામાં આવ્યો છે. પોલીસ થિયરી મુજબ, રાજાની હત્યાના કાવતરા પાછળ આ 5 લોકોનો હાથ છે. જેમાં તેની પત્ની સોનમની મુખ્ય ભૂમિકા હોવાનું કહેવાય છે.
યુપી પોલીસે શું કહ્યું?
યુપી પોલીસે, ગાઝીપુરના હાઇવે પર કાશી ધાબા પરથી સોનમ રઘુવંશીની ધરપકડ કરી છે. પોલીસે જણાવ્યું કે જ્યારે યુપી પોલીસની ટીમ સોનમની ધરપકડ કરવા ઢાબા પર ગઈ ત્યારે તે કંઈજ બોલતી ન હતી. તે રડતી અને ઉદાસ જોવા મળી. તેણે પોતાનું નામ સોનમ જણાવ્યું. તેની હાલત સારી દેખાતી ના હતી અને તે સંપૂર્ણપણે પરેશાન હતી, ત્યારબાદ તેને સારવાર માટે મેડિકલ કોલેજ લઈ જવામાં આવી હતી. કહેવાય છે કે, સોનમે પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યું છે, જોકે ઇન્દોર ક્રાઇમ બ્રાન્ચ તેને ધરપકડ તરીકે ગણાવી રહી છે.
શિલોંગ પોલીસને પુરાવા મળ્યા – ઇન્દોર પોલીસ
ઇન્દોરના એડિશનલ ડીસીપી ક્રાઇમ બ્રાન્ચ રાજેશ દંડોટિયાએ જણાવ્યું હતું કે, રવિવારે રાત્રે ત્રણ આરોપીઓને કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા, જેમાં રાજ કુશવાહા, વિશાલ ચૌહાણ અને આકાશ રાજપૂતનો સમાવેશ થાય છે. જ્યારે, અન્ય એક આરોપીની તહસીલ વગરના ગામમાંથી ધરપકડ કરવામાં આવી છે. જેનું નામ આનંદ કુર્મી છે. રાજ કુશવાહા, વિશાલ ચૌહાણ અને આકાશ રાજપૂત, ત્રણેય ઇન્દોરના નંદબાગના રહેવાસી છે. શિલોંગ પોલીસ પાસે પકડાયેલા ત્રણેય સામે મજબૂત પુરાવા છે. શિલોંગ પોલીસ હવે આ કેસમાં ટ્રાન્ઝિટ રિમાન્ડ લેશે અને આરોપીઓને શિલોંગલઈ જઈને પૂછપરછ કરશે.
સોનમે પોતાને નિર્દોષ ગણાવી
આ સમગ્ર કેસમાં, યુપીના ગાઝીપુરમાં હાઇવે પર કાશી ઢાબા ચલાવતા સાહિલના નિવેદનો પણ સામે આવ્યા છે. ઢાબા સંચાલક સાહિલે જણાવ્યું છે કે સોનમે પોલીસ સાથે જતા પહેલા તેને પોતાની સાથે બનેલી આખી ઘટના વર્ણાવી હતી અને કહ્યું હતું કે તેને શિલોંગમાં લૂંટવામાં આવી હતી. આ પછી, સોનમની નજર સામે જ તેના પતિની હત્યા કરવામાં આવી હતી. જેના કારણે સોનમ બેહોશ થઈ ગઈ હતી. આ પછી, આરોપીઓએ સોનમનું અપહરણ કર્યું અને તેને બીજે ક્યાંક લઈ ગયા અને તેને એક રૂમમાં બંધ કરી દીધી. ખૂબ જ મુશ્કેલીથી તે ગાઝીપુર પહોંચી. જો કે આ કેસમાં સત્ય શું છે તે પોલીસ તપાસ પૂર્ણ થયા પછી જ બહાર આવશે.
સામાન્ય ભાષામાં કાયદાના ભંગ, અપરાધ, ગુનાને અંગ્રેજી ભાષામાં ક્રાઈમ તરીકે ઓળખવામાં આવે છે. ક્રાઈમને લગતા વધારે ન્યૂઝ જાણવા માટે અહીં ક્લિક કરો.