Maharashtra: પરભણીમાં 16 વર્ષની સગીર પર સામુહિક બળાત્કાર, પીડિતાએ કરી આત્મહત્યા, 2 આરોપીઓની ધરપકડ
પોલીસે આરોપીઓ સામે IPCની કલમ 376-D, 354-D, 34 સહિત 3,6,8,17 અને પોસ્કો હેઠળ કેસ નોંધ્યો છે. પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે. આ બંને આરોપીઓ પણ સગીર છે. એક આરોપી ફરાર છે.
મહારાષ્ટ્રના પરભણી (Parbhani) જિલ્લામાં કોલેજમાં અભ્યાસ કરતી સગીર છોકરી પર ત્રણ શખ્સોએ બળાત્કાર ગુજાર્યાની હ્રદયને હચમચાવનારી ખબર પ્રકાશમાં આવી છે. પરભણીના સોનપેઠ તાલુકા (પ્રખંડ)માં રહેતી પીડિતાએ ઝેર પીને આત્મહત્યા કરી લીધી છે. પીડિતાની ઉંમર 16 વર્ષ હતી. આ ત્રણ આરોપીઓ છેલ્લા બે વર્ષથી તેને પરેશાન કરી રહ્યા હતા. 12 સપ્ટેમ્બરના રોજ તક શોધીને આ ત્રણ નરાધમોએ પીડિતાને ડિઘોલ તાંડા પરીસરમાં લઈ જઈને તેના પર બળાત્કાર કર્યો.
આ દુર્ઘટના બાદ પીડિતાએ ઝેર પી લીધું હતું. તેને સારવાર માટે અંબાજોગાઈ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. અહીં ડોક્ટરોએ પીડિતાને લાતુરની હોસ્પિટલમાં લઈ જવા કહ્યું, પીડિતાનું લાતુર હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું.
પોલીસ દ્વારા પકડાયેલા બંને આરોપી સગીર, ફરાર આરોપીની શોધ ચાલુ છે
પીડિતાના પરિવારના સભ્યોની ફરિયાદ બાદ 19 સપ્ટેમ્બરના રોજ પોલીસે આરોપીઓ વિરુદ્ધ IPCની કલમ 376-D, 354-D, 34 સહિત 3,6,8,17 અને પોસ્કો (POSCO) હેઠળ કેસ નોંધ્યો હતો. પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે. આ બંને આરોપીઓ પણ સગીર છે. આ કેસમાં એક આરોપી ફરાર છે. પોલીસ તેની શોધ કરી રહી છે.
આ ઘટનાની તપાસ સોનપેઠના વરિષ્ઠ પોલીસ ઈન્સ્પેક્ટર પ્રદીપ કાકડે, મદદનીશ પોલીસ ઈન્સ્પેક્ટર શ્રીનિવાસ ભીકાને, પોલીસ સબ ઈન્સ્પેક્ટર વિષ્ણુ ગિરી, પોલીસ સબ ઈન્સ્પેક્ટર મંચક ફડ સાથે સોનપેઠ પોલીસની ટીમ કરી રહી છે.
દરમિયાન, સામૂહિક બળાત્કાર અને ત્યારબાદ પીડિતા દ્વારા આત્મહત્યાએ સમગ્ર પરભણીમાં હડકંપ મચ્યો છે. સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ફરાર આરોપી પણ વહેલી તકે પકડાઈ જાય અને ત્રણેય આરોપીઓને સખત સજા આપવામાં આવે તેવી લોકોની માંગણી ઉઠી રહી છે.
તાજેતરનો સાકીનાકા રેપ કેસ ભુલાયો નથી ત્યાં…આ મહારાષ્ટ્રમાં શું થઈ રહ્યું છે?
અઠવાડિયા પહેલા મુંબઈના સાકીનાકામાં એક મહિલા પર બળાત્કાર થયો હતો. બળાત્કાર બાદ પીડિતાના પ્રાઈવેટ પાર્ટમાં નિર્દયતાથી લોખંડનો સળીયો નાખી દેવામાં આવ્યો હતો. સારવાર દરમિયાન મહિલાનું મોત થયું હતું.
ભાજપના પ્રદેશ અધ્યક્ષ ચંદ્રકાંત પાટીલે તે સમયે નિવેદન આપ્યું હતું કે એક સપ્તાહમાં રાજ્યમાં આવી બળાત્કારની છ ઘટનાઓ બની છે. તેમણે સવાલ ઉઠાવ્યો હતો કે આવા નરાધમો કાયદાનો ડર કેમ ગાયબ થઈ રહ્યો છે? બળાત્કારની ઘટનાઓમાં અચાનક ઉછાળો કેમ આવ્યો? મહારાષ્ટ્ર મહિલાઓ માટે આટલું અસુરક્ષિત કેમ બની રહ્યું છે? પરંતુ આ પ્રશ્ન તેની જગ્યાએ યથાવત રહ્યો છે. બળાત્કારની ઘટનાઓ ઘટી રહી નથી.
આ પણ વાંચો : Maharashtra Rain: મુંબઈમાં 23 સપ્ટેમ્બર સુધી વધશે વરસાદ, મહારાષ્ટ્રના અન્ય વિસ્તારોમાં પણ પડશે મુશળધાર વરસાદ