ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં હવે પોલીસ કમિશનર નિમવાનો નિર્ણય ગુજરાત સરકારે કર્યો છે. ગાંધીનગરમાં પોલીસ કમિશનરેટની રચના કરવાની કાર્યાવાહીનો પ્રારંભ થઈ ગયો છે. ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની હદમા આવતા તમામ વિસ્તારો ઉપરાંત અમદાવાદના કેટલાક વિસ્તારોનો સમાવેશ પણ ગાંધીનગર પોલીસ કમિશનરની હદમાં કરાશે. ખાસ કરીને સોલા, ચાંદખેડા અને સાબરમતી પોલીસ મથકનો સમગ્ર વિસ્તાર ગાંધીનગર પોલીસ કમિશનરની હદમાં સમાવવા માટેની કાર્યવાહી કરાઈ રહી છે. અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ બાદ પોલીસ કમિશનરેટ મેળવનાર ગાંધીનગર શહેર પાંચમુ શહેર બનશે. જો કે ભાવનગર, જામનગર, જુનાગઢમાં મ્યુનિસિપલ કોર્પોરેશન અસ્તિત્વમાં છે. પરંતુ ત્યા જિલ્લા પોલીસ વડા કાયદો અને સુરક્ષાની જવાબદારી સંભાળે છે.