Top 10 Cyber Crimes : આજકાલ ડિજિટલ વિશ્વમાં છેતરપિંડી કરવાની નવી રીત આવી છે. સ્કેમર્સ સતત નવી ટ્રિક વડે લોકોને શિકાર બનાવી રહ્યા છે. આ સાયબર ગુનેગારો તેમની ચાલાકી અને છેતરપિંડીથી લોકો પાસેથી પૈસા પડાવી લે છે અને વ્યક્તિગત માહિતી મેળવે છે. તમે ઘરે બેઠા હોવ કે બહાર તમારે ઓનલાઈન છેતરપિંડી કરનારા આ સ્કેમર્સથી બચવા માટે તમારે હંમેશા સાવધાન રહેવાની જરૂર છે.
આ સ્કેમર્સ ફોન કૉલ, ઈમેલ, SMS અથવા સોશિયલ મીડિયા દ્વારા તમારો સંપર્ક કરી શકે છે. તેઓ પોતાની ઓળખાણ બેંક અધિકારી, સરકારી કર્મચારી અથવા અન્ય કોઈ વ્યક્તિ તરીકે રજૂ કરી શકે છે.
અહીં અમે 10 સામાન્ય પ્રકારના ઓનલાઈન સ્કેમ વિશે જાણીશું જેનાથી તમારે વાકેફ હોવું જોઈએ. આ સ્કેમ વિશે જાણીને તમે તમારી જાતને અને તમારા પરિવારને છેતરપિંડીથી બચાવી શકો છો.
ડિજિટલ ધરપકડ : આ સ્કેમમાં તમને ફોન કરીને કહેવામાં આવે છે કે તમે કોઈ ભૂલ કરી છે અને તમારી વિરુદ્ધ વોરંટ જાહેર કરવામાં આવ્યું છે. સ્કેમર્સ તમને સીબીઆઈ અથવા પોલીસ ઓફિસર તરીકે બતાવીને ડરાવે છે અને ડિજિટલ ધરપકડ કરીને પૈસા માગે છે. જ્યારે પોલીસ ઓનલાઈન કે કોલ પર ધરપકડ કરતી નથી.
TRAI કૉલ : સ્કેમર્સ તમને ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (TRAI) ના કર્મચારીઓ હોવાનો ઢોંગ કરીને કૉલ કરે છે. તમને કહેવામાં આવે છે કે તમારા મોબાઇલ નંબરનો ઉપયોગ ગેરકાયદેસર હેતુઓ માટે કરવામાં આવ્યો છે. તેથી નંબર સ્વીચ ઓફ કરવામાં આવી રહ્યો છે. જો કે TRAI આ રીતે ફોન નંબરને બ્લોક કરતું નથી.
પરિવારના સભ્યની ધરપકડ : આ પ્રકારની છેતરપિંડી કરવા માટે સ્કેમર્સ પોલીસ અધિકારી હોવાનો ઢોંગ કરે છે. છેતરપિંડી કરનારા કહે છે કે તમારા પરિવારના એક સભ્યની ધરપકડ કરવામાં આવી છે. ત્યારબાદ તેને મુક્ત કરવા માટે પૈસાની માંગણી કરવામાં આવે છે. આ વાત માનતા પહેલા તમારે તે સભ્ય પાસેથી સત્ય પૂછવું જોઈએ.
ટ્રેડિંગ સ્ટોક : આમાં તમને ઊંચા વળતરની લાલચ આપવામાં આવે છે અને નકલી રોકાણ યોજનામાં રોકાણ કરવાનું કહેવામાં આવે છે. લોકો વધુ પૈસા કમાવવાના ચક્કરમાં ફસાઈ જાય છે. તેથી, ટ્રેડિંગ સ્ટોકની યોગ્ય રીતે તપાસ કરવી જોઈએ.
ઓનલાઈન ટાસ્ક : આમાં તમને ઘરે બેઠા કામ કરીને પૈસા કમાવવાની લાલચ આપવામાં આવે છે. પરંતુ તમારે અગાઉથી ચૂકવણી કરવી પડશે. યુટ્યુબ વીડિયો કે સોશિયલ મીડિયા પોસ્ટ કરવા જેવા કાર્યો આપવામાં આવે છે. આસાનીથી પૈસા કમાવવાના માર્ગોની વાત આવે ત્યારે સાવચેત રહેવું જરૂરી છે.
પાર્સલ : આમાં તમને કહેવામાં આવે છે કે તમારા નામ પર એક પાર્સલ આવ્યું છે અને તેના પર કસ્ટમ ડ્યુટી ચૂકવવી પડશે. અન્યથા પાર્સલમાં ગેરકાયદેસર વસ્તુઓ હોવાનું કહેવાય છે અને તમારી સામે કાયદેસરની કાર્યવાહી કરવાની ધમકી આપવામાં આવે છે. આવા કોલ પર એલર્ટ રહેવું જોઈએ.
ક્રેડિટ કાર્ડ : આમાં તમારા નામે જાહેર કરાયેલા ક્રેડિટ કાર્ડ પર વધુ પડતા ખર્ચ વિશે માહિતી આપવામાં આવે છે. કાર્ડની વિગતો ચકાસવા માટે સ્કેમર્સ વ્યક્તિગત માહિતી અને બેંકિંગ વિગતો માટે પૂછે છે. પછી તેઓ OTP દ્વારા છેતરપિંડી કરે છે.
મની ટ્રાન્સફર : આમાં તમને એક ફેક મેસેજ મળે છે કે તમારા બેંક એકાઉન્ટમાં પૈસા આવી ગયા છે. પરંતુ કોઈ તમને ફોન કરીને કહે છે કે આ પૈસા ભૂલથી તમારા ખાતામાં ટ્રાન્સફર થઈ ગયા છે. જો કે આ કોલ કોઈ સ્કેમરનો હોઈ શકે છે. તેથી પૈસા પાછા આપતા પહેલા વ્યક્તિએ બેંકમાં જઈને સંપૂર્ણ તપાસ કરવી જોઈએ.
KYC : આમાં તમને બેંક અથવા અન્ય કોઈ સરકારી એજન્સીનું KYC પૂર્ણ કરવાનું કહેવામાં આવે છે. સ્કેમર તમને KYC અપડેટ માટેની લિંક પર ક્લિક કરવાનું કહે છે. તમે આ લિંક પર ક્લિક કરતાની સાથે જ તમારી અંગત વિગતો સ્કેમર પાસે જાય છે.
ટેક્સ રિફંડ : આના દ્વારા કરદાતાઓને સાયબર ફ્રોડનો શિકાર બનાવવામાં આવે છે. આમાં તમને કહેવામાં આવે છે કે તમને ટેક્સ રિફંડ મળશે અને તમારી પાસેથી તમારી બેંક વિગતો માંગવામાં આવશે. પછી રિફંડ મેળવવાની પ્રક્રિયામાં લોકો બેંક ફ્રોડ થાય છે.