છોટાઉદેપુર : ફરી ગાંજાની ખેતીનો પર્દાફાશ, કવાંટના ઉમઠી ગામેથી એક શખ્સની ધરપકડ
છોટાઉદેપુર જિલ્લામાં એક પછી એક નશાની ખેતીનો કાળો કારોબાર ઝડપાઈ રહ્યો છે. એક અઠવાડિયાના સમયગાળામાં જ પોલીસે એક કરોડથી વધુનો લીલા ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો છે.
છોટાઉદેપુર પોલીસે વધુ એકવાર ગાંજાની ખેતી ઝડપી પાડી એક શખ્સની ધરપકડ કરી છે. એસ.ઓ.જી. પોલીસે કવાંટના ઉમઠી ગામેથી 24 લાખથી વધુનો લીલો ગાંજો જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. છોટાઉદેપુર જિલ્લો સરહદી અને છેવાડાનો જિલ્લો છે. મધ્યપ્રદેશને અડીને આવેલા આ જિલ્લાના સરહદી અને અંતરિયાળ વિસ્તારમાં ગાંજાની લોકો ખેતી કરતા હોવાની બાતમી પોલીસને મળતા ઉપરાછાપરી છાપા માર્યા. જેમાં પોલીસને ધારી સફળતા મળી છે.
તારીખ 8 નવેમ્બર
આ તારીખના રોજ છોટાઉદેપુર જિલ્લાના મીઠીબોર ગામ નજીકના આરોપીઓના ખેતરમા છાપો મારતા મસમોટો લીલા ગાંજાનો જથ્થો ઝડપાયો છે. 70.86 લાખના 4,729ના લીલા છોડ સાથે સૂરસિંગ નાયકા ,રમણ નાયકા ,અને શંકર નાયકાને પોલીસે ઝડપી પાડી જેલ ભેગા કર્યા છે.
તારીખ 10 નવેમ્બર કવાંટ તાલુકાના કસરવાવ ગામેથી 26.23 લાખના લીલા ગાંજા સાથે અનકેશ રાઠવા પોલીસેના હાથે ઝડપાયો હતો
તારીખ 16 નવેમ્બર ફરી એકવાર કવાંટ તાલુકાના ઉમઠી ગામેથી પોતાના જ ઘરના વાડાના ભાગે બે આરોપીઓ કે જે લીલા ગાંજાની ખેતી કરતા હતા. ત્યાં છાપો મારતા 24 લાખનો લીલો ગાંજો ઝડપી પાડ્યો છે. પોલીસના હાથે સીલદાર રાઠવા ઝડપાઇ ગયો છે. જ્યારે એક આરોપી તામા રાઠવા ફરાર થયો છે.
એક બાદ એક ગાંજાની ખેતીનો પર્દાફાશ, કયારે અટકશે આ સિલસિલો ?
છોટાઉદેપુર જિલ્લામાં એક પછી એક નશાની ખેતીનો કાળો કારોબાર ઝડપાઈ રહ્યો છે. એક અઠવાડિયાના સમયગાળામાં જ પોલીસે એક કરોડથી વધુનો લીલા ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો છે. ગાંજાની ખેતી કરતા આરોપીઓના ખેતરોમાં પોલીસના ઉપરાછાપરી છાપાને લઈ હજુ પણ મોટા પ્રમાણમાં ગાંજાની ખેતી કરતા લોકો ઝડપાઇ તેવી પુરે પુરી શકયતા રહેલી છે. જોકે નશાના કારોબાર પર પોલીસે સકંજો કસતા લોકો પોલીસની કામગીરીને બિરદાવી રહ્યાં છે.
નોંધનીય છેકે છેલ્લા કેટલાક સમયથી ગુજરાતમાં ડ્રગ્સ-ગાંજો-ચરસ-દારૂ સહિતના નશાના કારોબારનો પર્દાફાશ થઇ રહ્યો છે. જે સમાજ માટે ચિંતાનો વિષય બની ગયો છે.
આ પણ વાંચો : સો ટકા નલ સે જલ મેળવનાર છઠ્ઠો જિલ્લો બન્યો વડોદરા, મુખ્યપ્રધાને વડોદરા જિલ્લાને સો ટકા ટેપ વોટર કનેક્ટેડ જાહેર કર્યો
આ પણ વાંચો : Morbi Drugs Case : 600 કરોડની કિંમતના ડ્રગ્સના જથ્થા સાથે ઝડપાયેલા 3 આરોપીના 12 દિવસના રિમાન્ડ મંજૂર, ખુલશે અનેક રાઝ