મહારાષ્ટ્રમાં સચીન પવારની હત્યા કરીને સુરત નાસી આવેલા ત્રણ આરોપીની ધરપકડ
Maharashtra: મહારાષ્ટ્રના બીડ જિલ્લાના એક વ્યક્તિની હત્યા કરીને સુરત નાસી આવેલા હત્યારાઓને સુરત ક્રાઇમ બ્રાન્ચે ડુમસ વિસ્તારમાંથી જ ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યા.
મહારાષ્ટ્ર (Maharashtra)ના સોલાપુરના વૈરાગ ગામમાં અઠવાડીયા અગાઉ યુવાનની હત્યા કરી સુરત (Surat)માં છુપાયેલા ત્રણ યુવાનને સુરત ક્રાઈમ બ્રાન્ચે (Surat Crime Branch) ડુમસમાં એક કન્સ્ટ્રક્શન સાઈટ ઉપરથી ઝડપી લીધા હતા. સોનાનું પાણી ચઢાવેલું ચાંદીનું બ્રેસલેટ વેચવા બાબતે થયેલા વિવાદમાં ઝઘડતી ઠગ ટોળકીએ તેમનો ભાંડો ફોડવાની ધમકી આપી, ઘાતકી હથિયરાથી હુમલો કરી સચીન પવારની હત્યા કરી હતી અને તેના જ બાઈક પર તેમાંથી ત્રણ લોકો ભાગ્યા બાદ બાઈક રસ્તામાં મૂકી સુરત આવ્યા હતા.
મહારાષ્ટ્રના સોલાપુરના બાર્શી તાલુકાના વૈરાગ ગામમાં સોલાપુર રોડ પર આવેલી વિઠ્ઠલ કામળેની ચંપલની દુકાનમાં સોનાનું પાણી ચઢાવેલું ચાંદીનું બ્રેસલેટ વેચવા બાબતે થયેલા વિવાદમાં ઝઘડતી ઠગ ટોળકી હરી મોહન કેકડે, જુબેર શેખ, મિથુન સાળવે અને અકીલ શેખ વચ્ચે ઝઘડો થયો હતો. તે સમયે ત્યાંના માથાભારે સચીન મહાદેવ પવાર એ તેમની વચ્ચે સમાધાન કરાવી છુટા પાડયા હતા.
જોકે, ત્યારબાદ પણ તેઓ ઝઘડતા હોય તેણે ધમકી આપી હતી કે હું તમારી ટોળકીનું નામ પોલીસમાં કહી તમારી ટોળકીનો ભાંડો ફોડી નાખીશ. આ બાબતે તેમનો સચીન પવાર સાથે ફરી ઝઘડો થતા સચીને હથિયારથી એક પર હુમલો કર્યો તો પણ તે ઝુંટવી લઈને ચારેયે વળતો હુમલો કરી લાકડાના ફટકા વડે પણ માર મારતા સચીન મોતને ભેટ્યો હતો.
આ બનાવમાં હરી સ્થળ પરથી જ પકડાઈ ગયો હતો, જ્યારે જુબેર શેખ, મિથુન સાળવે અને અકીલ શેખ સચીનની બાઈક પર જ ભાગી છૂટ્યા હતા. આ અંગે સચીનના ભાઈ સુરેશે ફરિયાદ નોંધાવતા સ્થાનિક પોલીસે તપાસ શરૂ કરી હતી. ત્રણેય જે બાઈક પર ભાગ્યા હતા તે વૈરાગથી ગુજરાત તરફ જતા 10 કી.મી દૂરથી બિનવારસી મળી હતી. ત્યાં તપાસ કરતા ત્રણેય એક રીક્ષા ભાડે કરી 10 કી.મી સુધી જઈ ખાનગી વાહનમાં ગુજરાત તરફ ભાગ્યાની વિગત મળતા સ્થાનિક પોલીસે સુરત પોલીસને જાણ કરી હતી.
વૈરાગમાં માથાભારે યુવાન સચીન પવારની હત્યા કરી ફરાર ત્રણેયને પકડવા સ્થાનિક પોલીસે પોસ્ટર પણ છપાવી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યા હતા. સુરતમાં છુપાયેલા ત્રણેયને વોટ્સએપ પર આ પોસ્ટર મળતા તેમણે કોઈકની પાસે મોબાઈલ ફોન માંગી પોસ્ટરમાંથી પીઆઈનો નંબર જોઈ ફોન કરી કહ્યું હતું કે પકડ શકો તો પકડ લો. તેમણે પીઆઈને ધમકી પણ આપી હતી કે પોસ્ટર કેમ છપાવ્યા.
ત્યારબાદ સુરત ક્રાઈમ બ્રાન્ચની નાસતા ફરતા સ્ક્વોડે મળેલી બાતમીના આધારે ડુમસ ગામ કબૂતરખાના મોટી બજારમાંથી કડીયાકામ કરતા જુબેર ઐયુબ શેખ, ડ્રાઈવીગનું કામ કરતા મિથુન દાદારાવ સાળવે અને અકીલ ઉર્ફે હૈદર યાકુબ શેખને ઝડપી લીધા હતા. ત્રણેય વૈરાગથી ભાગીને ત્રણેક દિવસ અગાઉ સુરત આવ્યા હતા અને અહીં કન્સ્ટ્રક્શન સાઈટ પર મજૂરીકામ પર લાગ્યા હતા. ક્રાઈમ બ્રાન્ચે તેમને વૈરાગ પોલીસ સ્ટેશનમાં સોંપ્યા હતા.