જો તમે કોઈ કેસમાં સાક્ષી છો અને તમને કોઈ ધાકધમકી આપી સાક્ષીમાંથી બહાર નીકળવા દબાણ કરે તો તમે તેની સામે ફરિયાદ કરી શકો છે. જીહા, કેમ કે આવા જ એક કેસમાં કારંજ પોલીસ સ્ટેશનમાં એક વ્યક્તિ સામે સાક્ષીને ધાક ધમકી આપવા બદલ કોર્ટના કહેવાથી ફરિયાદ દાખલ કરી જેલ હવાલે કરાયો છે.
જુહાપુરામાં કન્સ્ટ્રકશનનું કામ કરતા રિઝવાન શેખે ખુરશીદ મિસ્ત્રી સામે ફરિયાદ દાખલ કરી હતી કે ખુરશીદ તેમને સાક્ષીમાંથી હટી જવા ધમકી આપે છે. જે કેસમાં ફરિયાદ થતા ખુરશીદ મિસ્ત્રીને જેલ હવાલે કરાયો છે. 2018માં ફિરોઝ મોયલ અને ખુરશીદ મિસ્ત્રીને રૂપિયાની લેતી દેતી અંગે માથાકૂટ થઈ હતી. જેમાં ખુરશીદ મિસ્ત્રીએ ફિરોઝ મોયેલ સામે છેતરપિંડી અને ચેક રિટર્ન થવાની ફરિયાદ દાખલ કરી હતી.
જે ફરિયાદમાં ફિરોઝ મોયેલ તરફથી ફિરોઝ શેખ સાક્ષીમાં હતા. જે સાક્ષી આપે તો ખુરશીદને નુક્શાન થઈ શકે તેમ હતું. જેના ભયથી ખુરશીદ મિસ્ત્રીએ સાક્ષી ફિરોઝ શેખને હટી જવા ધમકી આપી હતી. જે ઘટનાની કોર્ટમાં જાણ કરાતા કોર્ટે નોંધ લીધી અને ધમકી આપનાર ખુરશીદ મિસ્ત્રી સામે પોલીસ ફરિયાદ દાખલ કરી કાર્યવાહી કરવા જણાવતા કારંજ પોલીસ સ્ટેશન ખાતે તેની સામે ફરિયાદ નોંધાઇ. જે કેસમાં ખુરશીદે જામીન માટે અરજી કરી હતી. જોકે કોર્ટે અરજી ફગાવી દીધી અને ખુરશીદને જેલ હવાલે કરી દેવાયો.
આરોપી ખુરશીદ મિસ્ત્રીએ સાક્ષી ફિરોઝ શેખને હટી જવા ધમકી આપી હતી.
ફરિયાદીના વકીલ મનમિત સિંઘ છાબરાની વાત માનીએ તો અનેક આવા કેસ હોય છે કે જેમાં સાક્ષીને હટી જવા માટે ધમકી મળતી હોય છે. જોકે ભયના કારણે મામલો આગળ વધતો નથી કે પોલીસ ફરિયાદ થતી નથી. જોકે આ કેસમાં ફિરોઝ શેખે હિંમત દાખવતા વકીલે સાથે રહી કાર્યવાહી કરી ધમકી આપનાર ખુરશીદ મિસ્ત્રી સામે ફરિયાદ કરી. જેનો ઉદ્દેશ્ય સમાજમાં એક દાખલો પૂરો પાડવાનો હતો તેવું ફરિયાદીને વકીલનું કહેવું છે.
હાલ તો આ કેસમાં સાક્ષીને હટી જવા ધમકી આપનાર ખુરશીદ જેલ હવાલે છે. ત્યારે જોવાનું એ રહે છે કે આ કેસમાંથી અન્ય સાક્ષી અને ખાસ આરોપી કેવી શીખ લે છે. અને આ કેસથી સમાજમાં કેવી જાગૃતિ આવે છે.