Ahmedabad: આરટીઓના હેડ કેશિયરે ચાલાકી પૂર્વક કરી 1.83 કરોડની ઉચાપત, ઓડિટમાં સમગ્ર મામલો સામે આવતા ફરિયાદ નોંધાઇ
આરોપી એક દિવસમાં આરટીઓની (RTO) કુલ 35 થી 40 જેટલી ટેક્સની રસીદ બનાવતા હતા. પરંતુ સરકારી ચોપડે માત્ર 20 રસીદ બતાવી અન્ય રૂપિયા પોતાના ખિસ્સામાં ભરતા હોવાનો સામે આવી છે.
Ahmedabad : કેશીયરે એપ્રિલ 2021થી ફેબ્રુઆરી 2022 સુધી 1.83 કરોડની ઉચાપત કરી હતી. જેમાંથી 89 લાખ જમા ન કરાવતા આ ફરિયાદ નોધાઈ છે. જોકે આરોપી હેડ કેશિયર ફરાર થતા પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે. અમદાવાદ(Ahmedabad) પૂર્વ આરટીઓ (RTO)માં કરોડો રૂપિયાના ઉચાપત (Embezzlement) તથા સરકારી તંત્ર હરકતમાં આવ્યું છે. આરટીઓના હેડ કેશિયર એમ.એન.પ્રજાપતિએ કાવતરું રચી સરકારી રકમની ઉચાપત કરી છે. આરોપીએ 1 એપ્રિલ 2021થી શરૂ કરી 5 ફેબ્રુઆરી 2022 સુધીમાં 1 કરોડ 83 લાખથી વધુની ઉચાપત કરી હતી. જોકે ઓડિટ સમયે આ હકીકત સામે આવતા ટુકડે ટુકડે 94 લાખથી વધુની રકમ ભરપાઈ કરી છે. તેમ છતાં 89 લાખ રૂપિયા ન ભરતા ફરિયાદ નોંધવામાં આવી છે. મહત્વનું છે કે ફરિયાદ થાય તે પહેલા જ આરોપી ફરાર થઇ ગયો છે. જેથી પોલીસે (Police) તેની ધરપકડ માટે કાર્યવાહી હાથ ધરી છે.
કેવી હતી આરોપી હેડ કેશિયર એમ.એન પ્રજાપતિની મોડસ ઓપરેન્ડી
આરોપી એક દિવસમાં આરટીઓની કુલ 35 થી 40 જેટલી ટેક્સની રસીદ બનાવતા હતા. પરંતુ સરકારી ચોપડે માત્ર 20 રસીદ બતાવી અન્ય રૂપિયા પોતાના ખિસ્સામાં ભરતા હોવાનો સામે આવી છે, ફરિયાદીએ તપાસ કરતા ઓડિટ સમય આવા 28 જેટલા રિપોર્ટ સામે આવ્યા છે. જેમાં આરટીઓ ટેક્ષની ઓછી આવક સરકારી ચોપડે બતાવી ઉચાપત કરવામાં આવી હતી. જેથી પોલીસે હેડ કેશિયર વિરુદ્ધ ગુનો નોંધી સરકારી નાણાંની ઉચાપત કરનાર આરોપીની શોધખોળ હાથ ધરી છે.
મહત્વનું છે કે એક વર્ષ કરતા લાંબા સમયથી આ ઉચાપત કરવામાં આવતી હતી. પરંતુ સમયસર ઓડિટ અને તપાસ ન થતા. આરોપીને લાંબો સમય મળ્યો અને ઉચાપતની રકમ પણ વધી ગઈ. જોકે હજી 89 લાખ જેટલી સરકારી રકમ રિકવર કરવાની બાકી છે. માટે આરોપીની ધરપકડ બાદ શુ હકિકત સામે આવે છે તેના પર નજર રાખવી જરૂરી છે. હાલ તો આવી ક્રાઇમની ઘટનાઓને લઇને પોલીસ પણ સતર્ક બની છે.