અમદાવાદ પોલીસની વધુ એક બેદરકારી, ચેઇન સ્નેચિંગના ગુનાનો આરોપી નારોલ પોલીસને ચકમો આપી ફરાર
નારોલ પોલીસે 31 મી જાન્યુઆરીએ આરોપીની ધરપકડ કરી હતી. જોકે નારોલ પોલીસ સ્ટેશનમાં લોક અપ ના હોવાથી તેને પોલીસ જાપ્તામાં રાખવામાં આવ્યો હતો. જેની જવાબદારી પોલીસ કોન્સ્ટેબલ વિષ્ણુ દેસાઈને સોંપવામાં આવી હતી.
અમદાવાદ (Ahmedabad) શહેર પોલીસની (police) બેદરકારીને કારણે વધુ એક ખૂંખાર આરોપીને પોલીસ જાપ્તામાંથી ફરાર (Absconding)થવામાં સફળતા મળી છે. ચેઇન સ્નેચિંગના ગુનાનો આરોપી નારોલ પોલીસને ચકમો આપીને ફરાર થઈ જતાં બેદરકારી માટે જવાબદાર પોલીસ કર્મચારી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે.
પોલીસની કસ્ટડીમાંથી કુખ્યાત ચેઇન સ્નેચર ઉમેશ ખટિક થયો ફરાર
અમદાવાદ સહિત હૈદરાબાદ અને બેંગ્લોરમાં ચેઇન સ્નેચિંગના ગુનાને અંજામ આપીને પોલીસની ઊંઘ હરામ કરનાર આરોપીને પકડવામાં તો શહેર ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળી છે. પરંતુ આ આરોપીએ ફરી એક વખત પોલીસને દોડતી કરી દીધી છે. ચેઇન સ્નેચિંગના અનેક ગુનામાં ફરાર આરોપી ઉમેશ ખટિકની નારોલ પોલીસે ટ્રાન્સફર વોરંટના આધારે ધરપકડ કરી હતી. જોકે ઉમેશ ખટીક નામનો આરોપી નારોલ પોલીસને ચકમો આપીને ફરાર થઈ ગયો છે. જેથી ફરજમાં બેદરકારી દાખવવા બદલ પોલીસ કર્મચારી વિષ્ણુભાઈ સામે પોલીસે ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.
ગુજરાત, હૈદરાબાદ અને બેગ્લોરમાં કરી હતી ચેઇન સ્નેચિંગ, 18થી વધુ ગુનાનો ઉકેલાયો હતો ભેદ
નારોલ પોલીસે 31 મી જાન્યુઆરીએ આરોપીની ધરપકડ કરી હતી. જોકે નારોલ પોલીસ સ્ટેશનમાં લોક અપ ના હોવાથી તેને પોલીસ જાપ્તામાં રાખવામાં આવ્યો હતો. જેની જવાબદારી પોલીસ કોન્સ્ટેબલ વિષ્ણુ દેસાઈને સોંપવામાં આવી હતી. 1 લી જાન્યુઆરીએ વહેલી સવારે આરોપી લઘુશંકાએ જવાનું કહીને પોલીસને ચકમો આપીને ફરાર થઈ ગયો હતો. જોકે ઉચ્ચ પોલીસ અધિકારીઓને આ બાબતની જાણ કરતા જ સમગ્ર શહેરમાં નાકાબંધી કરાવી હતી. જોકે આરોપીનો કોઈ પત્તો લાગ્યો ન હતો.
હાલમાં પોલીસ દ્વારા આ સમગ્ર મામલે પોલીસ કોન્સ્ટેબલની પૂછપરછ કરીને સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે. જ્યારે આરોપી ઉમેશ ખટિકને પકડવા માટે પોલીસે આસપાસના સીસીટીવી ફૂટેજ, રેલ્વે સ્ટેશન અને એરપોર્ટ પણ તપાસ હાથ ધરી છે. કેમ કે આરોપી હવાઈ મારફતે મુસાફરી કરનાર ટેવવાળો પણ છે. ત્યારે આરોપી કેટલા સમયમાં પોલીસ પકડમાં આવે છે તે જોવું રહ્યું.
આ પણ વાંચો : ધંધુકા કિશન ભરવાડ હત્યા કેસમાં વધુ 3 આરોપીના 7 દિવસના રિમાન્ડ મંજૂર, પાકિસ્તાન કનેક્શનની વાત ખોટી : ATS