Ahmedabad: બાવળા APMCમાં થયેલી યુવકની હત્યા મામલે લોકોમાં રોષ, આરોપીઓની ધરપકડની માગ સાથે બાવળા બંધની જાહેરાત
અમદાવાદ (Ahmedabad) જિલ્લાના બાવળામાં યુવકની થયેલી હત્યાનો મામલો ઉગ્ર બન્યો છે. એપીએમસી માર્કેટમાં (APMC Market) ક્રિકેટ રમી રહેલા બાળકો અને ટ્રેક્ટર લઈને આવેલા યુવક વચ્ચે પાર્કિંગ બાબતે બોલાચાલી થતા જાહેરમાં બેટ મારી યુવકની હત્યાને અંજામ આપવામાં આવ્યો હતો. જે ઘટનામાં સાત દિવસ વીતી ચૂક્યા હોવા છતાં મોટાભાગના આરોપીઓ પોલીસ પકડથી દૂર છે. ત્યારે સમગ્ર કેસમાં […]
અમદાવાદ (Ahmedabad) જિલ્લાના બાવળામાં યુવકની થયેલી હત્યાનો મામલો ઉગ્ર બન્યો છે. એપીએમસી માર્કેટમાં (APMC Market) ક્રિકેટ રમી રહેલા બાળકો અને ટ્રેક્ટર લઈને આવેલા યુવક વચ્ચે પાર્કિંગ બાબતે બોલાચાલી થતા જાહેરમાં બેટ મારી યુવકની હત્યાને અંજામ આપવામાં આવ્યો હતો. જે ઘટનામાં સાત દિવસ વીતી ચૂક્યા હોવા છતાં મોટાભાગના આરોપીઓ પોલીસ પકડથી દૂર છે. ત્યારે સમગ્ર કેસમાં ન્યાયની માગ સાથે મૃતક યુવકના સમાજના આગેવાનોએ ઉગ્ર કાર્યક્રમો કર્યા હતા.સાથે જ બાવળા બંધની જાહેરાત કરી હતી.
બાવળા સજ્જડ બંધ જોવા મળ્યુ
અમદાવાદ જિલ્લામાં આવેલા બાવળાનું બજાર હંમેશા ગ્રાહકોથી ધમધમતુ રહેતુ હોય છે. જો કે આજે કોળી પટેલ યુવકની હત્યાની બાબતને લઈને સમગ્ર બાવળા વેપારીઓ દ્વારા સ્વયંભૂ બંધ પાડવાનો નિર્ણય લીધો હતો. આ સાથે બાવળાનું બજાર સજ્જડ બંધ જોવા મળ્યુ હતુ. બાવળાના એપીએમસી માર્કેટ સહિત બાવળાના બજારો સુમસાન જોવા મળ્યા. કોળી પટેલ યુવકની હત્યા મામલે ન્યાય મળે તેવી માગ સાથે વેપારીઓએ સજ્જડ બંધ પાળ્યુ.
શું હતી સમગ્ર ઘટના ?
6 મેના રોજ હિંમત પરમાર નામનો યુવક બાવળા એપીએમસીમાં ટ્રેક્ટરમાં ડાંગર લઈને ગયો હતો. તે સમયે એપીએમસી માર્કેટમાં ક્રિકેટ રમતા કિશોર બાળકો સાથે ટ્રેક્ટર પાર્ક કરવા બાબતે બોલાચાલી થઇ હતી. જે પછી કિશોરોએ ફોન કરીને અન્ય લોકોને બોલાવતા બે યુવકોએ આવીને હિંમત પરમારને માથામાં બેટ મારતા તેનું ઘટનાસ્થળ પર જ મોત થયુ હતું.
કોળી સમાજનું અલ્ટીમેટમ
હત્યાની સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા. જે સાથે બાવળા પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી તેમજ રાયોટીંગની કલમ હેઠળ 13 જેટલા અજાણ્યા વ્યક્તિઓ સામે ગુનો દાખલ કર્યો હતો. આ ગુનામાં બાવળા પોલીસે મૃતક હિંમત પરમારને બેટ મારી હત્યા નિપજાવનાર મુખ્ય આરોપી તરુણ ભરવાડની ધરપકડ કરી છે. જોકે આ ગુનામાં સામેલ અન્ય આરોપીઓ ઝડપથી પકડાય અને કોળી સમાજના દીકરાની હત્યા જેવી ગંભીર ઘટના ફરી ન બને તે બાબતને લઈને બાવળામાં કોળી સમાજના આગેવાનો દ્વારા ગાંધી ચિંધ્યા માર્ગે રેલી કાઢવામાં આવી હતી, તેમ જ આરોપીઓને પકડવાની માગ સાથે તેઓએ રાજ્ય સરકારને અલ્ટીમેટમ આપ્યું છે.
આ સમગ્ર મામલો હાલ તો બાવળા વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યો છે, તેવામાં કોળી સમાજના આગેવાનોએ આગામી 48 કલાકમાં આ ગુનામાં સામેલ તમામ આરોપીઓની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં નહીં આવે તો ગુજરાતના અલગ-અલગ શહેરોમાં બંધનું એલાન કરવાની, તેમજ રસ્તા રોકો અને જેલ ભરો આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે. ત્યારે જોવાનું રહ્યું કે આ ઘટનામાં સામેલ આરોપીઓને પોલીસ ક્યારે ધરપકડ કરે છે.