ચીન સહિત વિશ્વના અનેક દેશમાં કોરોનાના નવા કેસથી હાહાકાર મચ્યો છે. કોરોનાની લહેરની ખતરનાક સ્થિતિનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે, ચીનની હોસ્પિટલોથી લઈને મેડિકલ સ્ટોર્સ સુધી દવાઓ માટે લાંબી લાંબી કતારો લાગે છે. શબઘરમાં પણ એક પર એક મૃતદેહ ખડકીને લાશોના ઢગલા થઈ રહ્યા છે. આવી સ્થિતમાં ચીનથી અમેરિકા જનારા મુસાફરોને એરપોર્ટ ઉપર જ કોવિડ-19નો નેગેટિવ રિપોર્ટ બતાવવા માટે કહેવામાં આવ્યું છે. અમેરિકાએ આ આદેશને ફરજિયાત બનાવ્યો છે. ચીનમાં કોવિડ -19ને લગતા પ્રતિબંધો હળવા કર્યા પછી, કોરોનાના કેસોમાં ઝડપથી વધારો જોવા મળ્યો હતો.
અમેરિકાના અધિકારીઓએ કહ્યું કે, ચીનથી અમેરિકા આવનારા મુસાફરોને બોર્ડિંગ કરતા પહેલા તેમની એરલાઈન્સને કોવિડ-19નો નેગેટિવ ટેસ્ટ રિપોર્ટ બતાવવો પડશે. આ રિપોર્ટ બે દિવસથી વધુ જૂનો ના હોવો જોઈએ. આ રિપોર્ટ પીસીઆર પરીક્ષણ અથવા ટેલિહેલ્થ સેવા દ્વારા સંચાલિત એન્ટિજેન સ્વ-પરીક્ષણ હોઈ શકે છે. આ ઉપરાંત, આ નિયમો ચીનથી અમેરિકા ઉપરાંત અન્ય દેશો, જેવા કે, હોંગકોંગ, મકાઉ, ટોરોન્ટો અને વેનકુવરનો પણ સમાવેશ થાય છે. આ નિયમો આ દેશ અને એરપોર્ટ પર ચીનથી આવતા મુસાફરો ઉપર પણ લાગુ થશે.
જે મુસાફર તેમની ફ્લાઇટના 10 દિવસ પહેલા કોવિડ પોઝિટિવ આવ્યા હોય અને તે સ્વસ્થ થઈ ગયા હોય તો, તેણે કોવીડ-19નો નેગેટિવ રિપોર્ટ તેમજ અન્ય તબીબી દસ્તાવેજો બતાવવાના રહેશે. નવા નિયમો 5 જાન્યુઆરીના બપોરે 12 વાગ્યાથી લાગુ થશે. અમેરિકાના આરોગ્ય અધિકારીએ કહ્યું, “અમે જાણીએ છીએ કે આ પગલાં તમામ જોખમોને દૂર નહી કરે, અથવા સંક્રમણગ્રસ્ત લોકોને યુએસમાં પ્રવેશતા સંપૂર્ણપણે અટકાવી તો નહી શકાય, આમ છતાં, સાથે મળીને સંક્રમણગ્રસ્ત લોકોની સંખ્યાને મર્યાદિત રાખવામાં મદદ કરશે.
અમેરિકાના આરોગ્ય અધિકારીઓનું કહેવું છે કે નવા નિયમો લાગુ કરવા માટે એરલાઇન્સને પૂરતો સમય આપવા માટે 5 જાન્યુઆરીની સમયમર્યાદા નક્કી કરવામાં આવી છે. જો કે, આ નિયમો કેટલા સમય સુધી અમલમાં રહેશે તે અંગે અધિકારીઓએ કોઈ સ્પષ્ટતા કરી નથી. આગામી સમયમાં પરિસ્થિતિનું આકલન કરશે. આ પછી જ જરૂરિયાત મુજબ વધુ ફેરફારો કરવામાં આવશે.