મુંબઈ બનાવશે રેકોર્ડ ! આજે પાત્રતા ધરાવતા 100 ટકા લોકોને મળી જશે કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ
શુક્રવાર સુધીમાં શહેરના 92 લાખ 35 હજાર 708 લોકોને કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ મળ્યો છે. એટલે કે બીજા 838 ડોઝ આપ્યા પછી મુંબઈની 100 ટકા પુખ્ત વસ્તીને કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ મળી જાશે. સાથે આ રેકોર્ડ બનાવનાર મુંબઈ ભારતનું પ્રથમ મેટ્રો સિટી બનશે.
Maharashtra : કોરોના વેક્સિનેશનમાં મુંબઈ (Mumbai) આજે એક રેકોર્ડ બનાવવા જઈ રહ્યુ છે. શુક્રવારે શહેરમાં 92 લાખ 35 હજાર 708 લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ મળ્યો છે. એટલે કે આજે 838 ડોઝ આપ્યા પછી મુંબઈની 100 ટકા પુખ્ત વસ્તીને રસીનો પ્રથમ ડોઝ મળી જશે. આ રેકોર્ડ બનાવનાર મુંબઈ ભારતનું પ્રથમ મેટ્રો સિટી બનશે.
કોરોના વેક્સિનેશન અભિયાનમાં મુંબઈનો ડંકો
તમને જણાવી દઈએ કે, મુંબઈમાં શુક્રવારે જ 99.99 ટકા લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ (Vaccine Dose) આપવામાં આવ્યો છે. મુંબઈ દરરોજ વેક્સિનના 2 લાખ ડોઝ આપવાની ક્ષમતા ધરાવે છે. દિલ્હી, બેંગ્લોર, ચેન્નાઈ જેવા મહાનગરોની સરખામણીમાં મુંબઈ રસીકરણના અભિયાનમાં (Vaccination campaign) આગળ છે. હાલમાં, સ્થાનિક વહીવટીતંત્ર બીજા ડોઝ તરફ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે. અત્યાર સુધીમાં 65 ટકા લોકોએ રસીનો બીજો ડોઝ પણ લઈ લીધો છે.
ભારતમાં આટલા લોકોને રસીનો પ્રથમ ડોઝ મળ્યો છે
જો દેશના રસીકરણની વાત કરવામાં આવે તો અત્યાર સુધીમાં પાત્રતા ધરાવતા 80 ટકા લોકોએ રસીનો પ્રથમ ડોઝ લીધો છે. તેમજ 38 ટકા લોકોને રસીનો બીજો ડોઝ પણ મળ્યો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય (Health Department) દ્વારા આ માહિતી આપવામાં આવી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના અધિક સચિવ મનોહર અગ્નાનીએ ‘હર ઘર દસ્તક’ અભિયાન સાથે સંબંધિત વેબિનારમાં જણાવ્યુ હતુ કે, 30 નવેમ્બર સુધીમાં ઓછામાં ઓછા 90 ટકા લોકોને રસીનો પ્રથમ ડોઝ મળી જાય તે સરકારનું લક્ષ્ય છે.
ઉપરાંત કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ (Mansukh Mandaviya) ગુરુવારે તમામ રાજ્યોના આરોગ્ય પ્રધાનોને ‘હર ઘર દસ્તક’ અભિયાન અંતર્ગત રાજ્યોમાં પુખ્ત વસ્તીને ઓછામાં ઓછો પ્રથમ ડોઝ મળે તે સુનિશ્ચિત કરવા અપીલ કરી હતી. સાથે જ તેમણે બીજા ડોઝ અંગેની વ્યવસ્થા વધારવા પણ સુચન કર્યુ હતુ.
આ પણ વાંચો: મહારાષ્ટ્ર : ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન સલમાન ખુર્શીદનું પુસ્તક વિવાદમાં, ભાજપના આ નેતાએ નોંધાવી ફરિયાદ