ભરૂચની વેલ્ફેર હોસ્પિટલના કોવીડ કેર સેન્ટરના ICU માં આગ લાગી, 18 દર્દીઓ જીવતા ભૂંજાયા

ભરૂચના વેલ્ફેર હોસ્પિટલ સ્થિત કોવિડ  સેન્ટરના ICU માં રાતે પોણા  એક વાગ્યાના અરસામાં ભીષણ આગ ફાટી નીકળતા અફરાતફરી મચી ગઈ હતી.

  • Ankit Modi
  • Published On - 4:26 AM, 1 May 2021

ભરૂચના વેલ્ફેર હોસ્પિટલ સ્થિત કોવિડ  સેન્ટરના ICU માં રાતે પોણા  એક વાગ્યાના અરસામાં ભીષણ આગ ફાટી નીકળતા અફરાતફરી મચી ગઈ હતી. ઘટનામાં 18 લોકો ગંભીર રીતે દાઝી જવાથી મોતને ભેટયા છે.

કોવીડ સેન્ટરમાં લાગેલી આગના દ્રશ્યો નજરે પડે છે

ભરૂચ જંબુસર બાયપાસ પર આવેલી વેલ્ફેર હોસ્પિટલને ડેઝિગનેટેડ કોવિડ હોસ્પિટલમાં જાહેર કરવામાં આવી હતી. જેથી ભરૂચના અનેક કોરોના પોઝિટીવ દર્દીઓને આ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહીં હતી. તેવામાં મધ્યરાત્રીએ હોસ્પિટલના કોવિડ વોર્ડના ICU  -1 માં અચાનક આગ લાગતા 18 જેટલા દર્દીઓ બળીને ભડથું  થઇ ગયા હોવાના અહેવાલ પ્રાથમિક તબક્કે જાણવા મળી રહ્યાં છે.

દર્દીઓને રેસ્ક્યુ કરી એમ્બ્યુલન્સ સિવિલ સહીત અલગ અલગ હોસ્પિટલોમાં રવાના કરાઈ હતી.

હોસ્પિટલમાં દાખલ અન્ય દર્દીઓને રેસ્ક્યૂ કરી જિલ્લાની અલગ અલગ  હોસ્પિટલમાં શીફ્ટ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. હોસ્પિટલના કોવિડ વોર્ડમાં આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનુ પ્રાથમિક તારણ જાણવા મળી રહ્યું છે.

આગમાં વેન્ટિલેટર સહિતના સાધનો બળીને ખાક થઇ ગયા હતા

બનાવ અંગેની પ્રાથમિક માહિતી અનુસાર  તા. 30 એપ્રિલની મધ્યરાત્રીએ હોસ્પિટલાના કોવિડ વોર્ડમાં અચાનક આગ લાગતા ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. હોસ્પિટલમાં આગ લાગી હોવાની વાત વાયુ વેગની જેમ ફેલાતા ભરૂચના પશ્ચિમ વિસ્તારના 4 થી 5 હજાર લોકો હોસ્પિટલ બહાર દોડી આવ્યાં હતા. બીજી તરફ હોસ્પિટલમાં દાખલ દર્દીઓના સ્વજનો તેમને બચાવવા માટે આજીજી કરી રહ્યાં હતા.

દર્દીઓની ભાળ મેળવવા સ્વજનોના સિવિલ હોસ્પિટલમાં ટોળા એકઠાં થયા હતા

હોસ્પિટલમાં મધ્યરાત્રીએ લાગેલી ભયંકર આગમાં 12 જેટલા દર્દીઓ ગંભીરરીતે દાઝી ગયા હતા જ્યારે અન્ય દર્દીઓને બીજી હોસ્પિટલમાં શીફ્ટ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. ઘટનાને પગલે 25 થી વધુ એમ્બ્યૂલન્સો બચાવ કામગીરીમાં લાગી હતી. તેમજ જિલ્લા પોલીસનો કાફલો અને ફાયર બ્રીગેડના વાહનોઘટના સ્થળે પહોંચી પરિસ્થિતિ ઉપર નિયંત્રણ મેળવવા કામે લાગયા હતા.