ભરતી પરીક્ષા દરમિયાન ઉમેદવારો માથું ઢાંકી નહી શકે, આ રાજ્યે લગાવ્યો પ્રતિબંધ
ભારતના એક રાજ્યએ ભરતી પરીક્ષાઓ દરમિયાન માથું ઢાંકવા પર પ્રતિબંધ મૂક્યો છે. આ અંગે ઓથોરિટીએ નોટિસ પણ જાહેર કરી છે. જાહેર કરાયેલી નોટિસ અનુસાર પ્રતિબંધિત ડ્રેસ પહેરીને પરીક્ષા આપવા આવનારા ઉમેદવારોને પરીક્ષા હોલમાં પ્રવેશ આપવામાં આવશે નહીં. ઓથોરિટીએ નકલ રોકવા માટે આવો નિયમ જાહેર કર્યો છે.
ભરતી પરીક્ષાઓ દરમિયાન ઉમેદવારો કોઈપણ રીતે માથું ઢાંકી શકશે નહી આવો નિર્ણય કર્ણાટક રાજ્યમાં થયો છે. કર્ણાટક એક્ઝામિનેશન ઓથોરિટી (KEA) એ ભરતી પરીક્ષા પર આવો પ્રતિબંધ મૂક્યો છે. પરીક્ષા દરમિયાન બ્લૂટૂથ ડિવાઈસના ઉપયોગ જેવી છેતરપિંડી રોકવા માટે ઓથોરિટીએ આવું સ્ટેપ લીધું છે. ઓથોરિટીએ મહિલા ઉમેદવારોને પરીક્ષા દરમિયાન મંગળસૂત્ર અને બિછિયા પહેરવા સુધી જ પરવાનગી આપી છે.
પરીક્ષામાં ગેરરીતિઓને રોકવાના પ્રયાસોનો એક ભાગ
એક મીડિયા રિપોર્ટ મુજબ કર્ણાટક પરીક્ષા સત્તામંડળે જાહેર કરવામાં આવેલી ઓફિશિયલ સૂચના અનુસાર હવેથી પરીક્ષા ખંડમાં માથું, મોં કે કાન ઢાંકતા કોઈપણ વસ્ત્રો અથવા કેપ પહેરવા પર પ્રતિબંધ છે. આદેશમાં વધુમાં જણાવ્યું હતું કે આ પરીક્ષામાં ગેરરીતિઓને રોકવાના પ્રયાસોનો એક ભાગ છે. KEA ની જાહેરાત રાજ્યભરમાં 18 અને 19 નવેમ્બરના રોજ યોજાનારી વિવિધ બોર્ડ અને ભરતી પરીક્ષાઓ પહેલા આવી છે.
ડ્રેસ કોડ સ્પષ્ટપણે હિજાબ પર પ્રતિબંધ મૂકતો નથી
કર્ણાટક એક્ઝામિનેશન ઓથોરિટી (KEA) એ સમગ્ર રાજ્યમાં 18 અને 19 નવેમ્બરના રોજ વિવિધ બોર્ડ અને કોર્પોરેશનોની ભરતી પરીક્ષાઓ માટે ડ્રેસ કોડ જાહેર કર્યો છે. ઓથોરિટીએ કહ્યું છે કે, કોઈ પણ ઉમેદવાર ટોપી કે એવા કોઈ કપડાં પહેરશે નહીં જે માથું, મોં કે કાનને ઢાંકે. આમ કરનારા ઉમેદવારોને પરીક્ષા ખંડમાં પ્રવેશવા દેવામાં આવશે નહીં. જોકે ડ્રેસ કોડ સ્પષ્ટપણે હિજાબ પર પ્રતિબંધ મૂકતો નથી.
એક્ઝામમાં બેસવાની મંજૂરી
થોડા દિવસો પહેલા લેબર ડિપાર્ટમેન્ટ, કર્ણાટક સ્ટેટ ઈલેક્ટ્રોનિક્સ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ (KONICS), મૈસુર સેલ્સ ઈન્ટરનેશનલ લિમિટેડ (MSIL) અને સૈનિક કલ્યાણ બોર્ડ જેવા વિભાગોમાં ભરતી માટે વુમનને હિજાબ પહેરીને એક્ઝામમાં બેસવાની મંજૂરી આપી હતી. કર્ણાટકના ઉચ્ચ શિક્ષણ પ્રધાન ડૉ. એમ.સી. સુધાકરે સ્પષ્ટતા કરી છે કે, આને શાળાઓમાં હિજાબ પર સુપ્રીમ કોર્ટના આદેશ સાથે ભેળસેળ ન કરવું જોઈએ.
તમામ ભરતી પરીક્ષાઓ પર લાગુ
તમને જણાવી દઈએ કે, પબ્લિક સર્વિસ કમિશન સિવાય કર્ણાટકમાં અન્ય ભરતી પરીક્ષાઓ માત્ર કર્ણાટક એક્ઝામિનેશન ઓથોરિટી દ્વારા જ લેવામાં આવશે. આવી સ્થિતિમાં આ આદેશ KEA દ્વારા લેવામાં આવતી તમામ ભરતી પરીક્ષાઓ પર લાગુ કરવામાં આવશે.