Wipro Q4 Results: ચોથા ક્વાર્ટરમાં વિપ્રોનો નફો 4% વધ્યો, રેવન્યુમાં પણ થયો વધારો
માર્ચ 2022 ના રોજ પૂરા થયેલા ક્વાર્ટરમાં વિપ્રોનો (Wipro) કોન્સોલિડેટેડ ચોખ્ખો નફો ચાર ટકા વધીને 3,092.5 કરોડ રૂપિયા થયો છે. એક વર્ષ પહેલા, 2020-21 ના સમાન ક્વાર્ટરમાં તેનો નફો 2,974.1 કરોડ રૂપિયા હતો.
ઇન્ફોર્મેશન ટેક્નોલોજી કંપની વિપ્રોનો (Wipro) માર્ચ 2022 ના રોજ પૂરા થયેલા ત્રિમાસિક ગાળામાં એકીકૃત ચોખ્ખો નફો (Net Profit) ચાર ટકા વધીને 3,092.5 કરોડ રૂપિયો થયો છે. એક વર્ષ પહેલા, 2020-21 ના સમાન ક્વાર્ટરમાં તેનો નફો 2,974.1 કરોડ રૂપિયા હતો. વિપ્રોના મેનેજિંગ ડાયરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર થિએરી ડેલાપોર્ટે એક નિવેદનમાં જણાવ્યું હતું કે તેમના માટે આ એક અદ્ભુત વર્ષ રહ્યું છે, જેમાં 10.4 બિલિયન ડોલરની આવક (Revenue) થઈ છે. ઉદ્યોગ વૃદ્ધિ વાર્ષિક ધોરણે 27 ટકા રહી છે. તેમણે કહ્યું કે, આ સતત છઠ્ઠું ક્વાર્ટર છે, જ્યારે આવકમાં ત્રણ ટકાથી વધુની મજબૂત વૃદ્ધિ જોવા મળી છે. સમીક્ષા હેઠળના ક્વાર્ટરમાં વિપ્રોની કોન્સોલિડેટેડ ઓપરેટિંગ આવક 28 ટકા વધીને 20,860 કરોડ રૂપિયા થઈ છે. જે ગયા વર્ષે તે 16,245.4 કરોડ રૂપિયા હતી.
આવકમાં 28%નો વધારો
સંપૂર્ણ નાણાકીય વર્ષ માટે વિપ્રોનો એકીકૃત ચોખ્ખો નફો 12.57 ટકાના વધારા સાથે 12,232.9 કરોડ રૂપિયા રહ્યો છે. જે અગાઉના વર્ષ 2020-21માં 10,866.2 કરોડ રૂપિયા હતો. 2021-22માં કંપનીની ઓપરેટિંગ આવક 28 ટકા વધીને 79,747.5 કરોડ રૂપિયા થઈ, જે 2020-21માં 62,234.4 કરોડ રૂપિયા હતી. વિપ્રોના મુખ્ય નાણાકીય અધિકારી જતીન દલાલે જણાવ્યું હતું કે, આ વર્ષે ચોખ્ખી આવક 1.6 બિલિયન ડોલર રહી હતી, જે અત્યાર સુધીનો સૌથી વધુ છે.
આ સિવાય તમને જણાવી દઈએ કે આઈટી સેક્ટર હાલમાં હાઈ એટ્રિશન રેટની સમસ્યાનો સામનો કરી રહ્યું છે. એવી કોઈ કંપની નથી કે જ્યાં કર્મચારીઓ નોકરી ન છોડતા હોય. ખાસ કરીને ફ્રેશર્સ ખૂબ જ ઝડપથી કંપની બદલી રહ્યા છે, જેના કારણે કંપનીઓની મુશ્કેલીઓ વધી ગઈ છે. એટ્રિશન રેટ ઘટાડવા માટે કંપનીઓ ઘણા પ્રોત્સાહનો પણ આપી રહી છે.
એક અહેવાલ અનુસાર, ઉંચા એટ્રિશન રેટને કારણે, ફ્રેશર્સને એન્ટ્રી લેવલ પર વધુ પગારની ઓફર કરવામાં આવી રહી છે. કોરોના મહામારીમાં આઈટી સેક્ટરનો બિઝનેસ ખૂબ જ ઝડપથી વિકસ્યો છે. આવી સ્થિતિમાં તેમના માટે સ્કિલ્ડ ફોર્સની જરૂર છે. એન્ટ્રી લેવલ પર ફ્રેશર્સની જબરદસ્ત માગ છે જેઓ ઓપરેશનનું કામ ચાલુ રાખી શકે.
ઈન્ડસ્ટ્રીના લોકોના મતે આઈટી સેક્ટરમાં ફ્રેશર્સને સરેરાશ 15 ટકા વધુ સેલરી ઓફર કરવામાં આવી રહી છે. નવી નોકરીઓ માટે કંપનીઓ 60 ટકા વધુ પગાર ઓફર કરી રહી છે. વર્ષ 2021માં ફ્રેશર્સનો સરેરાશ પગાર 3.65 લાખ રૂપિયા હતો. આ વર્ષે સરેરાશ 4.25 લાખ રૂપિયાની ઓફર કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો : રોકાણકારો માટે આનંદના સમાચાર! LIC કરતાં પણ મોટો IPO આવી રહ્યો છે, મુકેશ અંબાણીની JIOને બજારમાં લાવવાની તૈયારી