Unilever તેનું Restructuring કરશે, ફેરફાર સાથે 1500 કર્મચારીઓ બેરોજગાર બનશે
કંપનીના આ નિર્ણય બાદ યુનિલિવરમાં કામ કરતા 1500થી વધુ લોકોની નોકરીઓ જોખમમાં આવી ગઈ છે જેઓ વિશ્વના વિવિધ ભાગોમાં કામ કરે છે.
વિશ્વ વિખ્યાત FMCG પ્રોડક્ટ નિર્માતા યુનિલિવરે (Unilever) તેના બિઝનેસમાં મોટા ફેરફારોની જાહેરાત કરી છે. યુકેની આ કંપનીએ તેના બિઝનેસનું પુનર્ગઠન કરવાનો મોટો નિર્ણય લીધો છે. કંપનીએ તેના બિઝનેસને 5 અલગ-અલગ કેટેગરીમાં વિભાજિત કર્યા છે. એક તરફ કંપની 5 કેટરગરીમાં વૃદ્ધિના પ્રયાસ કરી રહી છે તો સામે કંપનીની વૃદ્ધિ પાછળ ભૂમિકા ભજવનાર કર્મચારીઓ બેરોજગારીનું જોખમ પણ ઉભું થવાનું છે.
આ કેટેગરીમાં બ્યુટી એન્ડ વેલબીઇંગ, પર્સનલ કેર, હોમ કેર, ન્યુટ્રીશન અને આઈસ્ક્રીમનો સમાવેશ થાય છે. કંપની હવે આ 5 કેટેગરી પર ફોકસ કરશે. નવા ફેરફારો બાદ બ્યુટી પ્રોડક્ટ્સ અને પર્સનલ કેર અલગ કરી દેવામાં આવ્યા છે. કંપનીએ તેના નિર્ણયમાં કહ્યું છે કે તમામ શ્રેણીઓ તેમની પોતાની વૃદ્ધિ અને વ્યૂહરચના માટે જવાબદાર રહેશે. જો કે, કંપની આ તમામ કેટેગરીઓને જરૂરી મદદ પૂરી પાડતી રહેશે.
વિશ્વભરમાં 1500 કર્મચારીઓ રોજગારી ગુમાવશે
કંપનીના આ નિર્ણય બાદ યુનિલિવરમાં કામ કરતા 1500થી વધુ લોકોની નોકરીઓ જોખમમાં આવી ગઈ છે જેઓ વિશ્વના વિવિધ ભાગોમાં કામ કરે છે. એક મીડિયા રિપોર્ટ મુજબ કંપનીએ આ મોટા નિર્ણય બાદ વિશ્વભરમાં 1500 કર્મચારીઓની છટણી કરવાનો નિર્ણય લીધો છે. આમાં નાના હોદ્દા પર કામ કરતા કર્મચારીઓથી લઈને મોટા હોદ્દા પર કામ કરતા અધિકારીઓનો સમાવેશ થાય છે. રિપોર્ટ અનુસાર જે લોકોને છૂટા કરવામાં આવશે તેમાં મોટા ભાગના વરિષ્ઠ અધિકારીઓ હશે. જણાવવામાં આવી રહ્યું છે કે કંપની જે લોકોને છૂટા કરવા જઈ રહી છે તેમાંથી 15 ટકા કર્મચારીઓ ઉચ્ચ પદ પર છે અને 5 ટકા કર્મચારીઓ નીચલા પદ પર કામ કરી રહ્યા છે.
નવા ચહેરાઓ મહત્વના પદ ઉપર જોવા મળશે
યુનિલિવરે જણાવ્યું કે આ ફેરફાર બાદ ઘણા જૂના કર્મચારીઓ પાછળ રહી જશે જ્યારે કેટલાક નવા ચહેરા પણ ઉમેરવામાં આવશે. જોકે કંપનીએ સ્પષ્ટ કર્યું છે કે સંજીવ મહેતા( Sanjeev Mehta) હિન્દુસ્તાન યુનિલિવર લિમિટેડના એક્ઝિક્યુટિવ લીડરશીપમાં તેમની ભૂમિકા નિભાવવાનું ચાલુ રાખશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર યુનિલિવર વિશ્વભરમાં 1.5 લાખ કર્મચારીઓ ધરાવે છે જેમાંથી 6,000 યુકે અને આયર્લેન્ડમાં કામ કરે છે. કંપનીએ હજુ સુધી છટણી અંગે વધુ સ્પષ્ટતા કરી નથી. તાત્પર્ય એ છે કે કયા દેશોમાં કેટલી છટણી થશે તેની કોઈ સ્પષ્ટ માહિતી આપવામાં આવી નથી.
આ પણ વાંચો : LIC IPO પહેલા કંપનીની આ માહિતી રોકાણકારોનો ઉત્સાહ બમણો કરશે, જાણો વિગતવાર
આ પણ વાંચો : EPFO : હવે PF ખાતામાંથી બીજી વખત પણ ઉપાડી શકો છો Covid Advance, જાણો કઈ રીતે