અહીં રોકાણકારોના પૈસા માત્ર 50 દિવસમાં થયા ડબલ, જાણો કઈ રીતે રોકાણકારો થયા માલામાલ
અદાણી વિલ્મરના શેરે છેલ્લા એક મહિનામાં લગભગ 100 ટકા વળતર આપ્યું છે. જ્યારે નિફ્ટીમાં આ સમયગાળા દરમિયાન લગભગ 4 ટકાનો વધારો જોવા મળ્યો હતો. 8 ફેબ્રુઆરીએ અદાણી વિલ્મરનો સ્ટોક લગભગ 4 ટકાના ડિસ્કાઉન્ટ પર લિસ્ટ થયો હતો.
અદાણી વિલ્મર(Adani Wilmar) સ્ટોકે છેલ્લા 50 દિવસમાં જબરદસ્ત વળતર આપ્યું છે. કંપનીનો સ્ટોક આ વર્ષે 8 ફેબ્રુઆરીએ BSE પર રૂ. 221 પર લિસ્ટ થયો હતો. બુધવારે શેર તેની સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યો હતો અને રૂ. 500નો આંક પણ વટાવી ગયો હતો. અદાણી વિલ્મરનો શેર 133% વધ્યો છે. બુધવારે અદાણી વિલ્મરનો શેર BSE પર રૂ. 514.95 સુધીના સ્તરને સ્પર્શ્યો હતો. આ તેની લિસ્ટિંગ કિંમત કરતાં 133% નો વધારો છે. આ તેનું અત્યાર સુધીનું ઓલ ટાઈમ હાઈ(All Time High) લેવલ છે. જોકે કંપનીનો શેર 1.40% ના ઘટાડા સાથે રૂ. 492.90 પર બંધ થયો હતો. અગાઉ સોમવારે અદાણી વિલ્મરના શેરમાં 10 ટકાની અપર સર્કિટ હતી. આ રીતે IPO રોકાણકારોના નાણાં માત્ર 50 દિવસમાં બમણાથી વધુ થઈ ગયા છે.
અદાણી વિલ્મરના શેરે છેલ્લા એક મહિનામાં લગભગ 100 ટકા વળતર આપ્યું છે. જ્યારે નિફ્ટીમાં આ સમયગાળા દરમિયાન લગભગ 4 ટકાનો વધારો જોવા મળ્યો હતો. 8 ફેબ્રુઆરીએ અદાણી વિલ્મરનો સ્ટોક લગભગ 4 ટકાના ડિસ્કાઉન્ટ પર લિસ્ટ થયો હતો. જે બાદ શરૂઆતના 3 દિવસમાં 60 ટકાથી વધુ સ્ટોક વધી ગયો હતો. જોકે વચ્ચે થોડો ઘટાડો પણ જોવા મળ્યો હતો.
શું છે નિષ્ણાંતોનો અભિપ્રાય
અદાણી વિલ્મરનો સ્ટોક હજુ પણ ખરીદી શકાય છે કે કેમ તે અંગે Tips2Tradesના સહ-સ્થાપક અને ટ્રેનર એ.કે. આર. રામચંદ્રનનું કહેવું છે કે કંપનીના મજબૂત ફંડામેન્ટલ્સની સાથે બજારમાં ખાદ્યતેલ કંપનીના શેરને લઈને ટ્રેન્ડ વધ્યો છે. આમાં રૂચી સોયાના FPOનો પણ મોટો ફાળો છે. તેમનો અંદાજ છે કે તે રૂ. 630 જેટલો ઊંચો જઈ શકે છે પરંતુ તે જ સમયે તેઓ રોકાણકારોને સલાહ આપે છે કે તેઓ આ શેર પર તરત જ નફો બુક કરે કારણ કે તે પછી કંપનીનો સ્ટોક ફરીથી 428 થી 430 ના સ્તર પર આવી શકે છે. બજારમાં ક્રૂડ પામ ઓઈલના ભાવમાં પણ વધારો થયો છે.
કંપનીનો બિઝનેસ શું છે ?
ગૌતમ અદાણીનું અદાણી ગ્રુપ અદાણી વિલ્મરમાં 50 ટકા હિસ્સો ધરાવે છે. બાકીનો 50 ટકા હિસ્સો સિંગાપોરના વિલ્મર ગ્રુપ પાસે છે. અદાણી ગ્રુપની આ 7મી કંપની છે જે સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટેડ છે. આ કંપની ફોર્ચ્યુન બ્રાન્ડ નામ હેઠળ ખાદ્ય તેલ વેચે છે. આ સિવાય કંપની ચોખા, લોટ, ખાંડ જેવી ખાદ્ય વસ્તુઓનો બિઝનેસ પણ કરે છે. કંપનીના પોર્ટફોલિયોમાં સાબુ, હેન્ડવોશ અને હેન્ડ સેનિટાઈઝર જેવા ઉત્પાદનોનો પણ સમાવેશ થાય છે. તે ભારતીય બજારમાં સૌથી મોટી FMCG કંપનીઓમાંની એક છે.