ખાદ્ય તેલ ક્ષેત્રની અગ્રણી કંપની અદાણી વિલ્મર લિમિટેડ (Adani Wilmar) નો માર્ચમાં પૂરા થયેલા છેલ્લા નાણાકીય વર્ષના ચોથા ક્વાર્ટરમાં એકીકૃત ચોખ્ખો નફો 26 ટકા ઘટીને રૂ. 234.29 કરોડ થયો છે. કંપનીએ સોમવારે આ જાણકારી આપી હતી. કંપનીએ વધુમાં કહ્યું છે કે ટેક્સ પર થતા ખર્ચમાં વધારો થવાને કારણે તેનો નફો ઘટ્યો છે. એક વર્ષ અગાઉના સમાન સમયગાળામાં કંપનીએ રૂ. 315 કરોડનો ચોખ્ખો નફો કર્યો હતો. સ્ટોક એક્સચેન્જોને મોકલવામાં આવેલી માહિતીમાં અદાણી વિલ્મરે જણાવ્યું હતું કે ગયા નાણાકીય વર્ષના જાન્યુઆરી-માર્ચ ક્વાર્ટરમાં તેની કુલ આવક વધીને રૂ. 15,022.94 કરોડ થઈ છે જે 2020-21ના સમાન સમયગાળામાં રૂ. 10,698.51 કરોડ હતી. પાછલા નાણાકીય વર્ષ દરમિયાન કંપનીનો ચોખ્ખો નફો વધીને રૂ. 803.73 કરોડ થયો છે જે અગાઉના નાણાકીય વર્ષમાં રૂ. 728.51 કરોડ હતો.
નાણાકીય વર્ષ દરમિયાન કંપનીની કુલ આવક રૂ. 37,194.69 કરોડથી વધીને રૂ. 54,385.89 કરોડ થઈ છે. તાજેતરમાં કંપનીએ ઇનિશિયલ પબ્લિક ઓફરિંગ (IPO) દ્વારા રૂ. 3,600 કરોડ એકત્ર કર્યા હતા અને શેર સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટેડ થયા હતા.
અદાણી વિલ્મર એ અદાણી ગ્રુપ અને વિલ્મર ગ્રુપનું સંયુક્ત સાહસ છે. ભારતના ખાદ્ય તેલ બજારમાં અદાણી વિલ્મરનો હિસ્સો 19 ટકા છે. અદાણી વિલ્મર વૈશ્વિક બજારમાં પણ પ્રવેશ ધરાવે છે. વિલ્મર આ સંયુક્ત સાહસમાં 44 ટકા હિસ્સો ધરાવે છે. અદાણી વિલ્મર સપ્લાયર્સ સાથે મજબૂત સંબંધ છે. પોર્ટ બિઝનેસના કારણે કંપનીને સપ્લાય ચેઇનમાં પણ ફાયદો થાય છે.
અદાણી ગ્રુપની કંપનીઓ છેલ્લા કેટલાક સમયથી આશ્ચર્યચકિત કરી રહી છે. રોકાણકારો સમૃદ્ધ થઈ રહ્યા છે. થોડા દિવસો પહેલા અદાણી પાવરનું માર્કેટ કેપ 1 લાખ કરોડને પાર કરી ગયું હતું અને ત્યારબાદ અદાણી વિલ્મરનું માર્કેટ કેપ પણ 1 લાખ કરોડને પાર કરી ગયું હતું. જેપી મોર્ગનનું કહેવું છે કે મધ્યમ ગાળામાં કુકિંગ ઓઈલ સેગમેન્ટમાં અદાણી વિલ્મરના વોલ્યુમમાં 6-8 ટકાની વૃદ્ધિ શક્ય છે. દક્ષિણ, પશ્ચિમ અને ગ્રામીણ બજારોમાં અદાણી વિલ્મરનું સપ્લાય નેટવર્ક ખૂબ જ મજબૂત છે, જેના કારણે તેનો સ્ટોક અત્યારે તેજીમાં રહેશે.
આ પણ વાંચો : દેશમાં ACનું વેચાણ રેકોર્ડ સ્તરે પહોંચ્યું, ગરમીના કારણે માગમાં ઉછાળો
આ પણ વાંચો : Electricity Crisis : દેશમાં કોલસાના અભાવે સર્જાયું વીજળી સંકટ, જાણો તમારા ખિસ્સાને કેવી રીતે કરશે અસર