Reliance અને Disney Hotstarની ડીલ પર મહોર, નીતા અંબાણી સંભાળશે નવી કંપનીની કમાન
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ અને વોલ્ટ ડિઝનીના વિલીનીકરણ પૂર્ણ થયા પછી દેશમાં એક મીડિયા કંપની હશે જેની પાસે બહુવિધ ભાષાઓમાં 100થી વધુ ચેનલો, 2 મુખ્ય OTT પ્લેટફોર્મ અને દેશભરમાં 75 કરોડ દર્શકો હશે. આ ડીલ હેઠળ વાયાકોમ 18ના મીડિયા બિઝનેસને સ્ટાર ઈન્ડિયામાં મર્જ કરવામાં આવશે.

દેશની સૌથી વેલ્યુએબલ કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ટૂંક સમયમાં સૌથી મોટી મીડિયા કંપનીઓમાંથી એક બની જશે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ અને વોલ્ટ ડિઝની વચ્ચે મર્જર ડીલને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું છે. બંને કંપનીઓ મર્જર અંગેના કરાર પર હસ્તાક્ષર કરશે અને અસ્તિત્વમાં આવનારી નવી કંપનીનું મૂલ્યાંકન રૂ. 70,000 કરોડ હોવાનો અંદાજ છે. તેનો અર્થ એ કે હવે Disney+Hotstar ખૂબ જ જલ્દી Jio+Hotstar બની શકે છે.
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ અને વોલ્ટ ડિઝનીના વિલીનીકરણ પૂર્ણ થયા પછી દેશમાં એક મીડિયા કંપની હશે જેની પાસે બહુવિધ ભાષાઓમાં 100થી વધુ ચેનલો, 2 મુખ્ય OTT પ્લેટફોર્મ અને દેશભરમાં 75 કરોડ દર્શકો હશે. આ ડીલ હેઠળ વાયાકોમ 18ના મીડિયા બિઝનેસને સ્ટાર ઈન્ડિયામાં મર્જ કરવામાં આવશે. આ માટે કોર્ટ અને અન્ય નિયમનકારી મંજૂરીઓની જરૂર પડશે.
રિલાયન્સ OTT પર રૂ.11,500 કરોડનું રોકાણ કરશે
નવી બનેલી કંપનીમાં રિલાયન્સ અને તેની સહયોગી કંપનીઓનો કુલ હિસ્સો 63.16 ટકા હશે, જેમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ 16.34 ટકા શેર અને વાયાકોમ 18 પાસે 46.82 ટકા શેર હશે. જ્યારે બાકીનો 36.84 ટકા હિસ્સો ડિઝની પાસે રહેશે. રિલાયન્સ તેના OTT બિઝનેસને વિસ્તારવા માટે આ સંયુક્ત સાહસમાં અંદાજે રૂ.11,500 કરોડનું રોકાણ કરશે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીની પત્ની નીતા અંબાણી આ નવી મીડિયા કંપનીના ચેરપર્સન બનશે, જ્યારે ઉદય શંકર વાઇસ ચેરપર્સન હશે.
નવી મીડિયા કંપનીમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો હિસ્સો નિયંત્રિત રહેશે. જ્યારે ડિઝનીને તેની કેટલીક અન્ય મીડિયા કંપનીઓને મર્જ કરવાની મંજૂરી પણ આપવામાં આવી છે. જો કે આ માટે તેણે રેગ્યુલેટર અને થર્ડ પાર્ટી પાસેથી મંજૂરી લેવી પડશે. આ સાથે દેશમાં મોટી સંખ્યામાં દર્શકો માટે મનોરંજન અને રમતગમતના કાર્યક્રમો અંગેના નિર્ણયો રિલાયન્સની ઈચ્છા મુજબ લેવામાં આવશે. આ ડીલ પછી કલર્સ, સ્ટારપ્લસ, સ્ટારગોલ્ડ, સ્ટાર સ્પોર્ટ્સ અને સ્પોર્ટ્સ18 જેવી ચેનલો એક હાથ નીચે આવી જશે. જ્યારે Jio Cinema અને Disney+ Hotstar જેવા ડિજિટલ પ્લેટફોર્મ પણ એક છત નીચે આવશે.
નવી કંપની પાસે ડિઝનીના કન્ટેટના અધિકારો હશે
નવી કંપનીને ડિઝનીની 30,000થી વધુ કન્ટેટ સંપત્તિ મળશે. લાયસન્સ સાથે ભારતમાં ડિઝની બેનર હેઠળ બનેલી ફિલ્મો અને કાર્યક્રમોના પ્રસારણ માટે વિશિષ્ટ અધિકારો આપવામાં આવશે. મુકેશ અંબાણીએ તેને ઐતિહાસિક ડીલ ગણાવી છે. તેમણે કહ્યું છે કે ભારતીય મનોરંજન ઉદ્યોગમાં આ એક નવા યુગની શરૂઆત છે.
